
દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા કાર્યકર્તા સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે હોસ્પિટલમાં લઈ ગઈ છે. સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલની બહાર ભારે પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત છે. આ દરમિયાન, પોલીસ દ્વારા વાંગચુકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ પ્રદર્શનકારીઓને જંતર-મંતર વિરોધ સ્થળ પરથી હટાવવામાં આવી રહ્યા છે. NEET જેવી મોટી પરીક્ષાઓના પેપર લીકના સંબંધમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઇને વાંગચુક 28 જૂનથી ભૂખ હડતાળ પર છે.

સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગમોએ કહ્યું કે, ‘હું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છું, જ્યાં સોનમ વાંગચુકને દાખલ કરવામાં આવ્યા છે. મારી, તેમના પરિવારની અને છેલ્લા 20 દિવસથી તેમની તબિયત પર નજર રાખી રહેલા ડૉક્ટરોની સંમતિ વિના તેમને મૌખિક અથવા નસમાં કંઈપણ આપવું જોઈએ નહીં.
ડોક્ટરોની ટીમે સોનમ વાંગચુકની તબિયત અંગે અપડેટ જાહેર કર્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર, હાલમાં તેના સ્વાસ્થ્યના તમામ મહત્ત્વપૂર્ણ સંકેતો સામાન્ય છે. જો કે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તેમનું બ્લડ પ્રેશર નોર્મલ કરતા ઓછું છે અને બ્લડ શુગર પણ નોર્મલ કરતા ઓછું છે. સાથે જ તેમનો ECG રિપોર્ટ પણ નોર્મલ આવ્યો છે.
સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની અને મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું છે કે સોનમ વાંગચુકને બળજબરીથી હટાવવાની કાર્યવાહી માત્ર એક કાર્યવાહી નથી, પરંતુ લોકશાહી અને બંધારણને દબાવવાનું કૃત્ય છે. શિવસેના UBTના આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, દુનિયા જોઈ રહી છે કે કેવી રીતે ભારતમાં લોકશાહીને બેશરમીથી અને બળજબરીથી તોડવામાં આવી રહી છે. હવે અયોગ્ય મંત્રી સામે વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન પણ સહન કરવામાં આવતું નથી.
સોનમ વાંગચુકને લઈને સફદરજંગ હોસ્પિટલનું નિવેદન સામે આવ્યું છે. હોસ્પિટલે માહિતી આપી છે કે સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોની ટીમ તેમની તબિયત તપાસી રહી છે. સોનમ વાંગુચકને ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાંગચુક સંપૂર્ણપણે હોશમાં છે અને તેમની હાલત સ્થિર છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે કોર્ટના આદેશ અને તબીબી નિષ્ણાતોની સલાહ મુજબ, સોનમ વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને તેમને જરૂરી તબીબી સંભાળ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, સોનમ વાંગચુકની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર સુનાવણી થઈ હતી. આ કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે સરકારી ડૉક્ટરો દ્વારા તેમની નિયમિત તપાસ કરવામાં આવે અને ડૉક્ટરોના રિપોર્ટ મુજબ જરૂરી પગલાં લેવામાં આવે, કારણ કે દરેકનું જીવન કિંમતી છે.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ અભિજીત દીપકેએ કહ્યું કે, સવારે 7 વાગ્યે જ્યારે હું ફ્રેશ થવા માટે બહાર નીકળ્યો, ત્યારે પોલીસના ગુંડાઓ ત્યાં આવ્યા. તેઓ સોનમ સરને ગાળો બોલતા ધસડીને લઈ ગયા.એક 60 વર્ષીય વ્યક્તિ, જે 20 દિવસથી ભૂખ હડતાળ પર હતા, તેમને દિલ્હી પોલીસ બળજબરીથી ખેંચીને લઈ ગઇ. અમને ખબર નથી કે તેઓ તેમને ક્યાં લઈ ગયા છે. મને સમાચાર મળતા જ અને હું જંતર-મંતર જઈ રહ્યો હતો, તો પોલીસે મારી સાથે પણ મારામારી કરી… આ પોલીસ કર્મચારી નથી; તેઓ RSS ગુંડા છે. હું વિદેશથી મારા દેશ પાછો ફર્યો હતો; શું હું ગુનેગાર છું? આ લોકોએ મને રસ્તાઓ પર માર માર્યો…”

આ પહેલા ડૉક્ટરોએ સોનમ વાંગચુકની તબિયત અંગે ચેતવણી આપી હતી કે જો તેમની સ્થિતિમાં જલ્દી સુધારો નહીં થાય તો તેમના અંગો ફેલ થઈ શકે છે. આ દરમિયાન, તેમની સતત બગડતી તબિયત છતા વાંગચુકે શુક્રવારે રાત્રે એક વીડિયો સંદેશ જાહેર કરીને જણાવ્યું હતું કે તેમના શરીરના વજનમાં લગભગ 20 ટકા ઘટાડો થયો છે. શરીરના સ્નાયુઓ પણ પ્રભાવિત થયા છે, પરંતુ તેમની હિંમત અને માનસિક સ્થિતિ હજુ પણ મજબૂત છે. 13 જુલાઈના રોજ RML હોસ્પિટલના ડૉક્ટરોએ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને હોસ્પિટલમાં શિફ્ટ કરવાની સલાહ આપી હતી.

તો, વીડિયો સંદેશમાં, વાંગચુકે દેશવાસીઓને 20 જુલાઈએ પ્રસ્તાવિત ‘ચલો સંસદ’ કૂચમાં મોટી સંખ્યામાં ભાગ લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો દેશમાં ડુંગળીના ભાવ માટે સરકારોને જવાબદાર ઠેરવી શકાય છે, તો કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણ પ્રણાલીમાં કથિત અનિયમિતતાઓ માટે પણ જવાબદારી નક્કી થવી જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે NEET વિવાદ બાદ ઘણા વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે અને સરકારે આ મુદ્દે જવાબ આપવો જોઈએ.
સોનમ વાંગચુક અને આંદોલન સાથે જોડાયેલા સંગઠનોની મુખ્ય માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને પેપર લીકની ઘટનાઓએ દેશના લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ તોડ્યો છે, તેથી રાજકીય જવાબદારી નક્કી થવી જોઈએ. પ્રદર્શનકારીઓએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની કામગીરીની નિષ્પક્ષ તપાસ, પેપર લીક કેસની પારદર્શક તપાસ અને પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારાની પણ માંગ કરી હતી