
જૂનનો અડધો મહિનો પસાર થઈ ગયો છે, પરંતુ ભારતની જીવનરેખા કહેવાતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અંગે એક ચોંકાવનારી અને ચિંતાજનક તસવીર સામે આવી છે. સેટેલાઇટ તસવીરો અને ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના ડેટા દર્શાવે છે કે દેશના મોટા ભાગોમાં ચોમાસું અચાનક ખૂબ નબળું પડી ગયું છે. અવકાશમાંથી લેવામાં આવેલી તસવીરોમાં ચોમાસાના વાદળવાળું પરંપરાગત રૂપ સંપૂર્ણપણે ગેરહાજર હોય તેવું લાગે છે.
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જૂનના પહેલા બે અઠવાડિયામાં જ દેશભરમાં વરસાદના આંકડા સામાન્ય સ્તરથી ઘણા નીચે આવી ગયા છે, જેના કારણે ખરીફ પાકની વાવણી અને પાણીની ઉપલબ્ધતા પર સંકટના વાદળ મંડરાવા લાગ્યા છે. હવામાનશાસ્ત્રીઓના મતે, જ્યારે સમુદ્રમાં ભેજની કોઈ અછત નથી, ત્યારે અસામાન્ય પવનની પેટર્ને ચોમાસાની ગતિ સંપૂર્ણપણે અટકાવી દીધી છે.
4 જૂનથી 15 જૂન વચ્ચેના સમયગાળા માટે IMD દ્વારા જાહેર કરેલા ડેટા દર્શાવે છે કે દેશભરમાં ફક્ત 19.2 મીમી વરસાદ નોંધાયો છે, જ્યાટે સામાન્ય રીતે આ સમયગાળામાં 53.7 મિમી વરસાદ હોવો જોઇએ. આનો અર્થ એ થાય કે દેશ હાલમાં 64%ની ભારે વરસાદની નુકસાનનો સામનો કરી રહ્યો છે.

IMDના રેનફોલ ડિપાર્ચર મેપમાં મધ્ય, દક્ષિણ અને પૂર્વ ભારતના વિશાળ વિસ્તારો પીળા અને લાલ રંગમાં રંગવામાં આવ્યા છે, જે દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે. તેનાથી પણ વધારે ચોંકાવનારી વાત 15 જૂનના રોજ ભારતના INSAT-3DS સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરો છે. સામાન્ય રીતે આ ઋતુ દરમિયાન જ્યારે ભારતનો નકશો વાદળોની ગાઢ સફેદ ચાદરમાં ઢંકાયેલો હોય છે, તે આ વખતે દ્વીપકલ્પીય અને મધ્ય ભારતમાં સંપૂર્ણપણે સ્વચ્છ અને શુષ્ક દેખાય છે.
2026માં ભારતીય ચોમાસું કેમ નબળું પડી રહ્યું છે?
હવામાનશાસ્ત્રીઓ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જ્યારે દિવસો પહેલા કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં યોગ્ય સમયે ચોમાસું પહોંચ્યું, તો અચાનક કેવી રીતે ગાયબ થઈ ગયું? નિષ્ણાતોનું કહેવું છે કે આ સમસ્યા દરિયાના તાપમાન કે પાણીની અછતથી નહીં, પરંતુ ધરતીથી ઘણા કિલોમીટર ઉપર વાયુમંડળમાં ઊંચા પવનોના ટકરાવનું પરિણામ છે.
હાલમાં, આકાશમાં ઉપલા વાતાવરણમાં વહેતો ‘વેસ્ટરલી જેટ સ્ટ્રીમ’ (પશ્ચિમી પવનોનો પ્રવાહ) પોતાની સામાન્ય સ્થિતિથી ખૂબ વધારે દક્ષિણ તરફ ખસી ગયો છે. આ અસામાન્ય પરિવર્તનથી ચોમાસાના સૌથી મોટા એન્જિન ‘ઇસ્ટરલી જેટ’ (પૂર્વી પવનો)ના માર્ગમાં અવરોધ ઊભો થયો છે.

સામાન્ય પરિસ્થિતિઓમાં ઉપલા વાતાવરણમાં રહેલો ઇસ્ટરલી જેટ સ્ટ્રીમ ભારત ઉપર હવાને ઉપર તરફ ખેંચે છે, જેના કારણે ગાઢ વાદળો બને છે અને સમગ્ર ઉપખંડમાં ભારે વરસાદ પડે છે. જો કે, આ વખતે શક્તિશાળી પશ્ચિમી પવનો હાલમાં આ સમગ્ર પ્રક્રિયાને દબાવી રહ્યા છે. પરિણામે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર ભેજ અને પાણીવાળા વાદળોની હાજરી હોવા છતા તેઓ ભારતીય મુખ્ય ભૂમિ પર વરસાદ વાળી શકતા નથી.
આ ઉપલા સ્તરનું વાતાવરણીય દબાણ વાદળોને બનતા અને ટકી રહેવાથી અટકાવી રહ્યું છે. આ જ કારણ છે કે, કાગળ અને નકશા પર ચોમાસુ આગળ વધી રહ્યું છે, પરંતુ જમીન પરના લોકો વરસાદના ટીપા-ટીપા માટે પણ તરસી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓ આને ચોમાસાના સંપૂર્ણ ખતમ થવા તરીકે નહીં, પરંતુ ઉપરના વાતાવરણીય ગતિશીલતાને કારણે આવેલું એક મોટું મોનસૂન પોઝ (ચોમાસાના વિરામ) તરીકે જુએ છે. શું
આગામી દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો થશે?
આ ભીષણ ગરમી અને સુકા વચ્ચે, રાહતની એકમાત્ર વાચ એ છે કે હવામાન આગાહી મોડેલો સૂચવે છે કે આ કટોકટી કાયમી નથી. હવામાનશાસ્ત્રીઓનું અનુમાન છે કે પશ્ચિમી જેટ સ્ટ્રીમ અસામાન્ય પેટર્ન આ અઠવાડિયાના અંત સુધીમાં ધીમે ધીમે નબળી પડવા લાગશે. જેવી જ આ પશ્ચિમી અવરોધ દૂર થઈ જશે, પછી ચોમાસું ફરીથી સક્રિય થઇ જશે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જૂનના અંતિમ અઠવાડિયા દરમિયાન પવનની પેટર્ન બદલાશે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ભારતના ભાગોમાં વ્યાપક વરસાદ પડશે, જે સામાન્ય રીતે આ સીઝનની ઓળખ હોય છે. ત્યાં સુધી, સમગ્ર દેશે ચોમાસાની આ બીજી ઇનિંગની રાહ જોવી પડશે.