

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા માટે ઇથેનોલ ઉત્પાદનને જવાબદાર ગણવું અયોગ્ય છે. સરકારે ખાંડ મોંઘી થવા પાછળ સ્થાનિક ઉત્પાદનમાં ધારણા કરતાં થયેલો ઘટાડો, આગામી તહેવારોની માંગ, પ્રતિકૂળ હવામાનને કારણે પાકને થયેલું નુકસાન, વૈશ્વિક સ્તરે પુરવઠાની ખેંચ અને બજારમાં થતી સટ્ટાખોરી તથા સંગ્રહખોરીને મુખ્ય કારણો ગણાવ્યા છે.
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ખાંડના ભાવ 20 જુલાઈ 2026ના રોજ પ્રતિ કિલો રૂ. 48.18 હતા, જે વધીને 20 ઓગસ્ટ 2026 સુધીમાં રૂ. 55.70 પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ગ્રાહકોને વ્યાજબી ભાવે પૂરતી ખાંડ મળી રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

મંત્રાલયે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે, ખાંડના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા માટે ઇથેનોલ ઉત્પાદન તરફ ખાંડ વાળવાની પ્રક્રિયાને જવાબદાર ઠેરવવી ખોટી છે.
સ્થાનિક સ્તરે અપેક્ષા કરતાં ઓછું ઉત્પાદન, તહેવારો પહેલા વધી રહેલી માંગ, ખરાબ હવામાનથી શેરડીના પાકને થયેલી અસર, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની અછત અને ઉદ્યોગના કેટલાક વર્ગો દ્વારા કરવામાં આવતી સટ્ટાખોરી તથા સંગ્રહખોરી જેવા વિવિધ પરિબળો ભેગા થવાને કારણે ભાવ વધ્યા છે.
અંદાજ કરતાં ઉત્પાદન ઓછું હોવા છતાં, ઓક્ટોબરમાં શેરડી પિલાણની નવી સીઝન શરૂ થાય ત્યાં સુધી સ્થાનિક માંગને પહોંચી વળવા માટે દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે તેમ જણાવતાં મંત્રાલયે ઉમેર્યું હતું કે, ખાંડના પુરવઠામાં આવી રહેલી તંગી એ માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ એક વૈશ્વિક સમસ્યા છે.
છેલ્લા બે મહિનામાં દેશના સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં લગભગ 40 ટકાનો ઉછાળો આવ્યો છે. બજારના અંદાજ મુજબ (જીએસટી સિવાય), મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ખાંડના એક્સ-મિલ ભાવ હાલમાં રૂ. 5,400 થી 5,560 પ્રતિ ક્વિન્ટલ બોલાઈ રહ્યા છે. જ્યારે એસ-ગ્રેડ ખાંડ રૂ. 5,750 અને એમ-ગ્રેડ ખાંડ રૂ. 5,850 થી 5,900 પ્રતિ ક્વિન્ટલે પહોંચી ગઈ છે.

આગામી તહેવારોની સીઝન પહેલાં ઓલ-ટાઇમ હાઈ પર પહોંચેલા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે ગુરુવારે એક મોટો નિર્ણય લીધો હતો. જે હેઠળ લગભગ એક દાયકામાં પહેલીવાર 31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન કાચી ખાંડની મુક્ત આયાત (ડ્યુટી-ફ્રી ઇમ્પોર્ટ) કરવાની મંજૂરી આપવામાં આવી છે.
સરકારનો આ નિર્ણય તેની ખાંડ નીતિમાં મોટો ઉલટફેર દર્શાવે છે. માત્ર નવ મહિના પહેલા, નવેમ્બર 2025માં, વિપુલ ઉત્પાદનની અપેક્ષાએ સરકારે 15 લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી, જેને બાદમાં વધારીને 20 લાખ ટન કરવામાં આવી હતી. જોકે, માત્ર 8 લાખ ટન નિકાસ થઈ ત્યાં જ સ્થાનિક સ્ટોક ઘટવા લાગતા સરકારે નિકાસ પર અંકુશ લગાવવો પડ્યો હતો. નીતિમાં આવેલા આ અચાનક બદલાવને કારણે વર્ષ 2025-26 માટે ખાંડના ઉત્પાદન અને સ્ટોકના અંદાજો સામે સવાલો ઊભા થયા છે.
અનિયમિત વરસાદ અને સૂકા હવામાનને કારણે શેરડીના ઉત્પાદનને માઠી અસર પહોંચી છે. શેરડીના પાક માટે પુષ્કળ પાણીની જરૂરિયાત હોવાથી, પુરવઠો ઘટવાની આશંકાએ ભાવ પર સતત દબાણ ઊભું કર્યું છે. આ ઉપરાંત, વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશ બ્રાઝિલમાં પુરવઠાની સ્થિતિ વણસતાં વૈશ્વિક સ્તરે ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. પ્રતિકૂળ હવામાનના કારણે બ્રાઝિલે ખાંડના પાકની લણણીમાં વિલંબ થવાની ચેતવણી આપી છે, જેની સીધી અસર વૈશ્વિક બજારો પર પડી રહી છે.
સરકારનું કહેવું છે કે કેટલીક ખાંડ મિલો અને વેપારીઓ દ્વારા અટકળો અને સંગ્રહખોરીએ પણ ભાવમાં તાજેતરના વધારામાં યોગદાન આપ્યું છે. તેથી કેટલાક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં…
- 1 ઓગસ્ટથી 30 નવેમ્બર 2026 સુધી દેશભરના ખાંડના વેપારીઓ પર 400 ટનની સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે.
- 1 સપ્ટેમ્બરથી, જથ્થાબંધ ગ્રાહકોને (બલ્ક કન્ઝ્યુમર્સ) 15 દિવસના વપરાશથી વધુ ખાંડનો સ્ટોક રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની સંયુક્ત ટુકડીઓ સંગ્રહખોરી અને કૃત્રિમ અછતને તપાસવા માટે મિલો ખાતે ખાંડના સ્ટોકની ભૌતિક ચકાસણી કરી રહી છે.
- સાવચેતીના પગલા તરીકે, સરકારે સ્થાનિક ઉપલબ્ધતામાં વધુ વધારો કરવા માટે 10 LMT કાચી ખાંડ (રૉ સુગર)ની જકાત મુક્ત આયાત કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
- રાજ્યો અને ખાંડ મિલોને 15 ઓક્ટોબર 2026 થી ક્રશિંગ શરૂ કરવા માટે સલાહ આપવામાં આવી છે. આનાથી ઓક્ટોબરમાં ખાંડનું ઉત્પાદન સામાન્ય 3-4 LMT થી વધીને 10 LMT થી વધુ થવાની ધારણા છે, જેનાથી તહેવારોની સિઝન દરમિયાન ઉપલબ્ધતામાં વધુ સુધારો થશે.
સરકારે કહ્યું કે, સરકાર ગ્રાહકો અને શેરડીના ખેડૂતો બંનેના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. તે ખાંડના સ્ટોક, ભાવ અને બજારની પદ્ધતિઓ પર સતત ઝીણવટભરી નજર રાખશે અને ખેડૂતોને સમયસર લેણાંની ચુકવણી સુનિશ્ચિત કરીને સંગ્રહખોરી અને અયોગ્ય ભાવ વધારાને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે.