
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની પ્લેઓફ મેચો હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઇ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને હરાવીને શાનદાર રીતે ક્વોલિફાયર-2માં પહોંચ્યા પછી રાજસ્થાન રોયલ્સની ટીમ હવે ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટકરાશે. આજે, વૈભવ સૂર્યવંશીની ટીમ રાજસ્થાન રોયલ્સ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મોટી મેચ મુલ્લાંપુરના મહારાજા યાદવિન્દ્ર ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે; જોકે, મેચ પહેલા હવામાને ચિંતા વધારી દીધી છે.
એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે વિસ્ફોટક બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધી હતી. ખાસ કરીને, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 97 રન ફટકારીને મેચનું પાસું સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. તેની ઇનિંગ્સમાં ચોગ્ગા અને છગ્ગાનો એવો વરસાદ થયો હતો કે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વધતા દબાણમાંથી બહાર જ ન આવી શકી. હવે, રાજસ્થાનની નજર બીજી ક્વોલિફાયરમાં જીત મેળવવા અને ફાઇનલમાં સ્થાન મેળવવા પર છે.

જોકે, મેચ પહેલા હવામાન વિભાગના અહેવાલે બંને ટીમો માટે ચિંતા વધારી દીધી છે, ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ માટે ચિંતાની વાત છે. ગુરુવારે, અચાનક મુલ્લાંપુરમાં હવામાન બદલાયેલું નજરે પડ્યું. અહેવાલો અનુસાર, 29 મેના રોજ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ ભારે પવન, વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. એવામાં, મેચ દરમિયાન વિક્ષેપ પડવાનો અથવા સમગ્ર મેચ ધોવાઈ જવાનો ભય છે.
જો વરસાદને કારણે મેચ પૂરી ન થઈ શકી, તો ગુજરાત ટાઇટન્સને સૌથી મોટો ફાયદો મળશે. IPL 2026 પ્લેઓફ નિયમો અનુસાર, ફાઇનલ સિવાય કોઈપણ પ્લેઓફ મેચ માટે કોઈ રિઝર્વ ડે ફાળવવામાં આવ્યો નથી. એટલે કે જો બીજી ક્વોલિફાયર વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો મેચ બીજા દિવસે રમાશે નહીં.

આવી સ્થિતિમાં, લીગ સ્ટેજ દરમિયાન પોઈન્ટ ટેબલમાં જે ટીમ ટોચ પર રહેશે તેને ફાઇનલમાં પ્રવેશ મળશે. ગુજરાત ટાઇટન્સ લીગ સ્ટેજમાં 18 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે ચોથું સ્થાને રહી હતી. આ કારણે, જો મેચ રદ કરવામાં આવે છે તો, શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ સીધી ફાઇનલમાં પહોંચી જશે.

આ પરિસ્થિતિ રાજસ્થાન રોયલ્સ માટે અત્યંત મુશ્કેલ સાબિત થઈ શકે છે, કારણ કે શાનદાર ફોર્મમાં હોવા છતા રમ્યા વિના ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. તેનાથી વિપરીત, ગુજરાત ટાઇટન્સને લીગ સ્ટેજમાં સતત સારા પ્રદર્શનનો લાભ મળી શકે છે.
હવે, બધાની નજર મુલ્લાંપુરના હવામાન પર ટકેલી છે. ફેન્સ આશા રાખી રહ્યા છે કે વરસાદ રમત ન બગાડે અને મેદાન પર બંને ટીમો વચ્ચે શાનદાર સ્પર્ધા જોવા મળે. IPL 2026ની ફાઇનલ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ગઇ છે, જ્યાં તેનો સામનો ક્વોલિફાયર-2ની વિજેતા સાથે થશે.

IPL 2026ની પ્લેઇંગ કન્ડિશનમાં મેચ રદ થવા માટેના નિયમો
જો ફાઇનલ, એલિમિનેટર, ક્વોલિફાયર-1, અથવા ક્વોલિફાયર-2 મેચમાં ટાઇ થાય છે અથવા કોઈ પરિણામ નથી આવતું, તો નીચેના નિયમો લાગુ પડશે:
16.11.1 સંબંધિત ટીમો સુપર ઓવરમાં સ્પર્ધા કરશે, અને જો જરૂરી હોય તો, આગળની સુપર આવર રમીને નક્કી કરવામાં આવશે કે મેચના વિજેતા કોણ છે.
16.11.2 જો પરિસ્થિતિઓ સુપર ઓવર અથવા ત્યારબાદ સુપર ઓવરની પરવાનગી નથી આપતી (પરિશિષ્ટ F મુજબ), તો નિયમિત સીઝનના અંતે લીગ ટેબલમાં ઉપરનિં સ્થાન મેળવનાર ટીમ (કલમ 16.10 અનુસાર)ને સંબંધિત પ્લે-ઓફ મેચની વિજેતા ગણવામાં આવશે.