fbpx

વિદેશ ભણવા જવું છે? વિદ્યાર્થી અને વાલીઓએ આ બાબતો સમજ્યા પછી જ નિર્ણય લેવો

Spread the love

વિદેશ ભણવા જવું છે? વિદ્યાર્થી અને વાલીઓએ આ બાબતો સમજ્યા પછી જ નિર્ણય લેવો

વિદેશમાં અભ્યાસ આજે પણ સારા શિક્ષણ, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને વૈશ્વિક કારકિર્દી માટે મહત્વની તક બની શકે છે. પરંતુ હવે વિદેશ ભણવાનો નિર્ણય માત્ર ટ્રેન્ડ જોઈને કે મિત્રો-સગાંના અનુભવના આધારે લેવો યોગ્ય નથી. એક સ્ટુડન્ટ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ તરીકે મારી સલાહ છે કે વિદ્યાર્થી અને વાલીઓએ સૌથી પહેલાં પોતાની જરૂરિયાત, ક્ષમતા અને ભવિષ્યનું લક્ષ્ય સમજવું જોઈએ.

તાજેતરના સરકારી આંકડા પ્રમાણે અભ્યાસ માટે વિદેશ જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2023માં 9.08 લાખ હતી, જે 2025માં ઘટીને 6.26 લાખ થઈ છે. આ ઘટાડાને માત્ર વિદેશી શિક્ષણ પ્રત્યેનો રસ ઘટ્યો તરીકે જોવાને બદલે, વિદ્યાર્થીઓ હવે વધુ વિચારપૂર્વક નિર્ણય લઈ રહ્યા છે તેવા સંકેત તરીકે પણ જોઈ શકાય. 

સૌ પ્રથમ નક્કી કરો—વિદેશ શા માટે જવું છે?

વિદ્યાર્થીએ પોતાને એક સીધો પ્રશ્ન પૂછવો જોઈએ: “હું વિદેશમાં અભ્યાસ શા માટે કરવા માગું છું?” જો જવાબ માત્ર “બધા મિત્રો જાય છે”, “વિદેશમાં સેટલ થવું છે” અથવા “વિદેશી ડિગ્રી સારી લાગે છે” એટલો જ હોય તો થોડું રોકાઈને વિચારવું જરૂરી છે.

જો વિદ્યાર્થીને ચોક્કસ ક્ષેત્રમાં  સ્પેશિયલાઇઝ્ડ એજ્યુકેશન, રીસર્ચ, ઇન્ટરનેશનલ એક્સપોઝર અથવા પોતાની કારકિર્દી માટે જરૂરી કોઈ વિશિષ્ટ કોર્સ મેળવવો હોય, તો વિદેશી શિક્ષણ યોગ્ય વિકલ્પ બની શકે છે.

02

પોતાની પ્રોફાઇલ પ્રમાણે કોર્સ પસંદ કરો

મારી સૌથી મહત્વની સલાહ છે કે પહેલા કોર્સ નક્કી કરો અને પછી દેશ તથા યુનિવર્સિટી પસંદ કરો. વિદ્યાર્થીની અગાઉની એજ્યુકેશન પર્ફોમન્સ, અંગ્રેજીની જાણકારી, કામનો અનુભવ કરિયર ઇન્ટરેસ્ટ અને લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કોર્સ પસંદ કરવો જોઈએ.
માત્ર કોઈ કોર્સ સરળ છે, એડમિશન સરળતાથી મળે છે અથવા અન્ય વિદ્યાર્થીઓ એ કોર્સ કરી રહ્યા છે તેથી તેને પસંદ કરવો યોગ્ય નથી.

બજેટ પહેલાં નક્કી કરો

વિદેશ જતાં પહેલાં માત્ર ટ્યૂશન ફીની ગણતરી કરવી પૂરતી નથી.
કુલ ખર્ચમાં સામાન્ય રીતે: ટ્યૂશન ફી, અકોમોડેશનસ, ફૂડ અને ડેઇલી ખર્ચ, હેલ્થ ઇન્શ્યુરન્સ, વિઝાનો ખર્ચ, એર ટિકિટ અને ઇમરજન્સી ફન્ડનો સમાવેશ થાય છે. 

વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોર્સ પૂરો થાય ત્યાં સુધીનો અંદાજિત કુલ ખર્ચ કાઢવો જોઈએ. લોન લેવાની હોય તો ઇએમઆઇ અને રીપેમેન્ટની પણ અગાઉથી ગણતરી કરવી જોઈએ.

પાર્ટ ટાઇમ જોબ પર જ આધાર ન રાખી શકાય

વિદેશમાં અભ્યાસ દરમિયાન પાર્ટ ટાઇમ કામની તક મળી શકે છે, પરંતુ તેને અભ્યાસના સમગ્ર ખર્ચ માટેની ગેરંટી માનવી યોગ્ય નથી. મારી સલાહ છે કે વિદ્યાર્થીની પ્લાનિંગ એવી હોવી જોઈએ કે પાર્ટટાઇમ ઇન્કમ ન મળે તો પણ અભ્યાસ ચાલુ રાખી શકાય. કોઈ પણ દેશના વિઝા અથવા પોસ્ટ સ્ટડી રૂલ્સને કાયમી માનીને નિર્ણય ન લેવો.નિયમોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે.

સૌથી મહત્વનું— માત્ર “વિદેશમાં રહેવું” લક્ષ્ય ન બનાવો

વિદેશમાં અભ્યાસનો હેતુ માત્ર ત્યાં રહેવાનો ન હોવો જોઈએ. વિદ્યાર્થીએ વિચારવું જોઈએ:
“આ કોર્સ પૂર્ણ કર્યા પછી મારી પાસે કઈ સ્કીલ હશે?”
“આ સ્કીલથી હું કઈ કરિયર બનાવી શકીશ?”
“જો મને ત્યાં નોકરી ન મળે તો મારી અલ્ટરનેટિવ પ્લાન શું છે?”

આ ત્રણ પ્રશ્નોના જવાબ જેટલા સ્પષ્ટ હશે, તેટલો વિદેશી અભ્યાસનો નિર્ણય મજબૂત બનશે.

03

વાલીઓએ પણ નિર્ણયમાં સક્રિય રહેવું જોઈએ

વિદેશ જવાનો નિર્ણય માત્ર વિદ્યાર્થીનો કે માત્ર વાલીઓનો ન હોવો જોઈએ. બંનેએ સાથે મળીને ચર્ચા કરવી જોઈએ. ખાસ કરીને લોન લઈને અભ્યાસ કરવાના કિસ્સામાં પરિવારની ખુલ્લી ચર્ચા જરૂરી છે.

મારી વિદ્યાર્થીને એક જ સલાહ છે કે માત્ર વિદેશ જવું એ અંતિમ લક્ષ્ય નથી; સારૂ શિક્ષણ અને મજબૂત કરિયર બનાવવું એ લક્ષ્ય છે.આથી “મને વિદેશ જવું છે”થી શરૂઆત ન કરો.

શરૂઆત કરો—“મારે ભવિષ્યમાં શું બનવું છે?” એક કન્સલ્ટન્ટ તરીકે મારી સૌથી મોટી સલાહ છે—વિદેશ જવાની ઉતાવળ ન કરો, પરંતુ યોગ્ય તક મળે ત્યારે ડરશો પણ નહીં. નિર્ણય લાગણીથી નહીં, માહિતી અને આયોજનથી લો.

Leave a Reply

error: Content is protected !!