
આર્જેન્ટિનાથી રવાના થયેલા ડચ ક્રૂઝ જહાજ ‘MV Hondius’માં ફેલાયેલા હંતાવાયરસના પ્રકોપે વિશ્વભરના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. જહાજ પરના ઘણા મુસાફરો ગંભીર રીતે બીમાર પડ્યા હતા, જેમાંથી ત્રણના જીવ ગયા છે. તેને લઇને, આંતરરાષ્ટ્રીય આરોગ્ય એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. ગુરુવારે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પુષ્ટિ આપી કે અત્યાર સુધીમાં જહાજ સાથે જોડાયેલા આઠ કેસ સામે આવ્યા છે; આમાંથી 5 કેસમાં હંતાવાયરસની પુષ્ટિ થઈ છે, જ્યારે 3 શંકાસ્પદ છે. આ મુસાફરોમાંથી 3ના જીવ ગયા છે, જેના કારણે આ બીમારી અંગે ગંભીર વૈશ્વિક ચિંતાઓ ઉભી થઈ છે. નોંધનીય છે કે હંતાવાયરસ ઉંદરો દ્વારા ફેલાય છે. તે ઉંદરો સાથે સીધા સંપર્ક દ્વારા અથવા તેમના લાળ, પેશાબ અને મળ દ્વારા ફેલાય છે.
હંતાવાયરસ અંગે મીડિયા બ્રીફિંગ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના વડાએ સ્પષ્ટતા કરી કે આ ન તો કોઈ નવો વાયરસ છે અને ન તો તે COVID-19 જેવી મહામારીની પરિસ્થિતિ છે. આ કોરોનાવાયરસ નથી; આ કોઈ મહામારી નથી. આ એવી પરિસ્થિતિ નથી જે 6 વર્ષ પહેલાં COVID-19 દરમિયાન દુનિયાએ જોઈ હતી.

આ સાથે જ, WHOએ 12 દેશોને સત્તાવાર રીતે ચેતવણીઓ આપી છે જેમના નાગરિકો સેન્ટ હેલેના ખાતે ક્રૂઝ શિપમાંથી ઉતર્યા હતા. આ દેશોમાં બ્રિટન, અમેરિકા, કેનેડા, જર્મની, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, સિંગાપોર અને તુર્કીનો સમાવેશ થાય છે. જોકે, રાહત આપનારી બાબત એ છે કે ક્રૂઝ શિપ પર સવાર અન્ય કોઈપણ મુસાફરોમાં હાલમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.
ત્યારબાદ, જહાજ ડોક થયા પછી, અન્ય એક ચેપગ્રસ્ત વ્યક્તિ જોહાનિસબર્ગ પહોંચ્યો, જ્યાં તેનો પણ જીવ જતો રહ્યો. ત્યારબાદના પરીક્ષણોમાં હંતાવાયરસ ચેપની પુષ્ટિ થઈ. સ્વિટ્ઝર્લૅન્ડમાં પણ એક કેસ મળી આવ્યો હોવાના અહેવાલો બહાર આવ્યા. WHOએ જણાવ્યું હતું કે તે એ વ્યક્તિઓના અહેવાલોથી વાકેફ છે જેમાં લક્ષણો જોવા મળી રહ્યા છે અને જેઓ ચેપગ્રસ્ત મુસાફરોના સંપર્કમાં આવ્યા હોઈ શકે છે. જો કે, સંસ્થા જાહેર આરોગ્ય માટેના એકંદર જોખમ ઓછું છે.

ક્રૂઝ શિપ પર કેસોની તપાસ કરી રહ્યા છે WHOના નિષ્ણાતો
WHOએ જણાવ્યું હતું કે તેના એક નિષ્ણાત કાબો વર્ડેમાં ક્રૂઝ શિપ પર સવાર થયા છે. આ નિષ્ણાતની સાથે નેધરલેન્ડના બે ડૉક્ટરો અને યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ECDC)ના એક નિષ્ણાત છે. આ ટીમ જહાજ કેનેરી ટાપુઓ સુધી પહોંચે ત્યાં સુધી બોર્ડ પર રહેશે. નિષ્ણાતો જહાજ પરના દરેક વ્યક્તિની તબીબી તપાસ કરી રહ્યા છે અને ચેપના જોખમનું મૂલ્યાંકન કરવા માટે માહિતી એકત્રિત કરી રહ્યા છે.
સંગઠને પુનરોચ્ચાર કર્યો કે કુલ જોખમ ન્યૂનતમ છે અને ચેપને ફેલાતો રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રોગનો ફેલાવો મર્યાદિત કરી શકાય છે. WHOના એક અધિકારીએ કહ્યું કે આ ચેપ બંધ જગ્યાઓમાં ફેલાઈ શકે છે, જેમ કે આર્જેન્ટિનામાં 2018ના થયેલા પ્રકોપ દરમિયાન જોવા મળ્યું હતું. જો કે, તેમણે સ્પષ્ટતા કરી કે મોટાભાગે હંતાવાયરસ સ્ટ્રેન વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી.

WHO નિષ્ણાત ડૉ. મારિયાએ જણાવ્યું હતું કે, આ SARS-CoV-2 (COVID-19) નથી. તે કોરોનાવાયરસની જેમ ફેલાતો નથી. તે નજીકના શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે. હાલમાં જહાજ પર સાવચેતીના પગલાં લાગૂ કરવામાં આવી રહ્યા છે. મોટાભાગના હંતાવાયરસ સ્ટ્રેન એક માણસથી બીજા માણસમાં ફેલાતા નથી.
WHOએ એમ પણ કહ્યું કે, હાલમાં, જહાજ પરના બાકીના કોઈપણ મુસાફરોમાં લક્ષણો દેખાતા નથી. જો કે, વાયરસના ઇનક્યૂબેશનનો સમયગાળો લગભગ 6 અઠવાડિયા સુધી રહી શકે છે, તેથી આગામી દિવસોમાં વધારાના કેસ બહાર આવી શકે છે. સંસ્થાએ ભાર મૂક્યો હતો કે આ મહામારી જેવી પરિસ્થિતિ નથી અને જાહેર આરોગ્ય એજન્સીઓ ચેપની સાંકળ તોડવા માટે સહયોગથી કામ કરી રહી છે.
હંતાવાયરસનો હુમલો શાંત અને ઝડપી હોય છે. શરૂઆતમાં, તે સામાન્ય ફ્લૂ જેવો લાગે છે જેમ કે તાવ, શરીરમાં દુ:ખાવો અને નબળાઈ. જોકે, દર્દીની સ્થિતિ અચાનક બગડવા લાગે છે. વાયરસ રક્ત વાહિનીઓને નબળી બનાવે છે જેના કારણે પ્રવાહી બહાર નીકળી જાય છે અને ફેફસામાં એકઠા થવા લાગે છે.

દર્દીને એવું લાગે છે કે જાણે તે હવામાં હોવા છતા ડૂબી રહ્યો છે. આવા ગંભીર ક્ષણોમાં, ECMO મશીન (જે ફેફસાં અને હૃદયના કાર્યો કરે છે) એ જીવન બચાવી શકેછે. ચિલી અને આર્જેન્ટિના જેવા દેશોમાં નિયમ છે કે, હંતાવાયરસના લક્ષણો દેખાય કે તરત જ દર્દીને તાત્કાલિક ECMO ક્ષમતાઓથી સજ્જ તબીબી સુવિધા હોય ત્યાં સ્થાનાંતરિત કરવો જોઈએ.