fbpx

સુરતમાં કાળજું કંપાવતી ઘટના: નાનીએ ટકોર કરી તો દોહિત્રએ કાસળ કાઢી નાખ્યું અને પછી..

Spread the love

સુરતમાં કાળજું કંપાવતી ઘટના: નાનીએ ટકોર કરી તો દોહિત્રએ કાસળ કાઢી નાખ્યું અને પછી..

સુરતમાં ગુનાની ઘટનાઓ સતત માથું ઊંચકી રહી છે. લોકો હવે નાની નાની વાતે પણ એટલા નારાજ થઈ જાય છે, કે ગુસ્સામાં કોઈ પણ પગલું ભરી લે છે. એવી જ રીતે પુણા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પરવટ પાટિયા પાસે આવેલા અનમોલ એપાર્ટમેન્ટના એક રૂમ-રસોડાના નાનકડા મકાનમાં 70 વર્ષીય વૃદ્ધા લોહીલુહાણ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના કોઈ લૂંટ કે ચોરીના ઈરાદે થયેલી હત્યા નથી, પરંતુ નાનીની ટકોરથી ઉશ્કેરાઈને એક નરાધમ દોહિત્રએ પોતાની જ સગી નાનીનો જીવ લઈ લીધો.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પુણા પોલીસ મથકની હદમાં આવતા પરવટ પાટિયાના અનમોલ એપાર્ટમેન્ટમાં ગત રાત્રિએ હૈયું હચમચાવી દે તેવી ઘટના બની હતી. 70 વર્ષના લીલાબેન ચંદુભાઈ ચૌધરી પોતાના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, તેમના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા હતા. ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પુણા PI વિક્રમ દેસાઈ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના ખૂબ જ ગૂચાવણવાળી લાગતી હતી કારણ કે ઘરમાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશી હોય તેવા સંકેત કે પુરાવા નહોતા.

surat1

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લીલાબેનનો 25 વર્ષીય દોહિત્ર હર્ષ નિલેશભાઈ પટેલ ત્યાં જ હાજર હતો. હર્ષે પોલીસ સામે રડતા-રડતા એક કહાની રચી કાઢી હતી. તેણે કહ્યું હતું કે, નાની છેલ્લા ઘણા સમયથી કંટાળી ગયા હતા અને આજે અચાનક તેમણે ‘મારે જીવવું નથી’ તેમ કહી ચપ્પુ ઉઠાવ્યું હતું. મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ઝપાઝપીમાં તેમને ગળાના ભાગે વાગી ગયું. હર્ષે આ જ વાત તેના પાડોશીઓ અને અન્ય સંબંધીઓને પણ કહી હતી જેથી કોઈને તેના પર શંકા ન જાય.

પોલીસને હર્ષની વાતોમાં શરૂઆતથી જ શંકા હતી. ઘટનાસ્થળ પર લોહીના ડાઘ અને લાશની સ્થિતિ કંઈક અલગ જ કહાની કહેતી હતી. PI વિક્રમ દેસાઈએ તરત જ ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને FSLની મદદ લીધી હતી. જ્યારે નિષ્ણાતોએ તપાસ કરી ત્યારે સ્પષ્ટ થયું કે ગળા પર જે રીતે ઘા કરવામાં આવ્યો હતો તે કોઈ પણ સંજોગોમાં જીવન ટૂંકાવવા કે અકસ્માતનો ન હોઈ શકે. પોલીસે હર્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ ‘થર્ડ ડિગ્રી’ વગર જ મનોવૈજ્ઞાનિક ઢબે ઉલટતપાસ શરૂ કરી. સતત બે કલાકની પૂછપરછ બાદ હર્ષ ભાંગી પડ્યો અને કબૂલાત કરી કે, હા, મેં જ નાનીનો જીવ લઈ લીધો છે.

surat

હર્ષની કબૂલાત મુજબ, તે છેલ્લા લાંબા સમયથી બેકાર હતો. તેની પાસે કોઈ કામધંધો નહોતો. તે મોડી રાત સુધી જાગતો અને દિવસે મોડે સુધી સુઈ રહેતો હતો. નાની લીલાબેનને શિસ્ત પસંદ હતું. તેઓ વારંવાર હર્ષને કહેતા કે, તું મોટો થઈ ગયો છે, ક્યાં સુધી આમ બેસી રહીશ? કંઈક કામ કર, તારી બહેન અને પત્નીનું વિચાર કાર. હર્ષના લગ્ન થોડા સમય અગાઉ જ થયા હતા. નાની સતત કામ બાબતે ટકોર કરતી હતી જેને કારણે ઝઘડાઓ પણ થતા હતા. જેથી રોષે ભરાઈને આ પગલું ભર્યું હતું.

ઘટનાના દિવસે હર્ષની બહેન કોઈ કામના સંદર્ભે બહાર ગઈ હતી. હર્ષની પત્ની પહેલાથી જ પિયરમાં હતી. ઘરમાં ફક્ત હર્ષ અને નાની લીલાબેન જ હતા. નાનીએ ફરીથી હર્ષને કામ કરવા બાબતે શિખામણ આપવાનું શરૂ કર્યું. આ વખતે હર્ષે પિત્તો ગુમાવ્યો અને રસોડામાંથી ચપ્પુ લાવી નાની પર હુમલો કરી દીધો. 70 વર્ષના અશક્ત વૃદ્ધા કંઈ સમજે તે પહેલા જ હર્ષે તેમના ગળા પર જોરથી ઘા ઝીંકી દીધો હતો. લીલાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા અને થોડી જ મિનિટોમાં તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું.

મૃતક લીલાબેનની કરૂણતા એ છે કે તેની દીકરીએ (હર્ષની માતાએ) બીજા લગ્ન કરી લીધા હોવાથી તે બમરોલી વિસ્તારમાં રહેતી હતી. છેલ્લા 10 વર્ષથી આ વૃદ્ધા જ હર્ષ અને તેની બહેનને ઉછેરી રહી હતી. જે નાનીએ મા બનીને દોહિત્રને મોટો કર્યો, જેણે તેને છત આપી અને જમાડ્યો, તે જ દોહિત્રએ માત્ર એક ટકોરના કારણે તેનો જીવ લઈ લીધો. પડોશીઓના જણાવ્યા મુજબ લીલાબેન સ્વભાવે થોડા કડક હતા પરંતુ તે પૌત્રના ભવિષ્ય માટે જ બોલતી હતી.

પુણા પોલીસે આરોપી હર્ષ પટેલની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. તેની સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર પણ કબજે કર્યું છે. વૃદ્ધાની દોહિત્રના હાથે જ હત્યા થવાના કારણે હાલ પરિવારમાં શોકનો માહોલ છે. આ ઘટના દર્શાવે છે કે લોકો હવે વડીલોની ટકોર પણ સહન કરી શકતા નથી.

Leave a Reply

error: Content is protected !!