fbpx

ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? અંબાલાલ પટેલે જણાવ્યું- વાવણી કરવી ક્યારે હિતાવહ રહેશે

Spread the love

ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? અંબાલાલ પટેલે જણાવ્યું- વાવણી કરવી ક્યારે હિતાવહ રહેશે

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીના કારણે વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે શરૂ થશે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં હવામાન એકંદરે સૂકું રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હવામાન સૂકું જોવા મળ્યું હતું. ગુજરાતના તાપમાનમાં મહત્તમ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે રહ્યું હતું, જ્યારે તે સિવાયના બાકીના વિસ્તારોમાં હવામાન સામાન્ય રહ્યું હતું. અમદાવાદ અને રાજકોટમાં ગુજરાતનું સૌથી વધુ મહત્તમ તાપમાન 41. 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગની અનુસાર, ગુજરાતના અમુક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદને કારણે લોકોને રાહત થઈ શકે છે. ભારતમાં ગત 4 જૂને ચોમાસાની શરૂઆત થયાનું નોંધાયું હતું, ત્યારબાદથી ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન ગત 24 કલાકમાં ગુજરાતનું હવામાન સૂકું રહ્યું છે.

BBC ગુજરાતીના અહેવાલ મુજબ, હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગેની માહિતી અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના અંગે આગાહી કરી છે. ભારતમાં 4 જૂનથી થયેલી ચોમાસાની શરૂઆત બાદ, ચોમાસું 8 જૂન, 2026ના રોજ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ તેમજ તેલંગણાના કેટલાક ભાગો તરફ આગળ વધ્યું છે.

rain2

હવામાન વિભાગ મુજબ, ચોમાસાની ઉત્તરીય સીમા હાલ ભારતના હરનાઈ, સોલાપુર, કલબુર્ગી, ચેન્નાઈ પરથી પસાર થઈ રહી છે. સ્કાયમેટ વેધર અનુસાર, કેરળમાં ચોમાસું એ અરબ સાગરના પ્રભાવ હેઠળ આકાર લે છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં ચોમાસાની પરિસ્થિતિ માટે બંગાળની ખાડીમાં કેટલીક સિસ્ટમ બનવી જરૂરી હોય છે. હાલમાં બંગાળની ખાડીમાં એવી કોઈ સિસ્ટમ નથી કે જે દેશના દક્ષિણી વિસ્તારોમાં ચોમાસું આગળ વધારી શકે.

પૂર્વ-પશ્ચિમ ટ્રફ રેખા એ કોંકણ કિનારાથી ઉત્તર આંધ્ર પ્રદેશ સુધી, મહારાષ્ટ્ર, તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં બનેલી છે. પ્રી-મોન્સૂન વરસાદ એ ટ્રફ રેખાની કોઈ પણ બાજુએ 10 અને 11 જૂને પડી શકે છે. જોકે, આ વરસાદને મોન્સૂન ઍક્ટિવિટીના ભાગરૂપે ન ગણવો જોઈએ.

આંધ્ર પ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં ચોમાસું આગળ વધે તે માટે નવી સિસ્ટમની જરૂર છે. બંગાળની ખાડીમાં એક સક્રિય મોનસૂન સિસ્ટમ એ ચોમાસાને આગળ વધારવા માટે ખૂબ જરૂરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, તામિલનાડુના કેટલાક ભાગો અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, તેમજ છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં સાનુકૂળ પરિસ્થિતિઓ સાથે આગળ વધી રહ્યું છે.

rain32

ત્યારે બીજી તરફ ઉત્તર ભારતને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે 11 જૂનથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરમાં આવે તેવી પણ સંભાવના છે. તેના કારણે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત બાકીના અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે.

હવામાન વિભાગે આગાહી મુજબ, 9 જૂને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. ઉપરાંત આ દિવસે ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગે બુલેટિન અનુસાર 10 જૂને ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 11 જૂને છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે.

આ ઉપરાંતના ગુજરાતના અન્ય વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. તાપમાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિવાય આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં મોટા પાયે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

સંદેશના અહેવાલ મુજબ, હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી 15 જૂન બાદ ગમે ત્યારે સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ જશે. જો કે, ચોમાસું બેસે તે પહેલાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોરદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

rain1

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 18-28 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. ત્યારબાદ 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે આખું ગુજરાત ચોમાસાના રંગે રંગાઈ જશે અને વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 12 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખેડૂતો માટે પણ તેમણે મહત્ત્વપૂર્ણ સૂચન આપ્યું છે કે 22 જૂન પછી જ વાવણી કરવી હિતાવહ રહેશે, જેથી ચોમાસાની સ્થિરતા અને પૂરતા ભેજનો યોગ્ય લાભ મેળવી શકાય.

Leave a Reply

error: Content is protected !!