
લાંબી વાટાઘાટો પછી અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે એક ફ્રેમવર્ક કરાર પર પહોંચ્યા છે; આ કરાર પર 19 જૂને જિનીવામાં હસ્તાક્ષર થવાનો છે, જેમાં પાકિસ્તાનની મધ્યસ્થતામાં સહી કરવામાં આવશે. આ ફ્રેમવર્ક પર કરાર થયા બાદ જ, ગલ્ફ રાષ્ટ્રો અને વિશ્વભરના નેતાઓ બંને દેશોને અભિનંદન આપી રહ્યા છે અને ભવિષ્યમાં શાંતિની આશા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ યુદ્વનું કેન્દ્ર અને કારણ રહેનાર દેશ ઇઝરાયલના વડાપ્રધાન તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.
રવિવારે, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ X પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે એક સંદેશ પોસ્ટ કર્યો. તેમનો ઈરાન સાથે બની રહેલા યુદ્ધવિરામ કરાર અથવા લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષ સાથે કોઈ લેવા-દેવા નથી; તેમણે રવિવારે ફક્ત ટ્રમ્પને 80મા જન્મદિવસની શુભેચ્છા પાઠવતો સંદેશ લખ્યો હતો.

નેતન્યાહૂએ કરાર (મેમોરેન્ડમ એફ અન્ડરસ્ટેન્ડિંગ) પર જાહેરમાં ટિપ્પણી કરી નથી. તો, તેમની સરકારના અન્ય સભ્યોએ આ કરારની ટીકા કરી છે કે, આ ઇઝરાયલ અને આઝાદ વિશ્વ માટે હાનિકારક છે અને તેમાં અમારી રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત થતી નથી.
ગયા મહિને, ઇઝરાયલ એરપોર્ટ ઓથોરિટીએ ચેતવણી આપી હતી કે બેન-ગુરિયન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકન રિફ્યૂઅલિંગ વિમાનોની સતત હાજરીને કારણે 24 લખથી વધુ ફ્લાઇટ ટિકિટો રદ થઈ શકે છે. પરંતુ, પરિવહન પ્રધાન મિરી રેગેવે રવિવારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફ્રેમવર્ક કરારના સમાચાર આવતાની સાથે જ આ વિમાનોને હટાવવા જણાવ્યું હતું.

ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગ્વિરે સૌથી પહેલા આ બાબતે ટિપ્પણી કરી હતી. તેમણે તેમની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું કે, ટ્રમ્પનો કરાર અમને બંધનકર્તા નથી… અમે આ કરારના હિસ્સો નથી. તે અમારી સુરક્ષાની ગેરંટી આપતો નથી. આપણે હિઝબુલ્લાહના ખાત્માથી ઓછા કંઈપણ માટે સમાધાન ન કરવું જોઈએ. આપણે સૈનિકોએ જે પ્રદેશ કબજે કર્યો છે અને જેને આતંકવાદી માળખાથી મુક્ત કરાવ્યા છે તેનાથી આપણે એક ઇંચ પણ પાછળ હટવું ન જોઈએ.
નેતન્યાહૂની સરકારના આ બે મંત્રીઓના નિવેદનો સૂચવે છે કે ઇઝરાયલ ટ્રમ્પના નિર્ણયને અવગણીને બળવા પર ઉતરી રહ્યું છે. જો ઇઝરાયલ લેબનોન પરના તેના હુમલાઓ બંધ નહીં કરે અને તેના સૈનિકો પાછા નહીં ખેંચે, તો યુદ્ધવિરામનો કોઇ અર્થ નહીં રહે, કારણ કે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હિઝબુલ્લાહને નહીં છોડે.