fbpx

વીજ પોલને લઈને ખેડૂતો આર-પારના મૂડમાં, સરકારને આપ્યા 3 વિકલ્પ

Spread the love

વીજ પોલને લઈને ખેડૂતો આર-પારના મૂડમાં, સરકારને આપ્યા 3 વિકલ્પ

થોડા દિવસ અગાઉ સરકારે ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજપોલ માટે નવી વળતર નીતિ જાહેર કરી હતી, જેનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિના અસ્વીકાર બાદ ‘આંદોલન પાર્ટ-3’ હેઠળ આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી છે. 

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, મહિલાઓ અને ખેડૂતો સહિત અંદાજે 1200-1500 જેટલા લોકો રેલીમાં જોડાયા હતા. ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરી અને તેમની માંગણી મુજબ વળતરની માગ કરતુ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું.

ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, તેમના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમને પૂરતું વળતર આપવામાં આવે. મોરબી મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધીની પદયાત્રા યોજીને આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં આંદોલનના મુખ્ય અગ્રણી નેહુલ અમૃતિયાએ જણાવ્યા મુજબ, સરકાર દ્વારા તા. 4 જુલાઇએ 2026ના રોજ જે પરિપત્ર નવી વળતર નીતિ માટે જાહેર કરવામાં આવ્યો છે તેમાં સુધારો કરવા માટે તેને કુલ ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે.

Farmers-protest1

4 જુલાઈના પરિપત્રમાં સુધારો કરવા માટે ખેડૂતોએ સરકારને 3 વિકલ્પ આપ્યા

વિકલ્પ:1 (ટાવર બેઝ અને કોરિડોર વળતરમાં સુધારો)

ટાવર બેઝ : વર્તમાન 200 ટકાની જગ્યાએ 400% વળતર આપવામાં આવે.

કોરિડોર : ગ્રામીણ વિસ્તાર, નગરપાલિકા કે મહાનગરપાલિકા–આ ત્રણેય માટે એક સમાન રીતે 260% વળતર નક્કી કરવામાં આવે.

વિકલ્પ: 2 (જમીન સંપાદન કાયદો 2013)

વર્ષ 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ, જમીનની બજાર કિંમતના ચાર ગણું વળતર થાંભલા અને તાર બંને માટે ચૂકવવામાં આવે.

વિકલ્પ: 3 (લાઈસન્સ રૂલ 2006 મુજબ ભાડું)

લાઇસન્સ રૂલ્સ 2006ના આધારે, વીજ કંપની અને ખેડૂત બંને પરસ્પર સમજૂતી કરીને જમીનનું ભાડું નક્કી કરે.

આ સિવાય ખેડૂતોના હિતને લગતા અન્ય 22થી 23 જેટલા જુદા-જુદા મુદ્દાઓ પણ આવેદન પત્રમાં રજૂ કરવામાં આવ્યા છે.

આ પ્રકારની મુખ્ય ત્રણ માંગણી નવા પરિપત્રની અંદર સુધારો કરવા માટે કલેક્ટર માર્ફતે સરકારને આપવામાં આવી છે અને જો તેને સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો આ પરિપત્ર આખા ગુજરાતના ખેડૂતોને લાગુ પડે છે, જેથી ગુજરાતના ખેડૂતો જે નક્કી કરશે તે મુજબ આગામી સમયમાં આંદોલન ચાલુ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ આંદોલનની શરૂઆત મોરબીના જેતપર ગામે થઈ હતી, જ્યાં ખેડૂતો ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતા અને સમયસર વળતરની માગ કરી રહ્યા હતા. અગાઉ પ્રતિક ઉપવાસ અને ત્યાર બાદ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન સરકારે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર માટે નવી વળતર નીતિ જાહેર કરી હતી અને તેનો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો.

Farmers-protest2

સરકારે તાજેતરમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વાયરના વળતર અંગે નવી નીતિ જાહેર કરી છે, પરંતુ જેતપરના ખેડૂતોએ આ પરિપત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કેવા પ્રકારનું આર્થિક નુકસાન થઈ શકે છે તે અંગે ચર્ચા કરવા માટે 8 જૂલાઈની રાત્રે 9:00 વાગ્યે મોરબીના જેતપર ગામે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ સરકાર દ્વારા નક્કી કરાયેલા વળતરને બદલે પોતાની ઈચ્છા મુજબનું વળતર મેળવવા માંગે છે. જો તેમના ખેતરોમાંથી થાંભલા ઉખેડવામાં નહીં આવે તો આગામી 2027ની ચૂંટણીમાં તેઓ સરકારને ઉખેડી નાખવા પણ તૈયાર છે.

મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલતાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન-પાર્ટ 2ને 7 જુલાઈએ સમેટી લેવાયું હતું, પરંતુ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામેની લડત હજુ ચાલું રાખવા નિર્ણય લેવાયો હતો. સરકાર દ્વારા વીજપોલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે, જેને પગલે ખેડૂત આગેવાનોએ હવે આંદોલન પાર્ટ-3 શરૂ કરવાનું એલાન કરી દીધું છે.

Leave a Reply

error: Content is protected !!