fbpx

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

Spread the love
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે માટે સમયસર પોસ્ટમોર્ટમ બાદ સફળતાપૂર્વક ‘કેવિટી એમ્બાલ્મિંગ’ કરી જરૂરી તમામ કાયદાકીય કાગળો સાથે મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
નવી સિવિલ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા.20 ઓગસ્ટના રોજ ડીંડોલી પોલીસ સ્ટેશન મારફતે મૂળ શાહગંજ, જિલ્લો: જૌનપુર, ઉત્તરપ્રદેશના વતની અને હાલ ડીંડોલીમાં રહેતા 54 વર્ષીય રવિપ્રકાશ શ્યામનારાયણ રાજપૂતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ ખાતે લાવવામાં આવ્યો હતો.

મૃતકના સગા-સબંધીઓ અંતિમવિધિ પોતાના વતનમાં કરવા માંગતા હોવાથી અને મૃતદેહને હવાઈ માર્ગે યુ.પી. લઈ જવાનો હોવાથી એમ્બાલ્મિંગ પ્રક્રિયા કરવી જરૂરી બની હતી. આ બાબતને ધ્યાને લઈ ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. ચંદ્રેશ ટેલરના માર્ગદર્શન હેઠળ ફરજ પરના તબીબો ડો. મિલિન્દ પટેલ, ડો. ગર્વિત ચૌધરી અને ડો. દિપાલી દ્વારા પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ ત્વરિત કેવિટી એમ્બાલ્મિંગ કરી જરૂરી સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. તમામ કાયદાકીય કાર્યવાહી સમયસર પૂરી કરી મૃતદેહને સ્વજનોને સુપ્રત કરવામાં આવ્યો હતો.

તબીબી અધીક્ષક ડો. પારુલ વડગામા અને આર.એમ.ઓ. ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બાલ્મિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવે છે. વિભાગ દ્વારા અત્યાર સુધીમાં પરિવારજનોની વિનંતીથી કુલ 7 કેસોમાં સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરી મૃતદેહને વિવિધ આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. દુઃખની ઘડીમાં પરિવારજનોને રાહત મળે એવો સુરત સિવિલનો પ્રયાસ રહ્યો છે.

એમ્બાલ્મિંગ એટલે શું?

એમ્બાલ્મિંગ (Embalming) એટલે મૃતદેહને લાંબા સમય સુધી સડી જતો અટકાવવા અને તેને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવતી એક વિશેષ તબીબી અને રાસાયણિક પ્રક્રિયા. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના શરીરનું કુદરતી રીતે ડિકમ્પોઝિંગ શરૂ થઈ જતું હોય છે. એમ્બાલ્મિંગ પ્રક્રિયા દ્વારા આ વિઘટનને ધીમું કે અટકાવી દેવામાં આવે છે, જેથી મૃતદેહમાંથી દુર્ગંધ ન આવે અને તે સુરક્ષિત રહે.આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તબીબો દ્વારા એમ્બાલ્મિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે એરલાઇન્સ અને રેલ્વે માટે ફરજિયાત હોય છે.

Leave a Reply

error: Content is protected !!