
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હવે પહેલા કરતા વધુ મોંઘો સાબિત થઈ રહ્યો છે. કોંગ્રેસ બજેટ ઓફિસ (CBO)ના નવા વિશ્લેષણ મુજબ, 20 વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.2 ટ્રિલિયન ડૉલર (આશરે 100 લાખ કરોડ રૂપિયા) હોઈ શકે છે. ગયા વર્ષે, ટ્રમ્પે તેને ફક્ત આશરે 16.76 લાખ કરોડ રૂપિયામાં પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો.
ટ્રમ્પે તેમના કાર્યકાળના પહેલા અઠવાડિયામાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સિસ્ટમ તેમના કાર્યકાળના અંત (જાન્યુઆરી 2029) સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. ટ્રમ્પ કહે છે કે છેલ્લા 40 વર્ષોમાં, દુશ્મન દેશો (ચીન અને રશિયા)ના નવા શસ્ત્રો એટલા ખતરનાક બની ગયા છે કે, અમેરિકા માટે અવકાશમાં શસ્ત્રો તૈનાત કરીને એક મજબૂત મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવવી જરૂરી છે.

CBOએ સ્વીકાર્યું કે, સંરક્ષણ વિભાગે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે, કેટલી અને કયા પ્રકારની સિસ્ટમો લગાવવામાં આવશે, જેના કારણે સચોટ અંદાજ લગાવવાનું મુશ્કેલ બન્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આ ફક્ત એક અંદાજ છે.
CBO મુજબ, ફક્ત અવકાશ-આધારિત ઘટકોનો ખર્ચ આશરે રૂ. 45 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. કોંગ્રેસે આ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 2 લાખ કરોડ પહેલાથી જ મંજૂર કરી દીધા છે. આ રકમ રિપબ્લિકન પાર્ટીના વિશાળ કર અને ખર્ચ બિલના ભાગ રૂપે પસાર કરવામાં આવી હતી.

આ સિસ્ટમ ઇઝરાયલના આયર્ન ડોમથી પ્રેરિત છે. તેમાં જમીન-આધારિત અને અવકાશ-આધારિત બંને ક્ષમતાઓ હશે, જે તેમના જીવનના દરેક તબક્કે એટલે કે, લોન્ચ, મિડ-કોર્સ અને રી-એન્ટ્રીમાં મિસાઇલોને નિશાન બનાવવા સક્ષમ હશે. ડેમોક્રેટિક સેનેટર જેફ મર્કલીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ સંરક્ષણ કંપનીઓને અપાનારી એક મોટી લાંચ છે, જેનો બોજ સામાન્ય નાગરિકો પર પડશે.
અવકાશમાં શસ્ત્રો તૈનાત કરવા, ઉપગ્રહોનું નેટવર્ક બનાવવું, અદ્યતન સેન્સર, ઇન્ટરસેપ્ટર મિસાઇલો અને સંપૂર્ણ કમાન્ડ સિસ્ટમ, આ દરેકનો ખર્ચો ઘણો વધારે છે. ટેકનોલોજી હજુ વિકસિત થઈ નથી. ખર્ચ વધુ વધી શકે છે.
ટ્રમ્પનો ગોલ્ડન ડોમ અમેરિકાને દુશ્મન મિસાઇલ હુમલાઓથી બચાવવાનો મોટો દાવો કરે છે, પરંતુ તેની કિંમત પ્રારંભિક અંદાજ કરતા અનેક ગણી વધારે હોવાનું બહાર આવ્યું છે. આ પ્રોજેક્ટ, જેનો ખર્ચ 20 વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયા થશે, તે અમેરિકન ઇતિહાસનો સૌથી મોંઘો મિસાઇલ સંરક્ષણ કાર્યક્રમ બની શકે છે.