fbpx

ચડ્ડીધારી ગેંગના 5 લોકો ઝડપાયા, શરીર પર તેલ લગાવીને ભાગતા, બાવળીયામાં છૂપાઈ જતા

Spread the love

ચડ્ડીધારી ગેંગના 5 લોકો ઝડપાયા, શરીર પર તેલ લગાવીને ભાગતા, બાવળીયામાં છૂપાઈ જતા

પશ્ચિમ કચ્છ LCBને આંતરરાજ્ય કુખ્યાત ચડ્ડીધારી ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે, જેમાં ગેંગના લીડરનો પણ સમાવેશ થાય છે. આરોપીઓની પૂછપરછ કરીને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં થયેલી રાત્રી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. આ ગેંગની કુલ 15 વણઉકેલાયેલી ચોરીના ગુનાઓમાં સંડોવણી સામે આવી છે, જ્યારે મુખ્ય આરોપી 7 ગુનાઓમાં નાસતો ફરતો હતો અને તેના પર 10 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, પશ્ચિમ કચ્છ LCBની ટીમે સતત દિવસ-રાત કામગીરી કરી મધ્યપ્રદેશની કુખ્યાત ચડ્ડીધારી ગેંગને ઝડપી પાડી છે. આ માટે પોલીસે કચ્છ જિલ્લાના અલગ-અલગ તાલુકામાં થયેલી ચોરીઓના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન 200થી વધુ CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે મળેલી બાતમીથી તુતરા ફાટક નજીક અર્ટિગા કારને રોકવામાં આવી હતી. કારમાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

chaddi-gang3

ઝડપાયેલા આરોપીઓમાં મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના માનસિંહ ઉર્ફે માનીયો બાયસિંહ મોહનિયા સહિત પાંચ આરોપીઓનો સમાવેશ થાય છે. માનસિંહને ગેંગનો લીડર માનવામાં આવે છે અને તેના પર 10 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 6 લાખ રૂપિયા, અર્ટિગા કાર, બે ગણેશિયા, એડજસ્ટેબલ પાનું, કટર, ડીસમીસ, છ માસ્ક અને બે જોડી મોજા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કચ્છના વાયોર, કોઠારા, નલિયા, પધ્ધર, માધાપર અને માંડવી પોલીસ મથક વિસ્તારમાં થયેલી રાત્રી ઘરફોડ ચોરીઓની કબૂલાત કરી છે. આ ઉપરાંત ગુજરાતના વડોદરા-નડિયાદ, ભાવનગર, અમરેલી અને અમદાવાદમાં પણ ચોરી કર્યાની કબૂલાત સામે આવી છે. પોલીસ મુજબ આરોપીઓએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં પણ ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું છે.

નકશા જુઓ

chaddi-gang4

ચડ્ડીધારી ગેંગની મોડસ ઓપરેન્ડી પણ પોલીસ તપાસમાં સામે આવી છે. આરોપીઓ ગૂગલ મેપ્સની મદદથી ટાઉનશીપ, ફેક્ટરી નજીકની કોલોની અને પોશ વિસ્તારોને ટાર્ગેટ કરતા હતા. ચોરી કરતા પહેલા રેકી કરી બાવળની ઝાડીઓમાં કલાકો સુધી સંતાઈ રહેતા અને મોડી રાત્રે બંધ મકાનોમાં ઘરફોડ કરતા હતા. શરીર પર તેલ લગાવી CCTVથી ઓળખ છુપાવતા અને પકડાવાની સ્થિતિમાં ગણેશિયાથી હુમલો કરતા હોવાની વિગતો સામે આવી છે. પશ્ચિમ કચ્છ LCBની આ કાર્યવાહીથી આંતરરાજ્ય ઘરફોડ ચોરીના વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

Leave a Reply

error: Content is protected !!