fbpx

જમીનના હક્કપત્રક સંબંધિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારના કેસમાં તત્કાલિન મામલતદારની ધરપકડ

Spread the love

જમીનના હક્કપત્રક સંબંધિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારના કેસમાં તત્કાલિન મામલતદારની ધરપકડ

જમીનના હક્કપત્રકમાં સરકારી કાયદાઓનું ઉલ્લંઘન કરી આચરવામાં આવેલા કરોડોના કૌભાંડમાં CID ક્રાઇમે કડક વલણ અપનાવ્યું છે. નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે અગાઉ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરવામાં આવી છે, જેમના પર પદનો ખોટો ઉપયોગ કરીને ખાનગી તત્વોના ફાયદા માટે સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ છે. વર્ષ 2008ના સમયગાળા દરમિયાન થયેલા આ ભ્રષ્ટાચારના મામલામાં કાયદાકીય ગાળિયો મજબૂત થતાં જ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધરપકડ બાદ CID ક્રાઇમની ટીમે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલવેઝ (ગાંધીનગર)ની સૂચના તથા પોલીસ અધિક્ષક (વહીવટ)ના માર્ગદર્શન હેઠળ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી મામલતદારે પોતાના સરકારી હોદ્દા અને પાવરનો દુરુપયોગ કરીને અન્ય આરોપીઓ સાથે મિલીભગત કરી હતી.

arrested1

નાંદોદ તાલુકાના બખર ગામના સર્વે નંબર 33, 35, 41 અને 42 અંગેની હક્કપત્રક નોંધ નંબર 504, જે તા. 15 જૂન, 1999થી સત્તાવાર રીતે રદ થઈ ચૂકી હતી, તેને જાદુઈ રીતે ફરી જીવતી કરવામાં આવી હતી. સંબંધિત વ્યક્તિઓ જન્મજાત ખેડૂત ખાતેદાર છે કે નહીં તેની કોઈ પણ પ્રકારની કાયદેસરની ચકાસણી કે ખાતરી કર્યા વિના તત્કાલીન મામલતદાર પખાવાલાએ પ્રવર્તમાન નિયમો અને કાયદાકીય જોગવાઈઓને નેવે મૂકીને ગત તા. 10 ડિસેમ્બર, 2008ના રોજ હક્કપત્રકની નોંધ નંબર 670ને ગેરકાયદેસર રીતે પ્રમાણિત કરી દીધી હતી.

CIDની તપાસમાં સત્તાવાર રીતે બહાર આવ્યું કે, મામલતદારના આ એક ગેરકાયદેસરના નિર્ણય અને સહીના કારણે સરકારી તિજોરીને અંદાજે 1,29,39,150 રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે. સરકારી જમીન અને રેકોર્ડ સાથે થયેલી આ ચેડાંની ગંભીરતાને જોતા આ મામલે વડોદરા ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

arrested

આ ગુનાહિત પ્રકરણમાં પુરાવાઓ એકત્રિત કર્યા બાદ CID ક્રાઇમની ટીમે આરોપી પૂર્વ મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાને ગત તા. 4 જૂન, 2026ના રોજ રાત્રે 11.15 વાગ્યે સત્તાવાર રીતે અટકમાં લઈ લીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આખું કૌભાંડ માત્ર એક વ્યક્તિ પૂરતું સીમિત નથી. આ સમગ્ર જમીન કૌભાંડમાં મહેસૂલ વિભાગના અન્ય કયા કર્મચારીઓ, વચેટીયાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે, તે દિશામાં પણ CID ક્રાઇમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જેથી આગામી દિવસોમાં વધુ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

સધન તપાસ બાદ CID ક્રાઇમની ટીમે તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાને તારીખ 04 જૂનની રાત્રે 23:15 કલાકે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને ત્રણ દિવસના રિમાન્ડ પણ કોર્ટ પાસેથી મંજૂર કરાવ્યા છે.

Leave a Reply

error: Content is protected !!