પ્રાંતિજ પોલીસે પોકસો ગુન્હામાં ભોગબનનારને શોધી કાઢી, હેબિયસ કોર્પસ કેસમાં મહત્વપૂર્ણ સફળતા

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા મહિલા અને બાળકો વિરુદ્ધના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ તથા ભોગબનનારને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS), ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ અને વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસે સફળ કામગીરી હાથ ધરી હતી.
પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ અ.હે.કો. રાજેશકુમાર ગફુલભાઈ, રામસિંહ ધુળસિંહ, મહેશકુમાર રાણાભાઈ, મહેપાલસિંહ અજીતસિંહ તથા મહિલા પોલીસ કર્મચારી નિલમબેન ઉદેસિંહ નાસતા ફરતા આરોપીઓને શોધવાની કામગીરીમાં હતા. તે દરમિયાન પ્રાંતિજ પોલીસને બાતમી મળી હતી કે સરસ્વતી (પાટણ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાર્ટ-એ નં. ૧૧૨૧૭૦૪૧૨૬૦૧૫૨/૨૦૨૬ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી અને ભોગબનનાર વાઘપુર ગામની સીમમાં ફરતા હોવાનું જાણવા મળ્યું હતું.
મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે વાઘપુર ગામ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં ભોગબનનાર મળી આવી હતી. મહિલા પોલીસ કર્મચારી દ્વારા પૂછપરછ દરમિયાન આરોપી જમવાનું લેવા ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીની ખાનગી રાહે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આરોપી મળી આવ્યો નહોતો.
પોલીસ દ્વારા ભોગબનનારને સુરક્ષિત રીતે પ્રાંતિજ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને આગળની કાર્યવાહી માટે સરસ્વતી (પાટણ) પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી પોકસો સંબંધિત ગુન્હા તેમજ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ હેબિયસ કોર્પસ કેસમાં ભોગબનનારને શોધી કાઢવામાં પ્રાંતિજ પોલીસને મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.