
સુમુલ ડેરીની આગામી ચૂંટણી અગાઉ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના જ બળવાખોરો અને કોંગ્રેસે મોરચો માંડીને કુલ 32 ફોર્મ ભરતા આ જંગ હવે આંતરિક જૂથબંધીનો શિકાર બન્યો છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાની પકડ મજબૂત બનાવતા મોટી સફળતા મેળવી છે. ડેરીની કુલ 16 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા રાજકીય વર્તૂળોમાં આશ્ચર્ય અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરત કલેક્ટરના આદેશથી ચૂંટણી અધિકારી એન.એન. સવાણી દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર જાહેરનામા અનુસાર આગામી 15 જુલાઈએ 15 મતદાન કેન્દ્રો પર વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જોકે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ ભાજપ પ્રેરિત પેનલના 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને બાકીની 11 બેઠકો માટે જ હવે મહાજંગ ખેલાશે.

બુધવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ પ્રેરિત પેનલના અગ્રણી ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત 15 ઉમેદવારોએ અને તે પહેલાં મંગળવારે રાજૂ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી, જેથી સત્તાવાર પેનલના કુલ 16 ઉમેદવારો મેદાનમાં છે. તેની સામે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ પ્રમુખ નરેશ પટેલ સહિતના ભાજપના જ બળવાખોર નેતાઓએ પક્ષના આદેશને અવગણીને 16 બેઠકો પર ફોર્મ ભરી રણશિંગું ફૂંક્યું છે. ખાસ કરીને વાલોડ બેઠક પર ભાજપના સત્તાવાર ઉમેદવાર રાજુ આહિર સામે જ પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે મોરચો ખોલ્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ચૂંટણી જંગના સત્તાવાર મતદાન પૂર્વે જ ભાજપ પ્રેરિત પેનલે 5 બેઠકો પર સંપૂર્ણ બિનહરીફ જીત હાસલ કરી લીધી છે. તેમાં ચોર્યાસી બેઠક પર ધારાસભ્ય સંદીપ દેસાઈ, કામરેજ બેઠક પર બળવંત પટેલ, માગરોળ બેઠક પર વર્તમાન વાઇસ ચેરમેન રાજુ પાઠક, બારડોલી બેઠક પર અજયભાઈ, પલસાણા બેઠક પર ભરતભાઈ ડાભી બિનહરિફ થયા છે.
આ ચૂંટણીમાં 1000 કરોડના કથિત ગેરવહીવટના આક્ષેપોનો સામનો કરનાર રાજૂ પાઠક જૂથનો દબદબો યથાવત રહ્યો છે, જ્યારે તેમની સામે અવાજ ઉઠાવનારા પૂર્વ પ્રમુખ માનસિંહ પટેલનું પત્તું સાફ કરી દેવામાં આવ્યું છે.
ચૂંટણી પ્રક્રિયા અને મતદાન માટેની મહત્ત્વપૂર્ણ તારીખો:
26 જૂન: ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે.
6 જુલાઈ: ઉમેદવારી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ (ત્યારબાદ જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે).
15 જુલાઈ: સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ઓલપાડ, વ્યારા, બારડોલી, સોનગઢ સહિતના 15 તાલુકા મથકો પર મતદાન થશે. (ચોર્યાસી અને ઓલપાડ બેઠક માટે સુમુલ ડેરી કેમ્પસના બેન્કવેટ હોલ ખાતે મતદાન મથક રખાશે).

17 જુલાઈ: સુમુલ ડેરીના બેન્કવેટ હોલમાં જ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરાશે.
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, ઓફિશિયલ મેન્ડેટ વિરૂદ્ધ બળવાખોરી કરનારા ઉમેદવારો જો પોતાના ફોર્મ પાછા નહીં ખેંચે તો તેમને કોઈ પણ સંજોગોમાં સમજાવવામાં આવશે નહીં અને પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા સુધીની આકરી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.