
હાલમાં એક આંતરરાષ્ટ્રીય સંશોધન ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકાની મિયામી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત અથવા સિંગલ લોકોમાં કેન્સર થવાનું જોખમ વધારે જોવા મળે છે. આ અભ્યાસ ‘Cancer Research Communications’ નામના વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયો છે.
આ સમાચાર વાંચ્યા પછી ઘણા લોકોના મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે – શું ખરેખર લગ્ન કેન્સર સામે રક્ષણ આપે છે?
એક કેન્સર નિષ્ણાત તરીકે આ વિષયને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે.

રિસર્ચમાં શું જાણવા મળ્યું?
રિસર્ચ કરનારાઓએ 2015 થી 2022 દરમિયાન અમેરિકાના 12 રાજ્યોમાં નોંધાયેલા 40 લાખથી વધુ કેન્સરના કેસોનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ વ્યક્તિની વૈવાહિક સ્થિતિ અને કેન્સરની ઘટનાઓ વચ્ચેનો સંબંધ તપાસ્યો.
અભ્યાસમાં જાણવા મળ્યું કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત પુરુષોમાં કેન્સરની ઘટનાઓ લગભગ 68 ટકા વધુ હતી. જ્યારે અપરિણીત મહિલાઓમાં આ પ્રમાણ લગભગ 85 ટકા વધુ જોવા મળ્યું હતું. કેટલાક વિશિષ્ટ પ્રકારના કેન્સરમાં પણ જોખમનું પ્રમાણ વધુ નોંધાયું હતું.
તો શું લગ્ન કેન્સરથી બચાવે છે?
આ પ્રશ્નનો સીધો જવાબ “ના” છે. આ સંશોધન એ સાબિત નથી કરતું કે લગ્ન કરવાથી કેન્સર અટકી જાય છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો આ અભ્યાસ માત્ર એક “સંબંધ” (Association) દર્શાવે છે, કારણ (Cause) નહીં. એટલે કે લગ્ન અને કેન્સર વચ્ચે સંબંધ જોવા મળ્યો છે, પરંતુ એનું કારણ માત્ર લગ્ન છે એવું કહી શકાય નહીં.
તો પછી પરિણીત લોકોમાં જોખમ ઓછું કેમ મળ્યું?
તેની પાછળ કેટલાક મહત્વના પરિબળો જવાબદાર હોઈ શકે છે.
1. સામાજિક અને ઇમોશનલ સપોર્ટ
લાંબા સમય સુધી મળતો ઇમોશનલ સપોર્ટ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનો છે. જીવનસાથી ઘણી વખત શરીરમાં થતા ફેરફારો અથવા લક્ષણો ઝડપથી ધ્યાને લાવી શકે છે, જેના કારણે સમયસર તબીબી હેલ્પ મળી શકે છે.
2. નિયમિત હેલ્થ ચેકઅપ
ઘણા પરિણીત લોકો નિયમિત હેલ્થ ચેકઅપ અને સ્ક્રિનિંગ તરફ વધુ ધ્યાન આપતા હોય છે. કેન્સરનું વહેલું નિદાન થવાથી સારવારની સફળતાનો દર નોંધપાત્ર રીતે વધી જાય છે.
3. વધુ સ્વસ્થ જીવનશૈલી
કેટલાક અભ્યાસો દર્શાવે છે કે પરિણીત લોકોમાં ધૂમ્રપાન, દારૂનું અતિશય સેવન અથવા અન્ય જોખમી ટેવોનું પ્રમાણ સરેરાશ ઓછું હોઈ શકે છે.
4. તણાવનો વધુ સારી રીતે સામનો
ક્રોનિક સ્ટ્રેસ શરીરની રોગપ્રતિકારક શક્તિ અને સમગ્ર આરોગ્યને અસર કરી શકે છે. મજબૂત સંબંધો અને પરિવારનો સાથ માનસિક સંતુલન જાળવવામાં મદદરૂપ બની શકે છે.
5. મહિલાઓ માટે બાળકને જન્મ આપવું અને બ્રેસ્ટફિડિંગ કરાવવું તે બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે.

તો અપરિણીત લોકોએ ચિંતા કરવાની જરૂર છે?
કેન્સરનું જોખમ કોઈ વ્યક્તિ પરિણીત છે કે નહીં તેના કરતાં વધુ પ્રમાણમાં તેની જીવનશૈલી અને આરોગ્ય સંબંધિત આદતો પર આધારિત છે.
આજે પણ કેન્સરના સૌથી મોટા જોખમકારક પરિબળોમાં સામેલ છે:
– તમાકુ અને ધૂમ્રપાન
– દારૂનું વધુ સેવન
– સ્થૂળતા
– કસરતનો અભાવ
-અસંતુલિત આહાર
– HPV અને Hepatitis જેવા વાયરસ
– પારિવારિક કેન્સર ઇતિહાસ
– સમયસર સ્ક્રિનિંગ ન કરાવવું
આ પરિબળો પર નિયંત્રણ રાખવાથી કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
કેન્સર નિષ્ણાત તરીકે મારી સલાહ
આ રિસર્ચનો સાચો સંદેશ લગ્ન કરવાની સલાહ નથી. આ અભ્યાસ આપણને એ સમજાવે છે કે સામાજિક જોડાણ, ભાવનાત્મક ટેકો, સ્વસ્થ જીવનશૈલી અને નિયમિત સ્ક્રિનિંગ આપણા આરોગ્ય માટે કેટલા મહત્વના છે.તમે પરિણીત હો કે અપરિણીત, કેન્સર સામેનું સૌથી અસરકારક હથિયાર છે – જાગૃતિ, સમયસર તપાસ અને સ્વસ્થ જીવનશૈલી.તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો, નિયમિત ચેકઅપ કરાવો અને કોઈપણ અસામાન્ય લક્ષણને અવગણશો નહીં. કેન્સર સામેની લડાઈમાં વહેલું નિદાન જ સૌથી મોટી જીત છે.