
સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો અને અનુચિત વેપાર પદ્ધતિઓ અપનાવવાનો આરોપ છે. જેના પરિણામે, ભારત સરકારના સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ કંપની પર દંડ વસૂલ્યો. તેણે કંપનીની વેબસાઇટ, પેકેજિંગ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ભ્રામક જાહેરાતોને તાત્કાલિક દૂર કરવાનો પણ આદેશ આપ્યો.
બાર અને બેન્ચના અહેવાલ મુજબ, CCPAએ કંપની સામે સ્વયં કાર્યવાહી શરૂ કરી. CCPAના ચીફ કમિશનર નિધિ ખરે અને કમિશનર અનુપમ મિશ્રાએ 18 જૂનના રોજ આદેશ જાહેર કર્યો હતો. CCPA અનુસાર, સ્ટોરિયા તેના નારિયેળ પાણીનું માર્કેટિંગ 100% ટેન્ડર કોકોનટ વોટર અને 100% નેચરલ ટેન્ડર કોકોનટ વોટર તરીકે કરી રહી હતી, પરંતુ પ્રોડક્ટ લેબલ પર ખુલાસો થયો હતો કે તેને 9.6% નારિયેળ પાણીના કોન્સન્ટ્રેટ સાથે પાણીમાં ભેળવીને બનાવવામાં આવ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો, તે નારિયેળમાંથી સીધું કાઢેલું શુદ્ધ નારિયેળ પાણી નહોતું. નારિયેળ પાણી ઉપરાંત, દાડમ, મિશ્ર ફળ, કેરી અને જામફળ-મરચા જેવા સ્વાદવાળા પીણાં પર 100% જ્યૂસનું લેબલ હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ ફ્લેવર્ડ પીણાંમાં મુખ્યત્વે પાણીનો સમાવેશ થતો હતો, જેમાં ફળોનો પલ્પ અથવા કોન્સન્ટ્રેટનું પ્રમાણ માત્ર 4% થી 16% સુધી હતું. તેમાં સફરજનના રસનું કોન્સન્ટ્રેટ પણ હતું. CCPAએ કહ્યું હતું કે ‘દાડમ’ અને ‘મિશ્ર ફળ’ જેવા નામોથી માર્કેટિંગ કરાયેલા પીણાંમાં ખરેખર લેબલ પર નામ આપવામાં આવેલા ફળ કરતા સફરજનના રસનું કોન્સન્ટ્રેટનું પ્રમાણ વધુ હતું. આનાથી ગ્રાહકોને એવું લાગી શકે છે કે ઉત્પાદન મુખ્યત્વે નામ આપવામાં આવેલા ફળમાંથી બનાવવામાં આવ્યું છે, જ્યારે વાસ્તવિકતા તદ્દન અલગ હતી.

CCPAએ જણાવ્યું હતું કે સરેરાશ ગ્રાહક માટે “00% જ્યૂસનો અર્થ એ છે કે ઉત્પાદન સંપૂર્ણપણે ફળોમાંથી બનાવવામાં આવ્યું છે, જેમાં પાણી, ખાંડ અથવા અન્ય ઘટકો ઉમેર્યા નથી. ઓથોરિટીએ વધુમાં કહ્યું કે પેકની પાછળ આપવામાં આવેલી માહિતી આગળના ભાગમાં કરવામાં આવેલા બોલ્ડ દાવાઓને સમર્થન આપી શકતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આગળના ભાગમાં 100% નાળિયેર પાણી લખીને પાછળના ભાગમાં પુનઃરચિત હોવાનું જાહેર કરવું ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે.
અહેવાલ મુજબ, તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે કંપનીએ તેના ઉત્પાદનો માટે દાવા કર્યા હતા કે વાયરસ સામે લડે છે. ચયાપચય સુધારે છે, થાક દૂર કરે છે, અને શરીરને પાણી કરતાં વધુ ઝડપથી હાઇડ્રેટ કરે છે, જેવા સ્વાસ્થ્ય સંબંધિત દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ તેના પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નહોતા. CCPAએ પણ કહ્યું હતું કે સ્ટોરિયાની વેબસાઇટ પર કોમ્બેટ્સ વાયરસવાળો દાવો સપ્ટેમ્બર 2024 સુધી જોવા મળી રહ્યો હતો, ભલે કંપનીએ ડિસેમ્બર 2023માં તેને દૂર કરવાનો દાવો કર્યો હતો.

CCPAએ હવે સ્ટોરિયાને તેની વેબસાઇટ, પેકેજિંગ અને ઓનલાઈન વેચાણ પ્લેટફોર્મ પરથી 100% નાળિયેર પાણી, 100% કુદરતી નાળિયેર પાણી, અને 100% જ્યૂસ જેવા દાવાઓ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે. સાથે , કંપનીને એવા દાવાઓ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે કે તેનું ઉત્પાદન વાયરસ સામે લડે છે, ચયાપચય સુધારે છે, થાક દૂર કરે છે, અને પાણી કરતાં શરીરને ઝડપથી રિહાઇડ્રેટ કરે છે.
CCPAએ પણ સ્પષ્ટતા કરી છે કે, આગળથી, કંપની તેના ઉત્પાદનો માટે ફક્ત ત્યારે જ સ્વાસ્થ્ય લાભના દાવા કરી શકે છે, જ્યારે તેની પાસે તેમને સાબિત કરવા માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા હોય.