








સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસને મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. પ્રાંતિજ અને તલોદ ગ્રામ્ય વિસ્તારમાં બોરવેલના કેબલ વાયર તેમજ યુજીવીસીએલના એલ્યુમિનિયમના વીજતારની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે કુલ છ અનડીટેક્ટ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂ. ૭.૩૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પ્રાંતિજ અને તલોદ ગ્રામ્ય વિસ્તારમાં બોરકૂવા પરથી કેબલ વાયર તેમજ યુજીવીસીએલના વીજતારની ચોરીના બનાવોને પગલે પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરી હતી
પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે ચોરીના ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી.દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે GJ-09-BL-5889 નંબરની ઇકો ગાડીને અટકાવી તપાસ કરતાં તેમાં બળેલા તેમજ આખા કેબલ વાયર અને યુજીવીસીએલના એલ્યુમિનિયમના વીજતાર મળી આવ્યા હતા. પોલીસે ગાડીમાં સવાર પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ પ્રાંતિજ તથા તલોદ ગ્રામ્ય વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ બોરવેલના કેબલ વાયર અને યુજીવીસીએલના એલ્યુમિનિયમના વીજતારની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી
તપાસ દરમિયાન કુલ છ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.પોલીસે યુવરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ, દીપકસિંહ ટીનુસિંહ ચૌહાણ, રજુસિંહ કુવરસિંહ સોલંકી, અનિલસિંહ ઉર્ફે ગજી રવુસિંહ ચૌહાણ અને રણજીતસિંહ જોધસિંહ પરમારની ધરપકડ કરી છે.બોક્સ : રૂ. ૭.૩૪ લાખનો મુદ્દામાલ કબજેપોલીસે આરોપીઓ પાસેથી ૯૭૩ ફૂટ કોપર વાયર, યુજીવીસીએલના એલ્યુમિનિયમના વીજતારના નાના-મોટા રોલ અને ટુકડાઓ મળી રૂ. ૨,૧૩,૭૭૦નો મુદ્દામાલ, ચાર મોબાઇલ ફોન કિંમત રૂ. ૨૧,૦૦૦ તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી ઇકો ગાડી કિંમત રૂ. ૫ લાખ મળી કુલ રૂ. ૭,૩૪,૭૭૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. છ ગુનાઓનો ભેદ ઉકેલાયોતલોદ પોલીસ સ્ટેશન તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) હેઠળ નોંધાયેલા કુલ છ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે
આ સમગ્ર કામગીરીમાં પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયા, પીએસઆઈ એન.સી. ગોહિલ સહિત પોલીસની ટીમે મહત્વની કામગીરી કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી કેબલ અને વીજતાર ચોરીના છ ગુનાઓ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડતાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો પર અંકુશ લાવવાની દિશામાં મહત્વની સફળતા મેળવી છે.પ્રાંતિજ પોલીસે ચોરીના છ ગુનાઓનો ભેદ ઉકેલી રૂ. ૭.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરતાં કેબલ ચોર ગેંગમાં ફફડાટ ફેલાયો છે.