fbpx

કેન્સરની સારવારમાં નવા યુગની આશા

Spread the love

કેન્સરની સારવારમાં નવા યુગની આશા

કેન્સરની સારવારમાં લાંબા સમયથી ચાલી રહેલા સંશોધનને નવી દિશા આપતી એક મહત્વપૂર્ણ સફળતા સામે આવી છે. મોડર્ના અને મર્ક દ્વારા વિકસાવવામાં આવેલી પર્સનલાઇઝ્ડ એમ આરએનએ વેક્સિન (personalised mRNA cancer vaccine) એ મેલાનોમા એટલે કે ગંભીર પ્રકારના ચામડીના કેન્સર સામેના ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલમાં આશાસ્પદ પરિણામો આપ્યાં છે. આ સારવારનો હેતુ માત્ર કેન્સરને ઘટાડવાનો નહીં, પરંતુ સર્જરી બાદ કેન્સર ફરી પાછું આવવાનું અને શરીરના અન્ય ભાગોમાં ફેલાવાનું જોખમ ઘટાડવાનો છે. 

1,137 દર્દીઓ પર કરવામાં આવ્યો અભ્યાસ

આ લેઇટ સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલમાં કુલ 1,137  દર્દીઓ સામેલ હતા. દર્દીઓમાં સર્જરી બાદ કેન્સર પાછું આવવાની શક્યતા વધારે હતી. સંશોધનમાં વેક્સિનને કીટ્રુડા (પેમબ્રોલિઝુમેબ) નામની ઇમ્યુનોથેરેપી સાથે આપવામાં આવી હતી અને તેની સરખામણી માત્ર કીટ્રુડા મેળવતા દર્દીઓ સાથે કરવામાં આવી હતી. 

cancer

પ્રારંભિક પરિણામો અનુસાર મૃત્યુનું જોખમ લગભગ 49 ટકા ઓછું જોવા મળ્યું. કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાવા અથવા તેના કારણે મૃત્યુના જોખમમાં લગભગ 59 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જોકે લાંબા ગાળાના સર્વાઇવલ સંબંધિત સંપૂર્ણ આંકડા હજુ ઉપલબ્ધ થવાના બાકી છે. 

આ વેક્સિન સામાન્ય વેક્સિનથી અલગ કેવી રીતે?

આ ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત તેનું પર્સનલાઇઝ્ડ હોવું છે. એટલે કે દરેક દર્દી માટે એક જ પ્રકારની વેક્સિન તૈયાર કરવામાં આવતી નથી.
દર્દીની સર્જરી દરમિયાન કાઢવામાં આવેલી ગાંઠનું જેનેટિક સિક્વેન્સિંગ કરવામાં આવે છે. ત્યારબાદ ગાંઠમાં રહેલા ચોક્કસ મ્યુટેશન્સ ઓળખવામાં આવે છે. આ માહિતીના આધારે દર્દીના કેન્સર સેલને ઓળખી શકે તેવી એમ આરએનએ વેક્સિન તૈયાર કરવામાં આવે છે. આ વેક્સિનમાં દર્દીના ટ્યૂમર સાથે સંબંધિત અનેક મ્યુટેશન્સને ટારગેટ કરવાની માહિતી સામેલ કરવામાં આવે છે. 

સરળ ભાષામાં કહીએ તો, આ સારવાર ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષોને  ઓળખવાની તાલીમ’ આપવાનો પ્રયાસ કરે છે. જો સર્જરી બાદ શરીરમાં ખૂબ ઓછા પ્રમાણમાં કેન્સર સેલ રહી ગયા હોય તો ઇમ્યુન સિસ્ટમ તેમને ઓળખીને હુમલો કરી શકે અને કેન્સર ફરી વિકસવાની શક્યતા ઘટાડી શકે.

આથી આ અભિગમ બીજી કેન્સર ટ્રીટમેન્ટથી અલગ છે. દરેક દર્દીની ગાંઠના જનીન તત્વોના લક્ષણો અલગ હોઈ શકે છે અને તે મુજબ વેક્સિન તૈયાર કરવામાં આવે છે. 

Male-Breast-Cancer5

હજુ ‘કેન્સરની વેક્સિન’ તરીકે સામાન્ય ઉપયોગ માટે તૈયાર નથી

આ સારવાર હજુ ફેઝ 3 ટ્રાયલના સ્ટેજ પર છે. તેના સામાન્ય ઉપયોગ માટે તેની લાંબાગાળાની અસરો, સરકારી મંજૂરી અને બીજી બાબતો ધ્યાને લેતા તે સામાન્ય સારવારમાં આવતા હજુ સમય લાગશે. આ ઉપરાંત આ વેક્સિન કેન્સર થયા પછી તેનો વ્યાપ ઘટાડવા અંગે છે. કેન્સરને રોકતી નથી.  

 ભવિષ્યમાં અન્ય કેન્સર માટે પણ ઉપયોગની શક્યતા

આ સફળતા બીજા પ્રકારના કેન્સરને પણ ભવિષ્યમાં ઉપયોગી બની શકે તેવી શક્યતા છે. તે અંગેના અભ્યાસો પણ થઇ રહ્યા છે.

Leave a Reply

error: Content is protected !!