પ્રાંતિજ અવર ઑન વિદ્યાવિહારમાં ગુરુપૂર્ણિમા અને પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી
ગુરુ વંદના, નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત અને ગૌરીવ્રતની ઉજવણીથી શાળામાં સર્જાયો ઉત્સવમય માહોલ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઑન વિદ્યાવિહારમાં આજે ગુરુપૂર્ણિમા, ધોરણ-1ના વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવ તથા ગૌરીવ્રતની ઉજવણીનું ભાવભર્યું અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સભાથી કરવામાં આવી હતી આ પ્રસંગે શિક્ષિકા સાજેદાબેન કુરેશીએ વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ, સનાતન સંસ્કૃતિના મહાન ગ્રંથ વેદો તથા ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે કેમ ઓળખવામાં આવે છે તેની સરળ અને રસપ્રદ માહિતી આપી હતી. ત્યારબાદ શિક્ષિકા આશાબહેન પટેલે બોધકથા દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં ગુરુનું સ્થાન અને મહત્વ સમજાવી પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકગણને પુષ્પ અર્પણ કરીને તેમનું સન્માન કર્યું અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર વાતાવરણ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા અને શ્રદ્ધાથી ઓતપ્રોત બન્યું હતું. શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ-1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને અને પુષ્પ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કુમકુમના શુભ પગલાં સાથે શાળામાં પ્રવેશ કરાવી સરસ્વતી વંદના દ્વારા તેમના ઉજ્જવળ શૈક્ષણિક જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. બાદમાં તમામ બાળકોને કેળાંનો નાસ્તો આપવામાં આવ્યો હતો. અવર ઑન વિદ્યાવિહારમાં અભ્યાસ કરતી ગૌરીવ્રત ધારણ કરનાર દીકરીઓને પણ કેળાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અવર ઑન બાલમંદિરમાં ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી હતી. બાલમંદિરના આચાર્ય મંદાબેન જોશીએ બાળકોને ગૌરીવ્રતનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી-ટ્રસ્ટી રઈસભાઈ કસ્બાતીના માર્ગદર્શન તથા અવર ઑન વિદ્યાવિહારના આચાર્ય પરેશકુમાર પરમારના નેતૃત્વમાં સમગ્ર સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. આ પાવન અવસરે રઈસભાઈ કસ્બાતીએ તમામ શિક્ષકમિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી


















