

એક તરફ, સરકાર ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે. ઘણા સરકારી કાર્યો ઓનલાઈન કરવામાં આવ્યા છે. આવામાં મધ્યપ્રદેશના દૂરના અને ઊંડાણના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં, E-એટેન્ડેન્સ એપ પર હાજરી ચિહ્નિત કરવી શિક્ષકો માટે મુશ્કેલ કાર્ય બની ગયું છે. મોબાઈલ નેટવર્કના અભાવે, શિક્ષકોને ક્યારેક હાજરી ચિહ્નિત કરવા માટે શાળાની અગાસી તો ક્યારેક ઝાડની ડાળીઓ પર ચઢવાની ફરજ પડે છે.

મધ્યપ્રદેશમાં સરકારી શાળાના શિક્ષકો માટે E-એટેન્ડેન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ એપ માત્ર હાજરી સુનિશ્ચિત કરતી નથી પરંતુ સરકારી શાળાઓમાં પારદર્શિતા અને જવાબદારી પણ સુનિશ્ચિત કરે છે. જો કે, દૂરના વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
પરિણામે, શિક્ષકોને હાજરી ચિહ્નિત કરવા માટે ઝાડની ડાળીઓ પર ચઢવું પડે છે અથવા સ્કૂલની અગાસી પર ચઢવું પડે છે. આ ઉપરાંત, જો હાજરી નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન નોંધવામાં ન આવે, તો તેમના પર કાર્યવાહી થવાનો અથવા પગાર કાપવાનો સતત ભય રહેતો હોય છે. એવું નોંધવામાં આવે છે કે આ ટેકનિકલ સમસ્યાને કારણે, ઘણા શિક્ષકોને અડધાથી પણ ઓછો પગાર મળ્યો છે.

શિક્ષકો શાળાની અગાસી પર જીવન જોખમે બેસીને સ્માર્ટફોનને બેલેન્સ કરતા હોય કે ફોન સિગ્નલ પકડવા માટે આંબાના ઝાડની ડાળીઓને પકડીને કામ કરતા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
આ હાજરી નોધાવવાના વીડિયો ઓનલાઈન વાયરલ થયા છે, જ્યારે કેટલાક લોકો તેને હળવાશભર્યા મજાક તરીકે ગણી રહ્યા છે, ત્યારે શિક્ષક સંગઠનોએ માંગ કરી છે કે, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓને દૂર કરવામાં આવે અને વ્યવહારુ ઓનલાઈન હાજરીના વિકલ્પો પૂરા પાડવામાં આવે. તેઓ દલીલ કરે છે કે, જો ટેકનિકલ સમસ્યાઓને કારણે હાજરી સમયસર નોંધવામાં ન આવે તો શિક્ષકોને જવાબદાર ઠેરવવા જોઈએ નહીં.

આગર માલવા જિલ્લાના બરોદની એક સરકારી શાળામાંથી આવી જ એક વીડિયો ક્લિપમાં ગણિતના શિક્ષક હવામાં મોબાઈલ ફેરવીને હાજરી લેતા દેખાય છે. ટિપ્પણી વિભાગમાં કેટલાક સૂચવે છે કે સિગ્નલ બંધ થાય તે પહેલાં તે કદાચ ‘ગુણાકાર’ની કિંમતની ગણતરી કરી રહ્યા હતા.

આ અવ્યવસ્થાને કારણે શિક્ષકોને આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મૂકવું પડે છે. અને બીજી બાજુ, શિક્ષણની ગુણવત્તા પર પણ અસર પડી રહી છે, કારણ કે શિક્ષકોનો કિંમતી સમય નેટવર્ક શોધવામાં જ વેડફાય જાય છે.