
છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના 3 સભ્યો ગાયબ થયા હોવાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતની સત્તા માટે ભાજપ અને AAP વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. તાલુકા પંચાયતમાં ભાજપ અને AAPના 13-13 સભ્યો ચૂંટાતા સત્તા માટે ટાઈ થઈ હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ત્રણ ચૂંટાયેલા સભ્યો અચાનક ગાયબ થયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે.
ABP અસ્મિતાના અહેવાલ મુજબ, AAPના આગેવાનોનો દાવો છે કે 3 બુકાનીધારી ચૂંટાયેલા સભ્યોને અજાણ્યા લોકો ઉઠાવી ગયા છે., આ દાવાના કારણે રાજકારણ ગરમાયું છે. આ ઘટનાને લઈને તાલુકા પંચાયત કચેરી બહાર AAPના કાર્યકરો અને સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. AAPના કાર્યકરો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કીને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. AAP હવે આ સમગ્ર મામલે તપાસ કરવાની માંગ ઉઠાવી રહી છે.
ઉલ્લેખનિય છે કે, આજે રાજ્યમાં 17 જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય સભા તથા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયાઓ યોજાઈ રહી છે. આ સાથે માંડલ સહિતની વિવિધ તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સમાચારના અહેવામ મુજબ, છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તાનું ગણિત ખૂબ જ રસપ્રદ હતું. અહીં કુલ બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 13 સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો હતા. બંને પક્ષો પાસે સરખા સભ્યો હોવાથી પ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી. ‘આપ’ના તમામ 13 સભ્યો જ્યારે મતદાન કરવા માટે કેમ્પસમાં પહોંચ્યા ત્યારે સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી.
ગુજરાતી અહેવાલ સેવા
આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તાલુકા પંચાયત કેમ્પસમાં 10થી 12 બુકાનીધારી અસામાજિક તત્ત્વો પહેલેથી જ હાજર હતા. ‘AAP’ના સભ્યો જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ આ બુકાનીધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. અન્ય સભ્યોને માર મારીને તેમાંથી 3 સભ્યોને બળજબરીપૂર્વક ખાનગી વાહનોમાં બેસાડીને ઉઠાવી ગયા હતા. આ ઘટનાને પગલે કેમ્પસમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
‘AAP’ના નેતાઓ અને ભોગ બનનારના પરિવારોએ આક્રોશ સાથે જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસ ત્યાં હાજર હતી, પરંતુ પોલીસે સભ્યોને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. સત્તાધારી પક્ષ ભાજપે સત્તાના જોરે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને પોલીસની મિલીભગતથી લોકશાહીનું ખૂન કર્યું છે. ભોગ બનનાર પરિવારોએ પોલીસ સમક્ષ તેમના સભ્યોને તાત્કાલિક હાજર કરવાની ઉગ્ર માંગ કરી હતી.

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. આ રાજકીય ઘમસાણ અને હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે જ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં ભાજપની જીત થઇ યો છે. પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે સુરજીભાઈ રાઠવા વિજેતા બન્યા છે.
બીજી તરફ કદવાલ તાલુકા પંચાયતમાં AAPના સભ્ય રમણ શંકર બારિયા ગેરહાજર રહેતા ભાજપના પ્રમુખને મળ્યા 8 મત મળ્યા હતા. જ્યારે AAPને 7 મત મળતા ભાજપના પ્રમુખ રમીલાબહેન બારિયાની જીત હતી.