fbpx

ઈન્ફ્લુએન્સર્સે પ્રમોટ કરેલી વડોદરાની રેસ્ટોરાંમાંથી 23 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરાયો

Spread the love

ઈન્ફ્લુએન્સર્સે પ્રમોટ કરેલી વડોદરાની રેસ્ટોરાંમાંથી 23 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરાયો

બપોરના ભોજનમાં રૂ. 99માં અનલિમિટેડ 20 વાનગીઓ અને રાત્રિના ભોજનમાં રૂ. 149માં અનલિમિટેડ ફૂડ… સોશિયલ મીડિયાના અનેક ઇન્ફ્લુએન્સર્સે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને વડોદરાની એક રેસ્ટોરાંની ભારે પ્રશંસા કરી હતી. પરંતુ હવે આ જ રેસ્ટોરાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની ફૂડ સેફ્ટી ટીમની રડારમાં આવી ગઈ છે. ગંદકી અને અસ્વચ્છતાને ધ્યાને લઈને  પાલિકાની ટીમે રેસ્ટોરાંને દંડ ફટકાર્યો છે અને ત્યાંથી મળી આવેલો 23 કિલો જેટલો અસ્વચ્છ તથા ભેળસેળયુક્ત ખોરાકનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, ફૂડ સેફ્ટી ટીમે હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલી ‘ધી ગ્રેટ પાંડા’ રેસ્ટોરાંમાં દરોડા પાડ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન 23 કિલો જેટલો અસ્વચ્છ અને ભેળસેળયુક્ત ખોરાક મળી આવ્યો હતો. અધિકારીઓએ આ જથ્થાનો તુરંત નાશ કર્યો હતો અને સ્થળ પર ગંદકી જણાતા રેસ્ટોરાં સંચાલકોને રૂ. 5,000નો દંડ ફટકાર્યો હતો.

આ ઉપરાંત, અસ્વચ્છતા જાળવવા બદલ અન્ય ખાદ્યપદાર્થોના આઉટલેટ્સ જેવા કે ‘શિવાલય પંજાબી એન્ડ ચાઈનીઝ’ અને ‘ખિમિયા ફરસાણ માર્ટ’ સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
કોર્પોરેશનની ટીમે ઉમા ચાર રસ્તા નજીક આવેલા 33 જેટલા ખાણી-પીણીના લારી-ગલ્લાઓ અને આઉટલેટ્સ પર પણ કડક તપાસ હાથ ધરી હતી. જ્યાંથી 28 કિલો અસ્વચ્છ અને અશુદ્ધ ખોરાક મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

તપાસ ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અનેક ફૂડ આઉટલેટ્સને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે ગુણવત્તા ચકાસણી માટે ખાદ્યપદાર્થોના 50 જેટલા સેમ્પલ લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવ્યા છે.

પાલિકાની આ આકરી કાર્યવાહી દરમિયાન ફૂડ સેફ્ટી ટીમે કુલ 51 કિલો અસ્વચ્છ ખોરાકનો જથ્થો નાશ કર્યો હતો અને નિયમોના ભંગ બદલ કુલ રૂ. 11,300નો દંડ વસૂલ કર્યો હતો.

Leave a Reply

error: Content is protected !!