fbpx

પ્રાંતિજ બજાનીયાવાસમાં નવા રોડ કામમાં વેઠ ઉતર્યાનો આક્ષેપ

Spread the love

પ્રાંતિજ બજાનીયાવાસમાં નવા રોડ કામમાં વેઠ ઉતર્યાનો આક્ષેપ
પાલિકા–કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાના આરોપ વચ્ચે રોડના સેમ્પલ લેવા માંગ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વોર્ડ નંબર–૨ના રેલ્વે સ્ટેશન વિસ્તાર બજાનીયાવાસમાં તાજેતરમાં બનાવવામાં આવેલ રોડના કામમાં વેઠ ઉતર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક રહિશોમાં રોડના કામમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


મળતી માહિતી મુજબ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણ જયંતિ યોજના અંતર્ગત બજાનીયાવાસ વિસ્તારમાં અંદાજે ૯૦ મીટર લાંબા રોડનું કામ કરવામાં આવ્યું હતું આશરે રૂ. ૫ લાખ ૭૦ હજારના ખર્ચે સર્જન કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવેલા આ રોડનું કામ યોગ્ય રીતે ન થયું હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે સ્થાનિકોના કહેવા મુજબ રોડ બન્યા બાદ યોગ્ય સફાઈ પણ કરવામાં આવી નથી. “જેવું કામમાં વેઠ, એવું જ સફાઈમાં પણ વેઠ” જેવી ટિપ્પણીઓ લોકોમાં ચર્ચાનો વિષય બની છે રોડના કામમાં ગુણવત્તાનો અભાવ હોવાની શંકા વચ્ચે લોકો દ્વારા રોડના સેમ્પલ લઈ તપાસ કરવાની માંગ ઉઠી છે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતના કારણે કામમાં બેદરકારી દાખવવામાં આવી છે રોડનું કામ શરૂ હતું ત્યારે પાલિકાના એન્જિનિયર સ્થળ પર ગયા હતા પરંતુ કામ પૂર્ણ થયા બાદ તપાસ માટે ફરી સ્થળ મુલાકાત લેવામાં આવી નહોતી આ અંગે પ્રાંતિજ નગરપાલિકાના એન્જિનિયરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, “હું રોડનું કામ ચાલુ હતું ત્યારે જોવા ગયો હતો, પરંતુ કામ પૂર્ણ થયા બાદ ત્યાં ગયો નથી.” સ્થાનિકોએ જવાબદાર તંત્ર પાસે માંગ કરી છે કે રોડના સેમ્પલ લઈ ગુણવત્તાની તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ સામે આવે તો સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!