fbpx

2 સીટવાળી પાર્ટી હવે વિજયને લબડાવી રહી છે, DyCMનું પદ માંગે છે તેવી ચર્ચા

Spread the love

2 સીટવાળી પાર્ટી હવે વિજયને લબડાવી રહી છે, DyCMનું પદ માંગે છે તેવી ચર્ચા

તમિલનાડુમાં રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા સી. જોસેફ વિજય અને તેમની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) સત્તાની નજીક હોવા છતાં બહુમતી સાબિત કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં વિજય ત્રણ વાર રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળ્યા છે, પરંતુ હજુ સુધી બહુમતીનો આંકડો સ્પષ્ટ થઈ શક્યો નથી.

ગણિતમાં ક્યાં પડી રહી છે ભૂલ?

234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે.

  • વિજયની પાર્ટી TVK 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે.
  • પરંતુ, વિજય બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા હોવાથી, તેમણે એક બેઠક ખાલી કરવી પડશે. પરિણામે તેમની સંખ્યા ઘટીને 107 થઈ જાય છે.
  • હવે સત્તા સુધી પહોંચવા માટે તેમને વધુ 11 ધારાસભ્યોના ટેકાની જરૂર છે.
TVK-Vijay

કોણ આપી રહ્યું છે ટેકો? (શરતી અને બિનશરતી)

1. કોંગ્રેસ (5 ધારાસભ્યો):

કોંગ્રેસ પ્રથમ એવો મોટો પક્ષ છે જેણે DMK ગઠબંધન છોડીને વિજયને ટેકો જાહેર કર્યો છે. જોકે, આ ટેકો ‘કોમવાદી શક્તિઓ’ (NDA/BJP) ને દૂર રાખવાની શરતે અપાયો છે. બદલામાં, TVK એ કોંગ્રેસને બે મંત્રી પદ અને એક રાજ્યસભાની બેઠકની ઓફર કરી હોવાનું મનાય છે.

2. CPI – ભારતીય સામ્યવાદી પક્ષ (2 ધારાસભ્યો):

CPI એ ‘શરતી સમર્થન’ જાહેર કર્યું છે. તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ટાળવાનો છે. તેઓ સરકારમાં સામેલ થયા વગર બહારથી ટેકો આપશે.

3. CPI(M) – માર્કસવાદી સામ્યવાદી પક્ષ (2 ધારાસભ્યો):

CPI(M) એ પણ બિનશરતી બહારથી ટેકો આપવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે તેઓ ભાજપના ‘પિછલા બારણે’ પ્રવેશને રોકવા માટે આ નિર્ણય લઈ રહ્યા છે.

સસ્પેન્સ અને વિવાદ: VCK અને IUML

  • VCK (2 ધારાસભ્યો): ડાબેરી પક્ષો એવો દાવો કરી રહ્યા છે કે VCK વિજયને ટેકો આપશે, પરંતુ સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પત્ર અપાયો નથી. શુક્રવારે રાત્રે VCK ના સોશિયલ મીડિયા પરથી ટેકાની પોસ્ટ મુકાઈ અને મિનિટોમાં ડિલીટ કરી દેવાતા રહસ્ય ઘેરાયું છે. VCK એ ડેપ્યુટી સીએમ પદની માંગ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
  • IUML (2 ધારાસભ્યો): ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ટેકા અંગે ભારે અસમંજસ છે. પહેલા ટેકાના સમાચાર આવ્યા હતા, પરંતુ બાદમાં નેતા એ.એમ. શાહજહાંએ સ્પષ્ટ નકાર્યું કે તેઓ હજુ પણ DMK સાથે જ છે અને ટેકાના સમાચાર માત્ર અફવા છે.

વિરોધ અને ‘બનાવટી પત્ર’નો વિવાદ

TTV દિનાકરણની પાર્ટી AMMK એ વિજય સામે મોરચો માંડ્યો છે. દિનાકરણે રાજ્યપાલને પત્ર લખીને એડપ્પાદી પલાનીસ્વામી (AIADMK) ને સરકાર બનાવવા આમંત્રણ આપવા વિનંતી કરી છે. તેમણે TVK પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, વિજયના સમર્થકો AMMK ના ટેકાનો ‘બનાવટી પત્ર’ વાયરલ કરી રહ્યા છે, જે લોકશાહીની મજાક છે.

vijay1

રાજ્યપાલની ભૂમિકા અને વર્તમાન સ્થિતિ

રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર અત્યારે ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે. જ્યાં સુધી 118 ધારાસભ્યોના લેખિત અને ચકાસાયેલા સમર્થન પત્રો ન મળે, ત્યાં સુધી તેઓ વિજયને સરકાર બનાવવા આમંત્રણ આપવા તૈયાર નથી.

હાલમાં વિજય પાસે 116, 117 કે 118 સમર્થકો છે તે અંગે વિરોધાભાસી દાવાઓ ચાલી રહ્યા છે. શું વિજય શનિવારે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકશે? તે જોવાનું રહેશે, પરંતુ હાલ તો તમિલનાડુનું રાજકારણ કોઈ રોમાંચક ફિલ્મી ક્લાઈમેક્સ જેવું બની ગયું છે.

Leave a Reply

error: Content is protected !!