
બ્રિટન સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે સંખ્યાબંધ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સના વપરાશ પર પ્રતિબંધ મૂકશે. સોમવારે આ અંગેની જાહેરાત કરતા બ્રિટિશ PM કીર સ્ટારમરે આ નિર્ણયને ‘દેશ માટે એક ઐતિહાસિક અને મોટી ક્ષણ’ ગણાવ્યો છે.
એક પત્રકાર પરિષદને સંબોધતા PM સ્ટારમરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો આ નિર્ણય સામે કોઈ ટેક્નોલોજી કંપનીઓ આડખીલી ઊભી કરશે, તો સરકાર તેમની સામે કડક વલણ અપનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, ‘હું આપણા બાળકોની સુરક્ષા અને તેમની ખુશીઓ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવા બિલકુલ તૈયાર નથી.’ સરકારનો આ નિર્ણય બાળકોને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નુકસાનકારક કન્ટેન્ટ અને સ્ક્રીનના અતિરેક (Excessive screen time)થી બચાવવા માટે લેવામાં આવ્યો છે.

બ્રિટનનું આ પગલું બાળકો માટે ઓનલાઇન સુરક્ષા મજબૂત કરવાના વૈશ્વિક અભિયાનનો એક ભાગ છે. હાલમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશો કાં તો આ અંગે કાયદો લાવી ચૂક્યા છે અથવા બાળકો માટે સોશિયલ મીડિયા એક્સેસ પર ઉંમર આધારિત નિયંત્રણો જાહેર કરી ચૂક્યા છે. આ સિવાય ફ્રાન્સ, સ્પેન, ડેનમાર્ક, થાઇલેન્ડ અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ આ પ્રકારના કાયદા લાવવા માટે અભ્યાસ અને તૈયારીઓ કરી રહ્યા છે.
PM સ્ટારમરે જણાવ્યું કે બ્રિટન જે પગલાં લેવા જઈ રહ્યું છે તે ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધ કરતાં પણ ‘થોડા વધુ કડક’ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ રાખવા પર પ્રતિબંધ છે અને જો ટેક કંપનીઓ આવા એકાઉન્ટ્સ ન હટાવે તો તેમના પર કરોડો ડોલરનો દંડ ફટકારવાની જોગવાઈ છે.
બ્રિટન સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધ સ્નેપચેટ (Snapchat), ટિકટોક (TikTok), યુટ્યુબ (YouTube), ઇન્સ્ટાગ્રામ (Instagram), ફેસબુક (Facebook) અને એક્સ (X – જૂનું ટ્વિટર) જેવા પ્લેટફોર્મ્સ પર લાગુ થશે. જો કે, આ વ્યાખ્યામાંથી વોટ્સએપ (WhatsApp) અને સિગ્નલ (Signal) જેવી મેસેજિંગ સેવાઓને બાકાત રાખવામાં આવી છે.
આ સાથે જ PMએ જણાવ્યું કે ગેમિંગ અને લાઈવ-સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર અજાણ્યા લોકો બાળકોનો સંપર્ક ન કરી શકે તે માટે પણ સરકાર કડક પગલાં લેશે. આ કાયદો આગામી વર્ષની શરૂઆતમાં જ અમલી બની જશે.
આશરે બે વર્ષ પહેલાં જ સત્તા પર આવેલા PM કીર સ્ટારમર હાલમાં પોતાની જ પાર્ટીના સભ્યો તરફથી ભારે દબાણનો સામનો કરી રહ્યા છે. પાર્ટીના કેટલાક નેતાઓ તેમના નબળા નેતૃત્વથી નારાજ છે અને આગામી દિવસો કે અઠવાડિયામાં તેમના નેતૃત્વ સામે પડકાર ઊભો થઈ શકે છે. આવી સ્થિતિ વચ્ચે તેઓ એક એવો મોટો અને નિર્ણાયક કાયદો લાવવા માગે છે જે તેમની કાયમી ઓળખ (Legacy) બની રહે.

પોતે બે ટીનએજર બાળકોના પિતા હોવાનું જણાવતા PMએ કહ્યું કે, આ પ્રતિબંધની સફળતા ત્યારે જ ગણાશે જ્યારે ‘સોશિયલ મીડિયા પરથી બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો થાય’ અને સમાજમાં એક એવો ‘સાંસ્કૃતિક બદલાવ આવે કે બાળકો સોશિયલ મીડિયા વગર પણ અલગ રીતે મોટા થઈ શકે છે.’
કેટલાક બાળ અધિકાર કાર્યકરોની શંકાઓ છતાં, સ્ટારમરે દ્રઢતાપૂર્વક કહ્યું કે સરકારને પૂરો ભરોસો છે કે આ પ્રતિબંધ અસરકારક સાબિત થશે.
આ નિર્ણય લેતા પહેલાં સરકારે જનતા પાસેથી મંતવ્યો મંગાવ્યા હતા, જેમાં વાલીઓ, ટેક ઈન્ડસ્ટ્રી અને બાળકો તરફથી આશરે 1,16,000 જેટલા જવાબો મળ્યા હતા. બ્રિટનના ઇતિહાસમાં વર્ષ 2012માં સમલૈંગિક લગ્ન અંગે મંગાવેલા અભિપ્રાયો પછી આ બીજા ક્રમનો સૌથી મોટો લોકપ્રતિસાદ છે.
સરકારે જાહેર કર્યું છે કે અભિપ્રાય આપનારાઓમાંથી પ્રચંડ બહુમતી, એટલે કે 90% કરતાં વધુ લોકો 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ પ્રતિબંધ ઈચ્છતા હતા.
ભોગ બનેલા પરિવારનો આવકાર, પણ અન્ય સુવિધાઓની માંગ
વર્ષ 2023માં ઓનલાઈન નુકસાનકારક કન્ટેન્ટ જોઈને ઉશ્કેરાયેલા બે કિશોરોના હાથે જીવ ગુમાવનાર 16 વર્ષની બ્રિઆના ઘેની માતા, એસ્થર ઘેએ આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે આ પ્રતિબંધથી ‘સંભવિતપણે કેટલાય નિર્દોષ બાળકોના જીવ બચી શકશે,’ પરંતુ આ સાથે અન્ય પૂરક પગલાં પણ જરૂરી છે.
BBC સાથેની વાતચીતમાં તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ‘સરકાર હવે સ્કૂલ સમય પછીની અન્ય પ્રવૃત્તિઓ (After-school clubs) પાછળ રોકાણ કરી રહી છે તે સારી બાબત છે, કારણ કે આપણે બાળકો પાસેથી માત્ર વસ્તુઓ છીનવી ન શકીએ, તેમને વિકલ્પ આપવો પડે.’
આ કાયદાને કારણે બ્રિટન અને અમેરિકા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ વધી શકે છે. લંડન સ્થિત અમેરિકી દૂતાવાસે એક નિવેદનમાં ચેતવણી આપી છે કે આવા નિયમો મર્યાદિત હોવા જોઈએ જેથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ ન વાગે. અમેરિકાએ એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે આ નિયમોને કારણે અમેરિકી ટેક્નોલોજી કંપનીઓ પર આર્થિક અને વહીવટી બોજ વધશે.
જો કે, PM સ્ટારમરે જણાવ્યું કે તેઓ સોમવારથી ફ્રાન્સમાં શરૂ થઈ રહેલી G7) સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય વૈશ્વિક નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરશે. તેમણે ઉમેર્યું, ‘હું સાચે જ માનું છું કે દુનિયાના તમામ નેતાઓમાં એ સ્વીકૃતિ છે જ કે બાળકોની સુરક્ષા માટે પગલાં લેવાવા જોઈએ. આમાં કોઈ વિવાદ નથી. હા, તેની મર્યાદાઓ કેટલી હોવી જોઈએ અને નિયમો કેવા હોવા જોઈએ તે બાબતે ચર્ચાઓ ચોક્કસ થઈ શકે છે, પણ હું તેને કોઈ મોટી સમસ્યા તરીકે જોતો નથી.’

બીજી તરફ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના કોમ્યુનિકેશન સિસ્ટમ્સના પ્રોફેસર જોન ક્રોક્રોફ્ટનું માનવું છે કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું સમર્થન કરનારા લોકોનો ઈરાદો સારો હોઈ શકે, પણ આ અભિગમ કદાચ ખોટો છે. આવા ફેરફારોને કારણે બાળકો પોતાના કામની કે જરૂરી વેબસાઇટ્સથી પણ વંચિત રહી શકે છે.
પ્રોફેસર ક્રોક્રોફ્ટે ચેતવણી આપતા કહ્યું કે, ‘આ પ્રતિબંધને કારણે એવું મોટું જોખમ ઊભું થશે કે યુઝર્સ વધુ ખરાબ કે ડાર્ક સાઇટ્સ તરફ વળી જશે. વળી, બાળકોના પર્સનલ ડિવાઇસ (મોબાઇલ-ટેબ્લેટ) પર નજર રાખવી ટેકનિકલ રીતે અશક્ય સમાન છે. તેના બદલે પ્લેટફોર્મ્સ પર નિયંત્રણો લાદવા વધુ સરળ છે, જો નિયામકો થોડી મહેનત કરવા તૈયાર થાય તો.’