પ્રાંતિજના નવા ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે જીવલેણ ખાડા
– ત્રણ કારના ટાયર ફાટ્યા; યુવાનોએ જાતે ખાડો પૂર્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે માત્ર ત્રણ મહિના પહેલાં બનેલા ઓવરબ્રિજ પર મોટા અને જીવલેણ ખાડા પડતાં વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો વચ્ચે વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતાં વાહનચાલકોને ખાડાનો અંદાજ ન આવતાં અકસ્માતની સ્થિતિ સર્જાઈ રહી છે
શનિવારે વહેલી સવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાસે થી ઓવરબ્રિજ ઉપર જઇ રહેલ ત્રણ જેટલી કાર ઓવરબ્રિજ પર પડેલા ખાડામાં પટકાતા ટાયર ફાટી જવાની ઘટનાઓ બની હતી અમદાવાદથી ઉદયપુર જઈ રહેલા કેટલાક યુવાનોની કારનો પણ ટાયર ફાટી ગયો હતો યુવાનોએ કારને સાઇડમાં ઊભી રાખીને ટાયર બદલ્યો હતો આ દરમિયાન યુવાનોની સામાજિક જવાબદારી પણ જોવા મળી હતી તેમણે આસપાસમાંથી પાવડો અને ડોલ લાવી રોડ વચ્ચે આવેલા મોટા ખાડાને જાતે જ માટી અને કપચીથી ભરી વાહનચાલકોને પડતી મુશ્કેલી ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો સ્થાનિકો અને અન્ય વાહનચાલકોએ યુવાનોની આ કામગીરીને બિરદાવી હતી બીજી તરફ વાહનચાલકોમાં હાઇવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળ્યો હતો લોકોનો આક્ષેપ છે કે હાઇવે ઓથોરિટી માત્ર ટોલ ટેક્સ વસૂલવામાં વ્યસ્ત છે પરંતુ રોડ પર પડેલા જીવલેણ ખાડાઓનું સમારકામ કરવા માટે સમય કાઢતી નથી જેના કારણે દરરોજ અનેક વાહનો ખાડામાં પટકાઈ નુકસાનનો ભોગ બની રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ત્રણ મહિના પહેલાં જ તૈયાર કરાયેલા ઓવરબ્રિજ પર અનેક મોટા ખાડાઓ પડી ગયા છે તેમજ બ્રિજનો એક ભાગ પણ બેસી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો છતાં જવાબદાર તંત્ર મૌન ધારણ કરીને બેઠું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે વાહનચાલકો અને સ્થાનિકોએ તાત્કાલિક ઓવરબ્રિજના ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેમજ સમગ્ર કામની ઉચ્ચસ્તરીય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે




