
પતિ-પત્નીના સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને સમજણને સર્વોપરી ગણવામાં આવે છે. પરંતુ જો આ સંબંધમાં ખાવાનું બનાવવા માટે પૈસા લેવાની વાત આવે તો લોકોનું હેરાન થવું વ્યાજબી છે. ગુરુગ્રામથી આવી જ એક ઘટના સામે આવી છે, ત્યાં રહેતી ફૂડ કન્ટેન્ટ સર્જક પ્રિયા તેના પતિ પાસેથી સ્પેશિયલ ખાવાનું બનાવવા માટે 1,000 રૂપિયા લે છે.

આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો. લાખો લોકોએ તેને જોયો અને પોતાના મંતવ્યો શેર કર્યા. કેટલાક લોકોએ તેને એક મનોરંજક અને સમજદાર વિચાર ગણાવ્યો, જ્યારે અન્ય લોકોએ તેને સંબંધોને પૈસા સાથે જોડતી ચાલ ગણાવી. જોકે, પ્રિયા કહે છે કે લોકો વીડિયો જોઈને તેના આધારે પોતાનું મંતવ્ય આપવામાં ઉતાવળ કરી રહ્યા છે, જ્યારે આની પાછળની વાર્તા તદ્દન અલગ જ છે.
પ્રિયાએ જણાવ્યું કે વાતચીત મજાકમાં શરૂ થઈ હતી, જ્યારે તે અને તેનો પતિ 2023માં તેમના લગ્ન પછી ઘરની જવાબદારીઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે તેણે મજાકમાં કહ્યું હતું કે, જો તે કાફેની જેવું સ્પેશિયલ ખાવાનું ઘરે તૈયાર કરે, તો તે તમને મફત નહીં મળે. પ્રિયા કહે છે કે તેના પતિ, જે વ્યવસાયે આર્કિટેક્ટ છે, આ સાંભળીને હસ્યા. તેમણે જવાબ આપ્યો કે, કાફેમાં હજાર રૂપિયા ખર્ચવાને બદલે, ઘરે બનાવેલા સ્વાદિષ્ટ ભોજન માટે તે જ પૈસા તેની પત્નીને આપવાનું વધુ સારું રહેશે. ત્યારથી, આ મજાક ધીમે ધીમે તેમના માટે એક પરંપરા બની ગઈ. હવે, જ્યારે પણ પ્રિયા તેના પતિની પસંદગીની ખાસ વાનગી બનાવે છે, ત્યારે તે મજાકમાં તેને 1,000 રૂપિયાનું બિલ આપે છે.

તેના વાયરલ વીડિયોમાં, પ્રિયા કહે છે કે, તે જાણે છે કે ઘણા લોકો કહેશે કે રસોઈ બનાવવી એ પત્નીનું કામ છે. પરંતુ તે માને છે કે દરેક સ્ત્રીનો સમય અને પ્રયત્ન આ જ પ્રકારે મહત્વપૂર્ણ છે. તેણે વીડિયોમાં કહ્યું હતું કે જો કોઈ કાફે અથવા રેસ્ટોરન્ટ આવું જ ખાવાનું આપવા માટે પૈસા લઇ શકે છે તો, ઘરે મહેનતથી તૈયાર કરાયેલું સ્પેશિયલ ભોજન પણ સમ્માનને પાત્ર છે. પ્રિયા કહે છે કે, આ તેના અને તેના પતિ વચ્ચે મજાની સમજણ છે, જેનું લોકો ખોટું અર્થઘટન કરી રહ્યા છે
વીડિયો વાયરલ થયા પછી, સોશિયલ મીડિયા વિભાજિત થઈ ગયું. કેટલાક યુઝર્સે કહ્યું કે, પતિ-પત્નીના સંબંધમાં પૈસા એક પરિબળ ન હોવું જોઈએ. ઘણાએ પ્રિયાને ‘ભૌતિકવાદી’ અને વ્યવસાયી મહિલા પણ કહી. બીજી બાજુ, મોટી સંખ્યામાં લોકો પ્રિયાને ટેકો આપવા માટે આગળ આવ્યા. તેઓએ કહ્યું કે, ઘરનું આ કામ પણ ખૂબ જ મહેનતનું કામ હોય છે, અને જો પતિ-પત્ની કોઈ બાબત પર પરસ્પર સંમત થાય છે, પછી ભલે તે મજાક હોય કે નિયમ, તો કોઈને પણ તેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. કેટલાક યુઝર્સે લખ્યું કે, આ સંબંધ સમાનતા અને સમ્માનનું ઉદાહરણ છે, જ્યાં બંને એકબીજાની મહેનતની કદર કરે છે.

વધુ પડતી ટ્રોલિંગ વચ્ચે, પ્રિયાએ સ્પષ્ટતા કરી કે, આ કંઈ તેની આવકનું સાધન નથી. તેણે કહ્યું કે તેના પતિ તેને જે પૈસા આપે છે તે આખરે પરિવારમાં જ રહે છે. પ્રિયાના મતે, તે આ પૈસા તેના ભવિષ્યના ફૂડ બિઝનેસ માટે બચાવી રહી છે. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, ઘરનું સંચાલન કરવાનું અને ખાવાનું બનાવવા જેવી જવાબદારીઓને પણ સમ્માન મળે. તેણે કહ્યું કે લોકો વીડિયોના ફક્ત એક ભાગના આધારે મંતવ્યો બનાવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે તેમના સંબંધનો એક મનોરંજક અને પ્રેમાળ ભાગ છે.
પ્રિયા માને છે કે ઘર સંભાળવું, રસોઈ બનાવવી અને પરિવારની સંભાળ રાખવી સરળ નથી. ઘણીવાર, આ જવાબદારીઓને કોઈ પણ માન્યતા કે પ્રશંસા વિના હળવાશથી લેવામાં આવે છે. તે કહે છે કે જો તેનો વીડિયો ગૃહિણીઓની મહેનત વિશે ચર્ચા જગાવશે, તો તે તેને પોતાની સૌથી મોટી સફળતા ગણશે.

આ વીડિયોએ ફરી એકવાર પ્રશ્ન ઉઠાવ્યો છે કે, શું ઘરકામનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ કે તેને ફક્ત કૌટુંબિક જવાબદારી તરીકે જોવું જોઈએ. અત્યારે તો ચર્ચા ઓનલાઈન ચાલુ છે, ત્યારે એક વાત સ્પષ્ટ છે, પ્રિયાનો આ વીડિયો ચોક્કસપણે લોકોને વિચારવા માટે મજબૂર કરી રહ્યો છે. જ્યારે કેટલાકને આ વિચાર વિચિત્ર લાગે છે, ત્યારે અન્ય લોકો તેને પતિ-પત્ની વચ્ચે પરસ્પર સમજણ અને સમ્માનનું નવું ઉદાહરણ કહી રહ્યા છે. આખરે, તે દરેક પરિવાર પર નિર્ભર છે કે તેઓ તેમના સંબંધો કેવી રીતે જીવવા માંગે છે.