fbpx

ગુજરાતમાં વધુ એક નકલી દારુની ફેક્ટરી ઝડપાઇ, પોલીસે 600 ભરેલી અને 9 હજાર ખાલી બોટલો પકડી

Spread the love
ગુજરાતમાં વધુ એક નકલી દારુની ફેક્ટરી ઝડપાઇ, પોલીસે 600 ભરેલી અને 9 હજાર ખાલી બોટલો પકડી

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલી દારૂના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. ત્યારે કચ્છમાંથી નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. આદિપુરના 4-A વિસ્તારમાં ભુજ સાયબર સેલે મોટી કાર્યવાહી કરીને નકલી દારૂના જથ્થા સાથે મોટી સંખ્યામાં ખાલી અને ભરેલી બોટલો, કેમિકલ તેમજ દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં કેમિકલમાં પાણી ભેળવીને નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.

જોકે, બોટલો પર નામાંકીત બ્રાન્ડના સ્ટીકર લગાવવાનું બાકી હોવાથી દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે અગાઉ જ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે.  પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને અન્ય કોણ સામેલ છે તે અંગે તપાસ ચાલી રહી છે.

બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયાની ટીમને આદિપુરમાં નકલી દારુ બનાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે તપાસ કરતા આરોપીઓ આદિપુરમાં એક દુકાન ભાડે રાખીને તેમાં નકલી દારુ બનાવતા હતા. આરોપીઓ બહારથી કેમિકલ મંગાવીને તેમાં પાણી ભેળવીને ઇંગ્લિશ દારુ તૈયાર કરતા હતા. તે બાદ આ કેમિકલયુક્ત દારૂને બ્રાન્ડેન્ડ કંપનીની બોટલોમાં ભરીને વેચવામાં આવતો હતો. આ દારુ પીવાથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઇ શકે છે.

Duplicate-Liquor-Factory3

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ભુજ સાયબર સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે આદિપુરના 4-A વિસ્તારમાં આવેલી ફેક્ટરી પર અચાનક દરોડો પાડ્યો હતો. જ્યાં ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ દારૂ બનાવવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. રોયલ સ્ટેગ બાદ હવે આરોપીઓ દ્વારા ‘રોયલ ચેલેન્જ’ બ્રાન્ડના નામે નકલી દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી કેમિકલ અને બોટલ સીલ કરવાનું મશીન પણ જપ્ત કર્યું છે.

દરોડા દરમિયાન પોલીસે 9 હજાર જેટલી ખાલી બોટલો તેમજ દારૂથી ભરેલા 600થી વધુ ક્વાર્ટર કબજે કર્યા છે. તૈયાર કરાયેલા દારૂના ક્વાર્ટર પર સ્ટીકર લગાવવાની કામગીરી બાકી હતી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મુંબઈના હિતેશ બામણિયા અને ઉત્તર પ્રદેશના મથુરાના બિજેન્દ્ર જાટ નામના બે મુખ્ય આરોપીઓની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગોડાઉનમાં મોટા પાયે નકલી દારૂનું ઉત્પાદન કરી જાણીતી બ્રાન્ડ Royal Challengeના સ્ટીકરો લગાડીને બોટલો વેચવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું.

etvbharat.comના અહેવાલ મુજબ, પ્રાથમિક તપાસમાં કેમિકલમાં પાણી ભેળવીને નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. તૈયાર કરાયેલા દારૂને બોટલમાં ભરી તેના પર બ્રાન્ડના સ્ટીકર લગાવી બજારમાં સપ્લાય કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના દરોડા સમયે મોટી સંખ્યામાં બોટલો તૈયાર સ્થિતિમાં મળી આવી હતી, પરંતુ તેના પર સ્ટીકર લગાવવાનું બાકી હતું. જેના કારણે નકલી દારૂનો જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસ કાર્યવાહી કરવામાં સફળ રહી હતી.

Duplicate-Liquor-Factory4

બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે, ‘કચ્છમાં નશાના કારોબારને નાથવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે આદિપુરમાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં આ નકલી ફેક્ટરી ઝડપાઈ છે. આવા ગુનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.’

બોર્ડર રેન્જ સાયબર સેલ PSI મયૂરધ્વજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પ્રવૃત્તિ 3-4 દિવસથી જ શરૂ કરવામાં આવી હતી. દારૂ બનાવવાનું રો મટીરિયલ મુંબઈથી (મુંબઈના કોઈ રાજસ્થાનના રાજુ નામના વ્યક્તિ મારફતે) મંગાવવામાં આવ્યું હતું. એક સેમ્પલ બોટલ પર ‘Royal Challenge’ લખેલું હતું અને અન્ય બોટલોના ઢાંકણા પર ‘RC’ લખેલું મળી આવ્યું હતું. ઘટનાસ્થળે FSL અધિકારીઓએ પહોંચીને સેમ્પલિંગની કામગીરી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.’

આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને અગાઉ આવો નકલી દારૂ બજારમાં પહોંચાડવામાં આવ્યો છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ લંબાવી છે. આ ઉપરાંત કૌભાંડ પાછળ સંકળાયેલા અન્ય સાગરીતોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Duplicate-Liquor-Factory2

23 દિવસ અગાઉ અમદાવાદના શાહપુરમાંથી સસ્તો દારૂ, પાણી અને ફ્લેવરને મિક્સ કરીને બ્રોન્ડેડ દારૂની બોટલમાં ભરીને વેચવાનો પર્દાફાશ થયો હતો. મકાનમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરી પર પોલીસ કમિશનરની PCB સ્ક્વોર્ડે દરોડો પાડી ચાર આરોપીને ઝડપી લીધા હતા. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મંગો ચૌહાણ છે. જેના મકાનમાં તેણે ચારેય મિત્રને નોકરીએ રાખ્યા હતા. જેમાંથી એક સંચાલક, સસ્તો દારૂ લાવનારને અને અન્ય બેને દારૂની ડિલિવરી માટે પણ રૂપિયા આપતો હતો. આરોપીઓ ડિમાન્ડ પ્રમાણે આગળના દિવસે દારૂ બનાવતા હતા અને બ્રાન્ડેડ બોટલના જેટલા ભાવ હોય એ ભાવે જ સસ્તો દારૂ પધરાવી દેતા હતા.

Leave a Reply

error: Content is protected !!