
ભારતની લોકશાહીના ઇતિહાસમાં જ્યારે પણ યુવાઓ રસ્તા પર ઉતર્યા છે ત્યારે તેમણે રાજકીય ભૂકંપ લાવી દીધો છે. પરંતુ તાજેતરમાં ‘નીટ’ (NEET) અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે UGC-NET, CUET ના પેપર લીક અને ગ્રેસ માર્ક્સના વિવાદને લઈને ઊભું થયેલું આંદોલન પરંપરાગત વિરોધ પ્રદર્શનોથી ઘણું અલગ તરી આવ્યું છે. આ આંદોલને માત્ર શૈક્ષણિક વ્યવસ્થાની જ નહીં પરંતુ સીધી જ કેન્દ્ર સરકારની વિશ્વસનીયતા, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની કાર્યક્ષમતા અને શિક્ષણ મંત્રીની જવાબદારીને કઠેડામાં ઊભી રાખી દીધી છે.

‘લિડરલેસ’ પણ અસરકારક ડિજિટલ સત્યાગ્રહ: પરંપરાગત આંદોલનોમાં કોઈ એક ચોક્કસ નેતા કે રાજકીય પક્ષનો ચહેરો આગળ હોય છે. પરંતુ નીટ આંદોલનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સ્વયંભૂ અને વિકેન્દ્રિત રહ્યું. આ આંદોલનનો કોઈ એક ચોક્કસ ‘ચહેરો’ નથી પરંતુ પટણા, દિલ્હી, કોલકાતા અને કોટા જેવા શહેરોના હજારો વિદ્યાર્થીઓ સામૂહિક રીતે આ આંદોલનનો ચહેરો બન્યા છે.
સોશિયલ મીડિયા ના વિવિધ પ્લેટફોર્મ
Instagram, X/Twitter, YouTube પર યુવાઓએ પોતાની માંગ બુલંદ કરી અને પોતાના વિચારો રજૂ કર્યા. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ જેઓ વર્ષો સુધી રાતદિવસ એક કરીને તૈયારી કરે છે તેમણે પોતાની વેદના પેપર લીકના પુરાવા અને NTA ની બેદરકારીના વીડિયો વાયરલ કર્યા. આ યુવા ચહેરાઓ એ સાબિત કર્યું કે હવે યુવાઓ રાજકીય પક્ષોના પોસ્ટરો કે નેતાઓના ભરોસે નથી પરંતુ તેઓ પોતાના અધિકાર માટે જાતે જ લડી રહ્યા છે. આ ડિજિટલ અને ધરાતલ પરના વિરોધનું મિશ્રણ એક એવી શક્તિ બની કે જેને રાજનેતાઓ અને સરકાર માટે દબાવવી અશક્ય બની ગઈ.

શિક્ષણ મંત્રીનું રાજીનામું: જવાબદારી કોની?
આ આંદોલનનો સૌથી અસરકારક માંગનો મુદ્દો રહ્યો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. વિદ્યાર્થીઓ અને વિરોધ પક્ષોનો તર્ક એ હતો કે દેશના શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થાના વડા તરીકે પૂર્ણ અને છેલ્લી જવાબદારી મંત્રીની જ બને છે. જ્યારે NTA જેવી સંસ્થા વારંવાર નિષ્ફળ જાય, પેપર લીક માફિયા બેખોફ બને અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાય ત્યારે નૈતિક ધોરણે મંત્રી પદ પર રહેવું તે શોભાસ્પદ નથી.
સંસદના બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ આ મુદ્દે સરકારને ઘેરી. વિદ્યાર્થીઓએ દિલ્હીના જંતરમંતરથી લઈને રાજઘાટ સુધી મૌન ધરણા અને ભૂખ હડતાળ કરી. સરકાર તરફથી CBI તપાસના આદેશ અને NTA ના વડાને બદલવા જેવા પગલાં ઉઠાવવામાં આવ્યા પરંતુ યુવાઓનો આગ્રહ હતો કે “જ્યાં સુધી મંત્રી પદ પર છે ત્યાં સુધી સિસ્ટમમાં સુધારો શક્ય નથી.” અને આંદોલનકારી યુવાનો પોતાની માંગ પર અડગ રહ્યા અને અંતે દેશના શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું અને સરકારે સ્વીકારવું પડ્યું.
રાજકીય વિશ્લેષકોની દૃષ્ટિએ જોઈએ તો શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી એ માત્ર એક વ્યક્તિને હટાવવાની માંગણી નહોતી પરંતુ તે જવાબદારીની સ્પષ્ટતા માંગવાનો એક પ્રયત્ન હતો. દેશની હાલની સરકાર માટે આ સૌથી મોટી રાજકીય શરમજનક સ્થિતિ હતી કારણ કે તે પોતાના ‘સુશાસન’ અને ‘પારદર્શિતા’ ના દાવાને લઈને યુવાઓ સામે પોકળ સાબિત થઈ રહી હતી.

નીટ આંદોલને ભારતના રાજકારણ અને સામાજિક માળખામાં એક નવોચીલો સેટ કરી દીધો છે. આવનારા સમયમાં આવા આંદોલનોની શક્યતાઓ અને તેની અસરો સમજીએ…
1. મુદ્દા આધારિત રાજકારણનો યુગ: હવે યુવાઓ માત્ર ધર્મ, જાતિ કે પ્રાદેશિક અસ્મિતાના મુદ્દાઓને આધારે વોટ બેન્ક નહીં બને. રોજગારી, મેરિટ અને પારદર્શિતા એવા મુદ્દા છે જે સીધા યુવાઓની લાગણી સાથે જોડાયેલા છે. આવનારી ચૂંટણીઓમાં યુવા મતદારો એવા ઉમેદવારોને પસંદ કરશે જેઓ ‘પેપર લીક મુક્ત’ વ્યવસ્થા અને ‘રોજગારી’ ની ખાતરી આપે. કોઈપણ સરકાર માટે યુવાઓના આ આક્રોશને ટાળવો હવે અઘરું રહેશે.
2. ‘વન નેશન, વન એક્ઝામ’ નીતિની પુનર્વિચારણા: સરકારની ‘એક રાષ્ટ્ર, એક પરીક્ષા’ (NEET, CUET, JEE, SSC) નીતિ હવે સવાલોના અને શંકાના ઘેરામાં છે. ભવિષ્યમાં જો કોઈપણ કેન્દ્રીય પરીક્ષામાં ગેરરીતિ થશે તો તેની સામે તરત જ રાષ્ટ્રવ્યાપી વિરોધ થશે. યુવાઓ હવે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર સામે આંદોલન કરતા ખચકાશે નહીં.
18.jpg?w=1110&ssl=1)
3. કાયદાકીય સુધારા અને કડક સજાની માંગ: ભવિષ્યના આંદોલનો માત્ર રસ્તા પૂરતા નહીં રહે પરંતુ તેઓ કોર્ટકચેરી અને કાયદાકીય સુધારા માંગશે. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પેપર લીક માટે કડક કાયદા બન્યા છે પરંતુ યુવાઓ હવે કેન્દ્ર સ્તરે ‘પેપર લીકર્સ’ અને ‘કોચિંગ માફિયા’ સામે દેશદ્રોહ જેવી કડક સજા અને કાયદાકીય પકડની માંગણી કરશે.
4. સોશિયલ મીડિયા અને AI નો ઉપયોગ: ભવિષ્યના આંદોલનોમાં ડિજિટલ ફૂટપ્રિન્ટ વધુ મજબૂત હશે. યુવાઓ AI અને ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને સરકારની ચૂક કે નિષ્ફળતાઓના પુરાવો એકત્રિત કરશે.
સરકારનું IT Cell હવે યુવાઓના ડિજિટલ સત્યાગ્રહ સામે ટકી શકશે કે કેમ એ પણ એક સવાલ છે, કારણ કે યુવાઓ પાસે રીયલટાઇમ ડેટા અને ગ્રાઉન્ડ રિયાલિટી હશે.

તારણ રૂપે કહી શકાય કે નીટ આંદોલન એક ચેતવણી છે. તે દેશના સત્તાધારીઓને યાદ કરાવે છે કે ભારતનો યુવા હવે ‘નિર્જીવ મતદાર’ નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે. જો સરકારે યુવા વિદ્યાર્થી આંદોલનના ચહેરાઓ અને માંગોને ગંભીરતાથી ન લીધા અને સિસ્ટમમાં ઝડપથી મૂળભૂત સુધારા ન કર્યા તો આવનારો સમય ઘણો અઘરો છે. ભવિષ્યમાં SSC, રેલવે, બેન્કિંગ કે અન્ય કોઈપણ ભરતીમાં થનારી નાની ભૂલ પણ મહાઆંદોલનનું રૂપ લઈ શકે છે. લોકશાહીની સાચી મજબૂતી સત્તામાં નહીં પરંતુ સત્તાને સવાલ પૂછનારી આ યુવા પેઢીમાં રહેલી છે. સરકારે આંદોલનોને કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ન બનાવતા તેને સંવાદ સભર રાષ્ટ્ર નિર્માણની તક તરીકે જોવા પડશે.