
પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓમાં ઘણીવાર બાળકોને નુકસાન થાય છે. આવો જ એક કેસ ઉત્તર પ્રદેશની અલ્લાહબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, જ્યાં સગીર બાળકોના ભરણપોષણ ભથ્થા અંગે વિવાદ હતો. પતિએ દલીલ કરી હતી કે મહિલાએ ફરીથી લગ્ન કર્યા હોવાથી તે હવે પોતાના બાળકો માટે ભરણપોષણ આપવા માટે બંધાયેલો નથી. ફેમિલી કોર્ટે પણ તેના પક્ષમાં ચૂકાદો આપ્યો હતો. જોકે, હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો હતો.
અલ્લાહબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ‘પતિ-પત્ની વચ્ચેના ઝઘડા તેમના સગીર બાળકોના કાનૂની અધિકારોને અસર કરતા નથી. જો સ્ત્રી બીજા લગ્ન કરે છે, તો પણ તેના સગીર બાળકો તેમના અસલી પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો કાનૂની અધિકાર જાળવી રાખે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ન્યાયાધીશ પદમ નારાયણ મિશ્રાએ એક મહિલા અને તેના સગીર બાળકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને આંશિક રીતે મંજૂરી આપતા આ વાત ક્જહી. 20 મેના રોજના આદેશમાં ન્યાયાધીશ પદમ નારાયણ મિશ્રાએ કહ્યું કે એક પતિ પર પોતાના સગીર બાળકોને ઉછેરવાનો ખર્ચ ઉઠાવવાની એકમાત્ર જવાબદારી છે.

જસ્ટિસ પદમ નારાયણ મિશ્રાએ વધુમાં કહ્યું કે, કેસ, આ જવાબદારીમાંથી મુક્તિ ફક્ત કાયદા હેઠળ જ છૂટ મળી શકે છે, જેને કાયદામાં માન્યતા મળી છે. આ જવાબદારી ન તો દંપતી વચ્ચેના વૈવાહિક ઝઘડાઓને કારણે ખતમ થાય છે ન તો માતાના કથિત પુનર્લગ્ન દ્વારા સમાપ્ત થાય છે. અલ્લાહબાદ હાઈકોર્ટે પુનરોચ્ચાર કર્યો કે CrPCની કલમ 125 (પત્ની, બાળકો અને માતા-પિતાના ભરણપોષણ) સામાજિક ન્યાય માટે એક પદ્ધતિ છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય મહિલાઓ, બાળકો અને માતા-પિતાને ત્યજી દેવામાં આવ્યા હોય તેવા કિસ્સાઓમાં આર્થિક તંગી વગેરેથી બચાવવાનો છે.
પોતાના આદેશમાં, અલ્લાહબાદ હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભરણપોષણનો કાયદો પૈસાઓની તંગી સામે રક્ષણ આપવા માટે બન્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાઓ અન્ય તમામ બાબતો કરતા બાળકોની ભલાઈને પ્રાથમિકતા આપે છે.

હાઈકોર્ટે કહ્યું કે, બીજા લગ્ન કરવા કે લગ્નેત્તર સંબંધથી એક મહિલા ભરણપોષણનો પોતાનો અધિકાર ગુમાવી શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે સગીર બાળકો પણ તેમના જૈવિક પિતા પાસેથી ભરણપોષણનો અધિકાર ગુમાવે છે. હાઇકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને ઊથલાવતા કહ્યું કે સગીર બાળકો તેમના જૈવિક પિતા પાસેથી ભરણપોષણનો દાવો કરવાનો અધિકાર રાખે છે.