
મહારાષ્ટ્રના વાશિમએક જિલ્લા કોર્ટે કસ્ટડીમાં જીવ ગુમાવવાના કેસમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી સહિત 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના લગભગ 15 વર્ષ પહેલા 10 મેના રોજ રિસોડ પોલીસ સ્ટેશનમાં બની હતી. પોલીસે પારધી સમુદાયના બેગ્યા પવારને સવારે 3:00 વાગ્યે તેના ઘરેથી ઉપાડી લીધો હતો.
પોલીસનું કહેવું હતું કે તેઓ તેને ફક્ત પૂછપરછ માટે લઈ જઈ રહ્યા હતા. જોકે, તેને સ્ટેશન પર લાવ્યા પછી અધિકારીઓએ બેગ્યા પવારને નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે તેનો કસ્ટડીમાં જીવ જતો રહ્યો હતો. મૃતક બેગ્યા પવારનો કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો. ઘટના બન્યાના એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા. પુત્રનો જીવ ગયા બાદ, તેના વૃદ્ધ માતા-પિતાએ ન્યાય મેળવવા માટે રિસોડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. તેમણે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફરિયાદમાં જે પોલીસ અધિકારીનું નામ સામેલ હતું, તેણે કેસ નોંધવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

યુવાન પારધી સમુદાયનો હતો અને તેના વિરોધમાં ભારે પ્રદર્શન અને માર્ચ કાઢવામાં આવી હતી. ત્યારબાદ મૃતકની તબીબી તપાસ થઇ તો રિપોર્ટમાં તેના શરીરના અનેક હાડકાં તૂટી ગયા હોવાની વાત સામે આવી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ CID અધિકારી અનવર શેખને સોંપવામાં આવી હતી.
શેખે કેસના દરેક પાસાની બારીકાઈથી તપાસ કરી અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી. આ ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, બેગ્યા પવાર સાથે પોલીસ સ્ટેશનમાં ક્રૂરતાથી મારામારી કરવામાં આવી હતી. 15 વર્ષ સુધી કોર્ટમાં કાનૂની લડાઈ ચાલી.

અંતે વાશિમ જિલ્લા સત્ર કોર્ટના ન્યાયાધીશ ઝાપટેએ ચૂકાદો આપતા રિસોડ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ અધિકારી મહાદેવ માણિક ધાંડે અને અન્ય 8 પોલીસ કર્મચારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા. આ નવ આરોપીઓમાંથી બે પોલીસકર્મી હવે નિવૃત્ત થઈ ગયા છે. કોર્ટના ચૂકાદા બાદ બધા દોષિતોને વાશિમ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. કાગળકામ પૂર્ણ થયા પછી, તેમને બીજા દિવસે અમરાવતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે.