fbpx

તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ: AIADMKના 25 ધારાસભ્યો પુડુચેરી ખસેડાયા, વિજય…

Spread the love

તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ: AIADMKના 25 ધારાસભ્યો પુડુચેરી ખસેડાયા, વિજય...

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર બનાવવાને લઈને પેચ ફસાયો છે. રાજ્યમાં ચાલી રહેલી ઝડપી રાજકીય ગતિવિધિઓ વચ્ચે બુધવારે રાત્રે AIADMK ના 25થી વધુ ધારાસભ્યોને પડોશી રાજ્ય પુડુચેરીના એક આલીશાન રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી TVK (તમિલગા વેટ્ટરી કઝગમ) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યા બાદ બહુમતી સાબિત કરવા માટે મથામણ કરી રહી છે, ત્યારે આ ઘટનાક્રમ સામે આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, AIADMK ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સી.વી. શણમુગમ, જેઓ પક્ષના વડા એડપ્પડી કે. પલાનીસ્વામીના હરીફ તરીકે ઉભરી રહ્યા છે, તેમણે પુડુચેરીના ‘ધ શોર ત્રિશવમ’ (The Shore Trishvam) રિસોર્ટમાં 20થી વધુ રૂમ બુક કરાવ્યા છે. આ ધારાસભ્યો માટે સોમવાર સુધી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. માનવામાં આવે છે કે આ ધારાસભ્યો શણમુગમના જૂથના છે અને તેઓ તમિલનાડુમાં સરકાર બનાવવા માટે વિજયની પાર્ટી TVK ને ટેકો આપવા માંગે છે.

02

રિસોર્ટમાં હાજર મુખ્ય ધારાસભ્યોની યાદી:

રિપોર્ટ મુજબ, જે ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે તેમાં નીચેના નામોનો સમાવેશ થાય છે. બાલકૃષ્ણ રેડ્ડી (હોસુર), અભિનેત્રી જયસુધા (આરણી), એ.પી. જયશંકરન (આથુર), એસ.એમ. સુકુમાર (આરકોટ). ઓ.એસ. મનિયન (વેદારણ્યમ), વેલુ (ચેંગમ), એસ. જયકુમાર (પેરુન્દુરાઈ), કરપ્પનન (ભવાની). પૂર્વ મંત્રી વિજયભાસ્કર (વિરાલીમલાઈ), એસ. શેખર (પરમથી-વેલુર). આ ઉપરાંત વેંકટાચલમ, મરગથમ, રાજશેખર, રામચંદ્રન, મણિ, પલાનીસ્વામી, મોહન, રાજેન્દ્રન અને થલાવાઈ એન. સુંદરમનો પણ સમાવેશ થાય છે.

આંકડાકીય માથાકૂટ અને ગઠબંધનનો ખેલ

તમિલનાડુમાં સરકાર બનાવવા માટે 118  બેઠકોની જરૂર છે.

  • TVK (વિજયની પાર્ટી): 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી, પરંતુ બહુમતીથી 10 બેઠકો દૂર.
  • DMK: 59 બેઠકો.
  • AIADMK: 47 બેઠકો.
  • કોંગ્રેસ: 5 બેઠકો (TVK ને ટેકો જાહેર કર્યો છે).

વિજયે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ રાજ્યપાલે 118 ધારાસભ્યોના સમર્થનનો પુરાવો માંગ્યો છે. હાલ વિજય પાસે કોંગ્રેસ સહિત 112 ધારાસભ્યોનું સમર્થન હોવાનું જણાય છે.

03

DMK અને AIADMK વચ્ચે બેકચેનલ મંત્રણા?

એક આશ્ચર્યજનક વળાંકમાં, કટ્ટર હરીફ ગણાતી DMK એ પણ AIADMK સાથે બેકચેનલ વાતચીત શરૂ કરી હોવાના અહેવાલ છે. જોકે, હજુ સુધી કોઈ ગઠબંધન અંગે સ્પષ્ટતા થઈ નથી. બીજી તરફ, ડાબેરી પક્ષો શુક્રવારે નિર્ણય લેશે કે તેઓ TVK ને ટેકો આપશે કે નહીં.

સુરક્ષા અને સાવચેતી:

પોતાના ધારાસભ્યો તૂટે નહીં તે માટે વિજયની પાર્ટી TVK એ પણ પોતાના ધારાસભ્યોને મામલ્લાપુરમના રિસોર્ટમાં રાખ્યા છે. હાલ તમિલનાડુનું રાજકારણ રિસોર્ટ અને ગુપ્ત બેઠકો વચ્ચે ઘેરાયેલું છે અને ‘મેજિક ફિગર’ સુધી પહોંચવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

Leave a Reply

error: Content is protected !!