fbpx

‘કાળો જાદુ, ઝેરી દારૂ, કે પછી છુપાયેલો ખજાનો…’; શું છે ખરી હકીકત, આ છે 8 લોકોના મૃત્યુની વણઉકેલાયેલી વાર્તા

Spread the love

'કાળો જાદુ, ઝેરી દારૂ, કે પછી છુપાયેલો ખજાનો...'; શું છે ખરી હકીકત, આ છે 8 લોકોના મૃત્યુની વણઉકેલાયેલી વાર્તા

છત્તીસગઢનું એક ગામ આજકાલ ડરી ડરીને જીવી રહ્યું છે. છેલ્લા 3 મહિનામાં 8 લોકોના મોત થયા છે. શરૂઆતમાં, આ કેસ મૃત્યુનો એક સામાન્ય કેસ લાગતો હતો, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ અનેક ચોંકાવનારા વળાંકો બહાર આવતા ગયા. હવે, આ ઘટના ઝેરી દારૂના વેપાર, છુપાયેલા ખજાનાની શોધ, ‘કાળો જાદુ’ અને સુનિયોજિત ગુનાહિત કાવતરા સાથે જોડાયેલી હોય તેવું લાગી રહ્યું છે.

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, આ કેસ બલોદા બજાર જિલ્લાના ખારવે ગામનો છે. ગ્રામજનો કહે છે કે 6 ફેબ્રુઆરીથી 14 મે દરમિયાન 8 લોકોના મોત થયા હતા. બધા મૃત્યુ એક જ રીતે થયા હતા. મૃતકોમાં બદ્રી પ્રસાદ પટેલ, બુટાલુ સાહુ, છતુરામ સાહુ, બુધરામ જયસ્વાલ, વિનોદ સાહુ, ગજાનંદ માંઝી, ચૈતુરામ સાહુ અને મહેત્રુ સાહુનો સમાવેશ થાય છે. સાતેયને મહાનદી પાસે દફનાવવામાં આવ્યા હતા, જ્યારે એકનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

ગ્રામજનોના વધતા દબાણને પગલે, પોલીસે 13 જૂને મહેત્રુ સાહુના મૃતદેહને બહાર કાઢ્યો, અને ત્યાર પછી 16 જૂને વધુ 6 મૃતદેહ કાઢવામાં આવ્યા. તેમને પોસ્ટમોર્ટમ અને તપાસ માટે રાયપુરની ડૉ. ભીમરાવ આંબેડકર મેમોરિયલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ કહે છે કે ફોરેન્સિક રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ કાઢી શકાય નહીં.

Chhattisgarh-Deaths1

ગ્રામજનોનો પ્રાથમિક આરોપ છે કે સ્થાનિક રહેવાસી રામસે જયસ્વાલે દારૂમાં ‘બોરેક્સ’ નામનું ઝેરી રસાયણ ભેળવ્યું હતું. આ ભેળસેળયુક્ત દારૂ પીવાથી મૃત્યુ થયાનું કહેવાય છે. ગ્રામજનોના મતે, તેઓએ બીમાર પડવાના કે મૃત્યુ પામવાના થોડા સમય પહેલા દારૂ પીધો હતો. પંચાયતના પ્રતિનિધિ માયારામ નવરંગેએ જણાવ્યું હતું કે મૃત્યુમાં સમાનતા હોવાથી ગ્રામજનોને શંકા થઈ કે તે કોઈ સંયોગ નથી પણ કાવતરું હોય એવું લાગે છે.

ગામના રહેવાસી કાર્તિકે દાવો કર્યો હતો કે, દારૂ પીધા પછી તે બચી ગયો હતો. તેણે જણાવ્યું હતું કે દારૂ પીધા પછી તેને ખૂબ ઉલટી થઈ હતી અને સારવાર લેતા પહેલા તે બેભાન થઈ ગયો હતો. આ દાવાઓની હજુ સુધી ચકાસણી થઈ નથી, અને પોલીસે પુષ્ટિ કરી નથી કે મૃત્યુનું કારણ ઝેર હતું.

જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, ગામમાં અટકળો ઝેરથી આગળ વધતી ગઈ. ઘણા લોકોએ આરોપ લગાવ્યો હતો કે રામસે જયસ્વાલ ઘણીવાર ભૂગર્ભમાં દટાયેલા ખજાના વિશે વાત કરતા હતા અને ધાર્મિક વિધિઓ તેને શોધવામાં મદદ કરે છે. ટૂંક સમયમાં અફવાઓએ આગળ વધીને ‘કાળા જાદુ’ અને ‘બલિદાન’ જેવી વાતોનું સ્વરૂપ લઇ લીધું. કેટલાક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે હોય શકે કે આનાથી વધારે ગ્રામજનોને નિશાન બનાવવામાં આવ્યા હોય, અને દાવો કર્યો હતો કે કુલ 21 લોકો કથિત કાવતરામાં સામેલ હતા.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, એક જીવિત વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડ્યા પછી આ શંકા વધી. પોલીસે જાહેરમાં જણાવ્યું છે કે, આ મૃત્યુને મેલીવિદ્યા, ખજાનાની શોધ અથવા ધાર્મિક વિધિઓ સાથે જોડતા કોઈ પુરાવા મળ્યા નથી. તેઓએ કોઈ કહેવાતી ટાર્ગેટ લિસ્ટ હોય તેવું પણ સાબિત થયું નથી.

Chhattisgarh-Deaths2

આ વિવાદમાં બીજી એક વાત સામે આવી છે. બે ઓડિયો ક્લિપ્સ સામે આવી છે જેમાં રામસે કથિત રીતે ગામલોકોને પોલીસ પાસે ન જવા માટે સમજાવતા સાંભળી શકાય છે. આ રેકોર્ડિંગ્સની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી, અને અધિકારીઓએ તેમની સત્યતા પર કોઈ ટિપ્પણી કરી નથી.

શરૂઆતમાં, ગ્રામજનો માનતા હતા કે મૃત્યુ દૈવી ક્રોધનું પરિણામ છે. તેઓએ પ્રાર્થના અને પરંપરાગત ધાર્મિક વિધિઓ કરી. જ્યારે મૃત્યુ ચાલુ રહ્યા, ત્યારે લોકોએ સરકારી હસ્તક્ષેપની માંગ કરી. ત્યારથી, પીડિતોના પરિવારોએ કડક કાર્યવાહીની માંગ કરી છે, અને કેટલાક કિસ્સાઓમાં, CBI તપાસની માંગ કરી છે.

બલોદા બજારના પોલીસ અધિક્ષક (SP) OP શર્માએ જણાવ્યું હતું કે, નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મૃત્યુનું કારણ હજુ સુધી અસ્પષ્ટ છે. ખારવે ગામ હાલમાં ભય, અફવાઓ અને અસંખ્ય સવાલોથી ઘેરાયેલું છે.

પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલોજી રિપોર્ટમાં ખુલાસો થવાની અપેક્ષા છે કે મૃત્યુ ઝેર આપવાથી, ગુનાહિત કાવતરું, કુદરતી કારણો અથવા અન્ય કોઈ કારણોસર થયા છે. જ્યાં સુધી વૈજ્ઞાનિક પરિણામો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ગામનું સૌથી ચિંતાજનક રહસ્ય વણઉકેલાયેલું રહેશે.

Leave a Reply

error: Content is protected !!