
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં પ્લાસ્ટિક (પોલિમર)ની નોટો રજૂ કરવાનું વિચારી રહી છે. પટના અને મુંબઈમાં યોજાયેલી સેન્ટ્રલ બેંકના બોર્ડની તાજેતરની બેઠકોમાં આ બાબતની ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં રોકડની ભારે માંગ, કાગળની નોટો છાપવાનો વધતો ખર્ચ અને તેના ઝડપથી ખરાબ થવાના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાનો વિચાર નિર્ણય કરવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે પ્લાસ્ટિકની નોટો માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવાની અપેક્ષા છે.
ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના વાર્ષિક અહેવાલ (FY25)ના આંકડા દર્શાવે છે કે કાગળની નોટો છાપવામાં ₹6,372.8 કરોડનો ખર્ચ થયો. આ પાછલા નાણાકીય વર્ષમાં ખર્ચાયેલા ₹5,101.4 કરોડની તુલનામાં ખૂબ વધારે છે. આ છાપકામ ખર્ચ મુખ્યત્વે નોટોની વધતી માંગને કારણે વધ્યો છે. આ બાબતથી પરિચિત સૂત્રોનું કહેવું છે કે, કાગળની તુલનામા પ્લાસ્ટિક નોટો છાપવી લાંબા ગાળે વધુ અસરકારક છે. સૌથી સારી વાત, એ છે કે આપણા ATM હવે એટલા અદ્યતન બની ગયા છે કે આ પોલિમર નોટોને સરળતાથી ઓળખીને બહાર કાઢી શકે છે.

વારંવાર તમારા ખિસ્સામાં આવતી નોટો ગંદી અથવા ફાટેલી હોય છે. આ ખરાબ નોટોનો નિકાલ કરવો એ RBI માટે એક મોટો ટાસ્ક છે. નાણાકીય વર્ષ 2025માં, 23.8 અબજ ખરાબ નોટોને ચલણમાંથી બહાર કરવામાં આવી હતી. આ આંકડો પાછલા વર્ષની 21.24 અબજ નોટો કરતા 12.3 ટકા વધારે છે. આમાં સૌથી વધુ ₹500ની નોટો હતી, ત્યારબાદ ₹100ની નોટોનો નંબર આવે છે. દેશભરમાં ડિજિટલ ચૂકવણીમાં ઉછાળો હોવા છતા રોકડનો ક્રેઝ ઓછો થયો નથી. 15 મે સુધીમાં કુલ કરન્સી ઇન સર્ક્યૂલેશન (CiC) વાર્ષિક ધોરણે 11.5 ટકા વધીને ₹42.86 લાખ કરોડની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. એવામાં પ્લાસ્ટિકની નોટોની ઉંમર કાગળની નોટો કરતા ખૂબ વધારે હોવાથી નવી નોટો વારંવાર છાપવાનું દબાણ ખૂબ ઓછું થઇ જશે.
બજારમાં 10 અને 20 રૂપિયા જેવી નાની નોટોની માંગ હંમેશાં વધી રહી છે. જો કે, કુલ ચલણમાં ભાગીદારી એક ટકા કરતા પણ ઓછી છે. સેન્ટ્રલ બેંકે સિક્કાઓનું ચલણ વધારવાનો ખૂબ પ્રયાસો કર્યા હતા, પરંતુ આ પ્રયાસોના પરિણામો મળ્યા નહોતા. 2012માં, તત્કાલીન સરકારે 5 શહેરોમાં 10 રૂપિયાની એક અબજ પ્લાસ્ટિક નોટોનું ફિલ્ડ ટ્રાયલ શરૂ કર્યું હતું. તે સમયે, તેનો ઉદ્દેશ્ય નોટોનું આયુષ્ય વધારવાનો હતો. ત્યારે, ટેકનિકલ પડકારોને કારણે આ પ્રોજેક્ટ અટકી ગયો હતો. હવે એક દાયકા પછી પરિસ્થિતિઓ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. ટેકનોલોજી ખૂબ એડવાન્સ થઇ ગઇ છે, જેના કારણે અગાઉના તમામ અવરોધો દૂર થયા છે.

વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિકની નોટનો ખ્યાલ નવો નથી. હાલમાં વિશ્વભરના લગભગ 60 દેશો પોલિમર નોટનો ઉપયોગ કરી રહ્યા છે. આ પહેલની શરૂઆત ઓસ્ટ્રેલિયા દ્વારા 1988માં 10 ડોલરની નોટ છાપીને કરી હતી. ત્યારબાદ, સિંગાપોર, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડથી લઈને મલેશિયા સુધીના દેશોએ આને પનાવી હતી. યુરોપમાં, રોમાનિયાએ સૌપ્રથમ 1998માં પ્લાસ્ટિક બેંકનોટ રજૂ કરી હતી, જ્યારે કેનેડાએ 2011માં તેને પોતાની સિસ્ટમમાં લાગૂ કરી હતી. તેનાથી વિપરીત, અમેરિકન ડોલર સંપૂર્ણપણે પ્લાસ્ટિકના હોતા નથી; પરંતુ તે કોટન-લિનનના ખાસ મિશ્રણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.