
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ કબજે કરવા માટે રાજકીય પાર્ટીઓએ સોગઠાબાજી શરૂ કરી દીધી છે. વાવ થરાદના દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા કે કોઈ મોટો ઉલટફેર કે તોડજોડ ન થાય તે માટે કોંગ્રેસે છેલ્લી ઘડીએ રિસોર્ટ પોલિટિક્સનો સહારો લીધો છે.
ચૂંટણી અગાઉ જ કોંગ્રેસે પોતાના વિજેતા સભ્યોને બચાવવા માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાની ચર્ચાથી સરહદી પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. હવે બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી અગાઉ જ પક્ષપલટા અને હોર્સટ્રેડિંગની રાજનીતિથી બચવા માટે કોંગ્રેસે પોતાના સભ્યોને બચાવવા માટે ‘રિસોર્ટ પોલિટિક્સ’નો સહારો લીધો છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી ચૂંટણી 25 તારીખે યોજાવાની છે. એ અગાઉ રાજકીય ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે. દિયોદર તાલુકા પંચાયતમાં પોતાની સત્તા અકબંધ રાખવા અને સભ્યો તૂટે નહીં તેના માટે કોંગ્રેસ દ્વારા તમામ વિજેતા સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડીને રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરી દીધું છે.
કોંગ્રેસ આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. તાલુકા પંચાયતના 12 સભ્યોની સાથે-સાથે જિલ્લા પંચાયતના પણ 3 સભ્યોને સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે રાજસ્થાન મોકલી આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ સભ્યો હવે કોઈના સંપર્કમાં નથી અને તેઓ 25 તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના બરાબર સમયે જ સીધા મીટિંગમાં હાજર થશે. ભાજપના સ્થાનિક નેતાઓ પોતાની મજબૂતાઈના અને સત્તા મેળવવાના દાવા કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસની આ રણનીતિ કેટલી સફળ થાય છે તે 25 તારીખે જ ખબર પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 23 મે ના રોજ ચૂંટણીના દિવસે જ આ તમામ સભ્યોને સીધા દિયોદર ખાતે મતદાન માટે હાજર કરવામાં આવશે. આટલું જ નહીં, તાલુકા પંચાયતની સાથે-સાથે જિલ્લા પંચાયતના સભ્યોને પણ કોઈ ખાનગી સ્થળે શિફ્ટ કરી દેવાયા હોવાની માહિતી સામે આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે મેદાન માર્યું છે, જ્યારે ભાજપના ફાળે 10 બેઠકો આવી છે. નિયમ મુજબ કોંગ્રેસ આસાનીથી પોતાની સત્તા બનાવી શકે તેમ છે, પરંતુ સ્થાનિક સ્તરે ભાજપ દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે. ભાજપની આ તોડજોડની રાજનીતિથી બચવા અને કોઈ ‘નવાજૂની’ ન થાય તે માટે કોંગ્રેસે પોતાના તમામ 12 સભ્યોને સરહદ પાર રાજસ્થાનના રિસોર્ટમાં મોકલી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ કેટલા અંશે સફળ રહે છે.