fbpx

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

Spread the love
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને સરકારી નોકરીઓ તેમજ શિક્ષણમાં અનામત મેળવવા માટે ઑગસ્ટ 2015૫માં શરૂ થયેલું એક ઐતિહાસિક અને વ્યાપક જન-આંદોલન હતું. આ આંદોલન મુખ્યત્વે હાર્દિક પટેલની આગેવાની હેઠળની ‘પાટીદાર અનામત આંદોલન સમિતિ’ (PAAS) દ્વારા ચલાવવામાં આવ્યું હતું. પાટીદારો આને ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખે પણ ઓળખે છે તે અમદાવાદના GMDC ગ્રાઉન્ડની ઐતિહાસિક સભાને આવતીકાલે 11 વર્ષ પૂરા થઇ રહ્યા છે. રાજ્યમાં એક દાયકા પહેલા થયેલા પાટીદાર આંદોલનના કારણે આનંદીબેને રાજીનામું આપવું પડ્યું હતું. એવામાં આનંદીબેનના જીવન પર લખાયેલા પુસ્તક ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’માં પાટીદાર અનામત આંદોલન અંગે નવો ઘટસ્ફોટ કરાયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 7 ડિસેમ્બર, 2025ના દિવસે 249 પાનાના આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું અમદાવાદમાં વિમોચન કર્યું હતું. પુસ્તકમાં 14 પ્રકરણો છે. જેમાં આનંદીબેનના નાનપણથી માંડીને તેમના જીવનમાં આવેલાં અનેક પડકારોનો ઉલ્લેખ છે. 11 નંબરનું પ્રકરણ પાના નંબર 150થી શરૂ થાય છે. જેનું શિર્ષક છે વધતું ગયું ગુજરાતનું ગૌરવ.

આનંદીબેન સાથે વર્ષોથી કામ કરી રહેલા અશોક દેસાઇ, પંકજ જાની અને વિનય જોશીએ આ પુસ્તક હિન્દી ભાષામાં તૈયાર કર્યું હતું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી-ગાંધીનગરના ચેરમેન વલ્લભ પટેલને પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે આનંદીબેન અને ત્રણેય લેખકો સાથે આ અંગે વાત કરી હતી. મંજૂરી મળી જતા પુસ્તકની બીજી આવૃત્તિનું પ્રકાશન સહિયર મહિલા ઉદ્યોગ વિકાસ ટ્રસ્ટ- અમદાવાદે કર્યું હતું.

anandiben patel

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ પ્રકરણના પાનાં નંબર 171 અને 172 પર પાટીદાર અનામત આંદોલનના શિર્ષક હેઠળ લખાયું છે કે, ‘એક બાજુ આનંદીબેન ગુજરાતને અગ્રગણ્ય રાજય બનાવવા માટે યથાસંભવ પ્રયાસો કરી રહ્યાં હતા તો બીજી બાજુ રાજનીતિના હાંડલામાં કંઇક એવું રાંધવાનો પ્રયત્ન થઇ રહ્યો હતો. જેને ગુજરાતની અસ્મિતા સાથે કોઇ લેવા-દેવા નહોતી. અંગત સ્વાર્થોની પૂર્તિ માટે જાતજાતનાં છળકપટ રચાઇ રહ્યાં હતા. ગુજરાતના સૌથી વધુ સમૃદ્ધ અને રાજનીતિમાં વર્ચસ્વ ધરાવનાર પટેલ સમાજના કેટલાંક યુવાનોને આગળ કરીને જ્યારે અનામત આંદોલન શરૂ થયું ત્યારે સૌને આશ્ચર્ય થયું કે ગુજરાતનો સૌથી સમૃદ્ધ સમાજ અનામતની માગણી કેમ કરી રહ્યો છે? એ સ્પષ્ટ હતું કે બંધારણની મર્યાદામાં રહેતાં સરકાર અનામતની આ માંગણીને સ્વીકારી શકે નહીં.આનંદીબેને પાટીદાર સમાજની મોટી સંસ્થાઓ અને સમાજના અગ્રણી લોકો સાથે ચર્ચા સતત ચાલુ રાખી અને જે સત્ય હતું તે સામે મૂક્યું કે આ માગણીને સ્વીકારવી શક્ય નથી. ’

પાના નંબર 172 પર આગળ લખવામાં આવ્યું છે કે, ‘આનંદીબેને પાટીદાર સમાજની મોટી સંસ્થાઓ અને સમાજના અગ્રણી લોકો સાથે ચર્ચા સતત ચાલુ રાખી અને જે સત્ય હતું તે સામે મૂક્યું કે આ માગણીને સ્વીકારવી શક્ય નથી. પાટીદાર સમાજના લોકો આનંદીબેનની વાતોથી સંમત પણ હતા, પરંતુ તેમ છતાં આંદોલન ચાલું જ હતું. સ્પષ્ટ જ છે કે અંગત સ્વાર્થ માટે થઈને કૉંગ્રેસ અને ભાજપાના કેટલાક વરિષ્ઠ નેતાઓ આ આંદોલનને વધુ ભડકાવી રહ્યા હતા, એ વાતથી બેફિકર થઈને કે આનો કેટલો બધો વિપરીત પ્રભાવ ગુજરાત પર પડશે? એમને ગુજરાત સાથે શું લેવા-દેવા? એમને તો માત્ર પોતાનો સ્વાર્થ દેખાઈ રહ્યો હતો. આવી રાજનીતિક પરિસ્થિતિઓમાં થયેલ સ્થાનીય ક્ષેત્રોની ચૂંટણીઓમાં ભાજપાને તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વિજય પ્રાપ્ત થયો, જોકે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેને અપેક્ષિત સફળતા મળી શકી નહીં.

ઑગસ્ટ, 2015માં શરૂ થયેલ આ આંદોલન જાન્યુઆરી 2016 આવતાં આવતાં તો લગભગ સમાપ્ત થઈ ગયું, આ દરમિયાન આનંદીબેને સામાન્ય શ્રેણીમાં આવનાર તમામ વિદ્યાર્થીઓ માટે ‘યુવા સ્વાવલંબન યોજના’ની જાહેરાત કરી, જેમાં ‘સેલ્ફ ફાઇનાન્સ’ (સ્વનિર્ભર) કૉલેજોમાં પ્રવેશ મેળવનાર સામાન્ય શ્રેણીના તમામ વિદ્યાર્થીઓને વધુ ફી આપવી પડતી હતી, જે સરકાર દ્વારા આપવાની જોગવાઈ કરવામાં આવી. આ સાથે હૉસ્ટેલ ફી અને ત્યાંના ભોજનનું બિલ વગેરેની અડધી ચૂકવણી સરકાર દ્વારા વહન કરવામાં આવનાર હતી. આ યોજનાને કારણે સામાન્ય શ્રેણીના પરિવારો પર પડી રહેલ શિક્ષણનો આર્થિક બોજો બહુ ઓછો થઈ ગયો. બીજી બાજુ, આંદોલનની અરાજકતાથી બહાર નીકળ્યા પછી ગુજરાતનું વાતાવરણ સામાન્ય થવા લાગ્યું હતું. સરકાર પણ પોતાની ગતિએ કામ કરી રહી હતી, પરંતુ આકાશ જેવું હૃદય ધરાવનાર આનંદીબેનનું ચિંતન તો કંઈક જુદું જ હતું. તેઓ જોઈ ચૂક્યાં હતાં કે ગુજરાતમાં લેવાઈ રહેલા લોકહિતકારી નિર્ણયોથી ઘણા લોકો આશંકિત થઈ ગયા છે કે હવે તેમનું કંઈ જ ચાલવાનું નથી. આવા લોકો ગમેતેવી ભ્રમણાઓ ફેલાવી શકે છે. તેમણે વિચાર્યું કે ડિસેમ્બર, 2017માં થનાર વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને અપેક્ષિત સફળતા ન મળે તો તેમને હંમેશ માટે અફસોસ રહી જશે.

anandiben patel

પાટીદાર અનામત આંદોલન સમયે હાલ વિરમગામના ધારાસભ્ય અને તે સમયે પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે આંદોલનને દબાવવા, પોલીસ બળનો ઉપયોગ કરવા અને સમાજ વિરુદ્ધ નિવેદનો આપવાના આક્ષેપો કર્યા હતા. જો કે પાછળથી હાર્દિકે એવું પણ નિવેદન આપેલું કે આનંદીબેન પાટીદારોને અનામત આપવા સક્ષમ પ્રક્રિયા કરતા હતા પરંતુ દિલ્હીના નેતાઓએ તેમને હટાવ્યા હતા. આનંદીબેન પટેલના પુસ્તકમાં તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તે સમયે આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા અને હાલ ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મેં હજી સુધી આ પુસ્તક વાંચ્યું નથી એટલે વ્યક્તિગત ટિપ્પણી ન કરી શકું, પરંતુ આંદોલન દરમિયાન ભાજપ કે કોંગ્રેસના કોઈ પણ નેતા સીધી કે આડકતરી રીતે જોડાયેલા નહોતા. હા, કાર્યકર્તાઓ જોડાયેલા હોઈ શકે છે.

ભાજપના નેતાઓ વિશે કરાયેલા આટલા મોટા દાવાની વિશ્વસનીયતા એટલા માટે વધે છે કેમ કે તેના લેખક અશોક દેસાઇ છે. જે વર્ષોથી આનંદીબેન સાથે કામ કરી રહ્યાં છે. પુસ્તકમાં ભાજપના વરિષ્ઠ નેતાઓનો ઉલ્લેખ છે તે નેતાઓ કોણ હતા? આ સવાલ સૌથી મોટો છે. આનો જવાબ ફક્ત ભાજપ જ આપી શકે. આ મામલે પ્રદેશ ભાજપ પ્રવક્તા ડૉ. અનિલ પટેલે કહ્યું કે, આમ તો આ પુસ્તક મેં વાચ્યું નથી અને એના સંદર્ભમાં ડિટેઇલ બહુ માહિતી નથી, પરંતુ સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરતી હોય ત્યારે તેની પાછળનો ઉદ્દેશ શું છે તે લખનાર અથવા તો બોલનારને ખબર હોય પરંતુ આ અંગે મારું કંઇ ધ્યાન ગયું નથી. મેં હજુ વાંચ્યુ નથી એટલે તેના આગળ-પાછળના રેફરન્સીસ શું છે તે પણ મને ધ્યાને નથી. પુસ્તકનું લોન્ચિંગ અમદાવાદમાં થયું હતું તે માહિતી મને મીડિયા મારફતે છે. અમિત શાહ પણ લોન્ચિંગમાં ગયા હતા.

પાટીદાર આંદોલનની વાત હાર્દિક પટેલ વગર અધૂરી રહે. આંદોલનના એ સમયના પોસ્ટર બોય હાર્દિક પટેલ પોતાની આગવી ઓળખ ઊભી કર્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇને ટિકિટ મેળવીને વિરમગામના ધારાસભ્ય બની ગયા છે.

anandiben patel

2014ની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત પછી ગાંધીનગર ટાઉન હોલમાં 21 મે, 2014ના દિવસે ગુજરાત ભાજપની વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્યોએ આનંદીબેન પટેલને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા હતા. ત્યારે ધારાસભ્યોને કરેલા સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કેશુભાઇની સરકારમાં આનંદીબેન શિક્ષણ મંત્રી હતા ત્યારે કેશુભાઇ મુખ્યમંત્રી તરીકે જે ભાષણ આપતા તેમાં 70થી 80% ભાષણ શિક્ષણની સિદ્ધિઓ પર રહેતું કેમ કે ત્યારે શિક્ષણ વિભાગ ઉત્તમ રીતે ચાલતો હતો.

ગુજરાતની સ્થાપના પછી મહેસૂલ ક્ષેત્રે એકપણ સરકાર કશું ઉકાળી શકી નહોતી. હું પણ મારા પહેલા કાર્યકાળમાં કંઇ કરી શક્યો નહોતો. આજે હું ગૌરવથી કહી શકું છું કે છેલ્લા 5-7 વર્ષોમાં મહેસૂલ ક્ષેત્રે પાયામાં જે રિફોર્મ થયા છે, આંટીઘૂંટીમાં ફસાયેલી વ્યવસ્થાને સરળ કરી દીધી હોય તો તે આનંદીબેન છે. દેશમાં 100 વર્ષોથી આવું કામ નથી થયું. આ કામનો શ્રેય સમગ્ર દેશમાં એક માત્ર આનંદીબેન પટેલને જાય છે. આનંદીબેન શિક્ષક મન, વહીવટનો પ્રગાઢ અનુભવ, મહિલા હોવાના નાતે ગુજરાતની સામાન્ય પ્રકૃતિને અનુકૂળ શ્રેષ્ઠ મુખ્યમંત્રી પૂરવાર થશે.

Leave a Reply

error: Content is protected !!