

ગણેશ ચતુર્થીનો હજી દોઢ મહિનો બાકી છે, તે પહેલા જ ગણેશજીના આગમનની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી આ જ ભવ્ય સ્વરૂપની ગણેશજીની પ્રતિમા લાવવાની પરંપરા છે. આ વર્ષે પણ સ્થાનિક કુશળ કારીગરો દ્વારા ખાસ તૈયાર કરાયેલી આ વિશાળ પ્રતિમાનું ભવ્ય આગમન ઘોડદોડ રોડથી શરૂ થઈ સિટી લાઈટ સુધી યોજાયું હતું, જ્યાં તેને જોવા માટે ઘોડદોડ વિસ્તારમાં શ્રદ્ધાળુઓની સૌથી વધુ ભીડ ઉમટી પડી હતી. આગમન યાત્રા બાદ પ્રતિમાની સિટી લાઈટ વિસ્તારમાં વિધિવત સ્થાપના કરવામાં આવી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, 23 ઓગસ્ટની રાતે ઘોડદોડ રોડ પરના રામચોકમાં સરકાર ગ્રુપના ગણેશજીની એક ઝલક જોવા હજારો લોકો ઉમટી પડ્યા હતા. જોકે, આયોજકો અને સ્થાનિક પોલીસ દ્વારા ભીડ નિયંત્રણની વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ હતી, જેના કારણે પગ મૂકવાની પણ જગ્યા ન રહેતા ધક્કામૂકીના દૃશ્યો સર્જાયા હતા. આ અફરાતફરીમાં મહિલાઓ પણ ભીડમાં દબાઈ હતી અને ઘણા ભક્તોને શ્વાસ લેવામાં પરેશાની થવા લાગી હતી. આ સાથે ભીડમાં વિખૂટું પડેલું બાળક મળતા માતા ભેંટીને રડી પડી હતી.

માહોલ એટલો બગડ્યો હતો કે, લોકોના ચંપલ પણ નાસભાગની સ્થિતિમાં નીકળીને ગયા હતા. રસ્તાઓ પર ચારેતરફ ચપ્પલો અને જૂતાંના ઢગલા જોવા મળ્યા હતા, જેના વીડિયો પણ સામે આવ્યો છે. આ સમગ્ર અરાજકતા વચ્ચે એક તરફ વાહનોની લાંબી લાઇન સાથે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, તો બીજી તરફ અસામાજિક તત્ત્વો સક્રિય થઈ ગયા હતા. ભીડ અને અફરાતફરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને પોકેટમારો અને તસ્કરોએ અનેક લોકોના કિંમતી મોબાઈલ તથા પર્સ સેરવી લીધા હતા. ખિસ્સાકાતરુઓના આ ત્રાસ અને કથળેલી વ્યવસ્થાના કારણે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ ભારે રોષ સાથે ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.
નિયમ મુજબ, ગણેશ પ્રતિમાની ઊંચાઈ 9 ફૂટ સુધીની રાખવાની જોગવાઈ છે, જ્યારે આ પ્રતિમા 15 ફૂટ કરતા વધુ ઊંચી જોવા મળી હતી. જોકે, ઊંચાઈ અને આયોજન અંગે વિવાદ ન સર્જાય તે માટે આયોજકોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર પાસેથી નિયમ મુજબની તમામ જરૂરી પરવાનગીઓ અગાઉથી જ મેળવી લેવામાં આવી હતી.

અફરાતફરી થવા અંગે આયોજક તપનસિંહ રાજપૂતે જણાવ્યું કે, દર વર્ષે આયોજન થાય છે, પરંતુ આ વર્ષે અપેક્ષા કરતાં વધુ ગણેશ ભક્તો આવી ગયા હતા. અમારા વોલેન્ટિયર્સ સ્થળ પર હાજર હતા અને અમે ભીડને નિયંત્રિત કરવાની કામગીરી કરી હતી. જ્યારે ઉમરા પીઆઈ એમ. જે. ચૌધરીએ કહ્યું કે, લોકોને વ્યવસ્થિત કરવા અને ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રિત કરવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. એક-બે જગ્યાએ ભીડ વધારે હતી, ત્યાં પણ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી હતી.