fbpx

તૃણમૂલમાં ભાગલા પડ્યા પછી મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો બચ્યા છે?

Spread the love

તૃણમૂલમાં ભાગલા પડ્યા પછી મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો બચ્યા છે?

કેટલીક વાર એવી પરિસ્થિતિઓ ઉભી થાય છે, જ્યારે વ્યક્તિ લાચાર અને આધાર વગરનો બની જાય છે. મમતા બેનર્જી હાલમાં તેમના રાજકીય કારકિર્દીના એવા જ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન, મમતા બેનર્જી રેલીઓમાં લોકોને કહેતા હતા, ‘મારી પાસે કોઈ સત્તા નથી, તેઓએ મારી પાસેથી બધી સત્તા, કાયદો અને વ્યવસ્થા અને બધું જ છીનવી લીધું છે.’

ચૂંટણી રેલીનું સમાપન કરતી વખતે, મમતા બેનર્જીએ શાયરીવાળા અંદાજમાં કહ્યું હતું કે, જો બધું બરાબર રહ્યું તો તેઓ ફરીથી મળશે. મમતા બેનર્જીએ કહ્યું હતું, ‘ફિર મિલેંગે, રહા ગુલશન તો ફૂલ ખિલેંગે, ફિર જોડા ફૂલ ખિલેંગે, રહા તૃણમૂલ તો ફિર મિલેંગે.’

મમતા બેનર્જી ત્યારે આવી વાતો કેમ કહી રહ્યા હતા? કદાચ તેઓ જાણતા હતા. કદાચ તેઓ જનતા ન પણ હોય. કદાચ તેમને આવનારી પરિસ્થિતિનો અંદાજ આવી ગયો હોય. કદાચ તેમને અંતઃપ્રેરણા થઇ રહી હોય, મુદ્દો એ છે કે તે વખતની શંકાઓ હવે હકીકત બનીને સામે આવી રહી છે.

જે તૃણમૂલ કોંગ્રેસમાં, જ્યાં મમતા બેનર્જી શરૂઆતથી જ પોતે નિર્ણયો લેતી આવી છે, ત્યાં હવે કોઈ બીજું જ નિર્ણયો લઈ રહ્યું છે. તેઓ મમતા બેનર્જીના નિર્ણયોને ચેલેન્જ ફેંકીને બદલી રહ્યા છે, અને તે નિર્ણયોને માન્યતા પણ મળી રહી છે. મમતા બેનર્જીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે રૂતાબ્રત બેનર્જી અને સંદીપન સાહાને હાંકી કાઢ્યા હતા, પરંતુ હવે તે જ રૂતાબ્રત બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બની ગયા છે. સ્પીકરે રૂતાબ્રત બેનર્જીને તૃણમૂલ કોંગ્રેસના 58 ધારાસભ્યોના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

Ritabrata Banerjee

પશ્ચિમ બંગાળમાં આ બધું થઈ રહ્યું હતું ત્યારે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું હતું તે અજાણ છે. અરવિંદ કેજરીવાલને પણ તાજેતરના ઘાવની યાદ આવી હશે. શક્ય છે કે મમતા બેનર્જી પોતાને ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને અરવિંદ કેજરીવાલ જેવી જ સ્થિતિમાં માની રહ્યા હોય, પરંતુ તે બધું લાચાર અને ચૂપચાપ થઈને, મનને મારીને આ બધું જોઈ રહી હોય.

જેમ અરવિંદ કેજરીવાલના સાંસદો તેમને છોડીને ગયા, તેમ મમતા બેનર્જીના ધારાસભ્યો પણ ખુબ આગળ વધી ગયા છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદો હજુ પણ તેમને ટેકો આપે છે. સંકટની તલવાર હજુ પણ તેમના પર લટકી રહી છે, પરંતુ ઓછામાં ઓછું તેમના તરફથી તો બળવો થવાના કોઈ સંકેત નથી. ડૂબતા માણસને તણખલાનો સહારો હોય છે, અને સાંસદોનું તેમની સાથે હોવું એ મદદ માટે તૈયાર હોડીવાળા માંઝી જેવો છે.

બધી શક્યતાઓ અને આશંકાઓ છતાં, મદદ માટે એક મોટી આશા કોર્ટ તો છે જ. પરંતુ, ત્યાં પણ આશાઓ કેવી રીતે ઠગારી નીવડે છે, તે ફક્ત ચિરાગ પાસવાન, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જેવા લોકો જ જાણે છે. ચિરાગ પાસવાન એકમાત્ર નેતા છે, જે પરિસ્થિતિ બદલાઈ છતાં ફરીને પાછા આવ્યા છે, શું મમતા બેનર્જીને ચિરાગ પાસવાન જેવી તક મળશે?

હવે, તૃણમૂલ કોંગ્રેસનું નામ અને ચૂંટણી પ્રતીક જોખમમાં છે. ચૂંટણી પંચ રાજકીય પક્ષના નામ અને પ્રતીકની માલિકી નક્કી કરે છે. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને ચિરાગ પાસવાનના કિસ્સાઓમાં ચૂંટણી પંચનો નિર્ણય એક જેવો જ રહ્યો છે. ચિરાગ પાસવાને તેમની ખોવાયેલી પ્રતિષ્ઠા અને રાજકીય સંપત્તિ પાછી મેળવી, પરંતુ તેમના પક્ષનું નામ અને ચૂંટણી પ્રતીક નહીં. ચિરાગ પાસવાન હવે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા બન્યા છે. તેમના કાકા, પશુપતિ કુમાર પારસ, એક સમયે પાર્ટીના અસલી દાવેદાર માનવામાં આવ્યા હતા.

Ritabrata Banerjee

ચિરાગ પાસવાનની જેમ, ચૂંટણી પંચે DYCM એકનાથ શિંદે અને અજિત પવારને અનુક્રમે શિવસેના અને NCPના કાયદેસર નેતા જાહેર કર્યા. અજિત પવારની NCP હવે તેમની પત્ની સુનેત્રા પવારના નેતૃત્વમાં છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાસે પણ તેમના પક્ષોના બચેલો ભાગ જ છે, અને હવે મમતા બેનર્જી માટે પણ આ જ ખતરો દેખાઈ રહ્યો છે.

ભૂતકાળના કિસ્સાઓ એવું સૂચવે છે કે, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસનું પણ આવું જ ભાગ્ય થશે. ભલે મમતા બેનર્જી આ મામલો કોર્ટમાં લઈ જાય તો પણ ત્યાં ચૂંટણી પંચનો અભિપ્રાય માંગવામાં આવશે. અને, અગાઉના કેસોની જેમ, ચૂંટણી પંચનો નિર્ણય અંતિમ ગણી શકાય.

એકવાર મામલો કોર્ટમાં ગયા પછી, વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, વિધાનસભા અધ્યક્ષે શું ભૂમિકા ભજવી? બળવાખોર ધારાસભ્યોના જૂથને માન્યતા આપવા માટે ઉતાવળ કેમ કરવામાં આવી? અને શું ઉતાવળ કરવામાં નિયમોની અવગણના કરવામાં તો નથી આવી ને?

તૃણમૂલ કોંગ્રેસની અંદરના આ વિવાદનો અંતિમ ઉકેલ ફક્ત ન્યાયિક પ્રક્રિયા દ્વારા જ જાહેર થવાની શક્યતા છે. સ્પીકરના નિર્ણય, પક્ષના બહુમતી દાવા અને મૂળ રાજકીય પક્ષના અધિકારો પર કાનૂની લડાઈના સંકેતો મળી રહ્યા છે.

Mamata Banerjee-Ritabrata Banerjee

મહારાષ્ટ્રમાં, DyCM એકનાથ શિંદેએ 2022માં બળવો કરીને તખ્તો પલટી નાખ્યો હતો. રૂતાબ્રત બેનર્જીના વલણને જોતા તો એવું લાગે છે કે, જો મમતા બેનર્જી આ વખતે ચૂંટણી જીતી પણ ગયા હોત તો પણ આવું જ બન્યું હોત. મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભાગલા પડ્યા પછી સત્તા સંઘર્ષ દરમિયાન પણ આવા જ પ્રશ્નો ઉભા થયા હતા. સ્પીકરના નિર્ણયોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળની ઘટના પછી, સ્પીકરના નિર્ણય અંગે પ્રશ્નો ઉભા થયા છે. ચર્ચાનો વિષય એ છે કે, સ્પીકરના આ ઝડપી નિર્ણય માટે બંધારણીય આધાર શું છે? મહારાષ્ટ્ર કેસમાં સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, વિધાનસભા પક્ષના નેતા રાજકીય પક્ષ અને વિધાનસભા વચ્ચેની કડી છે. તેથી, તેમની પસંદગી ફક્ત ધારાસભ્યોની બહુમતી પર આધારિત ન હોઈ શકે. મૂળ રાજકીય પક્ષ દ્વારા મંજૂર કરાયેલા ધારાસભ્યની પસંદગી પણ મહત્વપૂર્ણ છે.

પશ્ચિમ બંગાળમાં, તૃણમૂલ કોંગ્રેસના 80 ધારાસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ મમતા બેનર્જી દ્વારા પસંદ કરાયેલા ધારાસભ્ય પક્ષના નેતાને નકારી કાઢતો પત્ર લખ્યો. ત્યારપછી ધારાસભ્યોએ માંગ કરી કે, રૂતાબ્રત બેનર્જીને વિધાનસભા પક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવે. મમતા બેનર્જીએ શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા. નિમણૂક પર ઉઠેલા સવાલો વચ્ચે, તેમને વિધાનસભામાં તેમને વિરોધ પક્ષના નેતાનો રૂમ પણ મળ્યો ન હતો.

Ritabrata Banerjee

ધારાસભ્યો તરફથી પત્ર મળ્યા પછી, સ્પીકરે રૂતાબ્રત બેનર્જીને નેતા તરીકે માન્યતા આપી જ નહીં, પરંતુ વિરોધ પક્ષના નેતાનો રૂમ પણ ખોલી આપ્યો હતો. સ્પીકરે બળવાખોર ધારાસભ્યોને એક અલગ જૂથ તરીકે પણ ઝડપથી માન્યતા પણ આપી દીધી.

કહેવા ખાતર બળવાખોર જૂથ મમતા બેનર્જીને જ તૃણમૂલ કોંગ્રેસના નેતા હોવાનો દાવો કરે છે, પરંતુ તે જ સમયે, તેઓ એમ પણ કહે છે કે, તેમણે હવે મુખ્ય સલાહકાર અથવા માર્ગદર્શકની ભૂમિકા ભજવવી જોઈએ. એટલે એમ જ કે આ બધું સીધું મમતા બેનર્જી સામે નથી, પરંતુ તેઓ ચોક્કસપણે અભિષેક બેનર્જી વિરુદ્ધ ધારાસભ્યોના ગુસ્સાની આડઅસરોનો સામનો કરી રહ્યા છે.

પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ, જો કોઈ પક્ષના બે તૃતીયાંશ ધારાસભ્યો અથવા સાંસદો અલગ જૂથ બનાવે છે, તો તેમને ગેરલાયક ઠેરવી શકાતા નથી. જો કે, આ માટે તેમણે બીજા પક્ષમાં ભળી જવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદો BJPમાં જોડાયા હતા. જો કે, પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ અલગ છે, કારણ કે બળવાખોરોએ બીજા પક્ષમાં જોડાવાને બદલે પોતે મૂળ તૃણમૂલ કોંગ્રેસ પક્ષના હોવાનો દાવો કર્યો છે. શિવસેના અને NCPનો મામલો પણ અગાઉ આ જ રીતે સામે આવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં આ રાજકીય ઘટનાક્રમ પ્રાદેશિક પક્ષો માટે એક મોટો ખતરો દર્શાવે છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે તૃણમૂલ કોંગ્રેસ પછી આગળ હવે કોનો નંબર લાગવાનો છે? પંજાબમાં આમ આદમી પાર્ટી અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને પણ આ જ પ્રકારના પડકારોનો સામનો કરવો પડી શકે છે. 2027માં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

Leave a Reply

error: Content is protected !!