ZSTVના ‘મોતની સવારી’ના સમાચાર બાદ પ્રાંતિજ પોલીસનું તાત્કાલિક એક્શન
– વીડિયો વાયરલ થયાના બીજા જ દિવસે ફરી એ જ સ્થિતિમાં ઓવરલોડ એ જ ક્રૂઝર ઝડપાઈ
– મુસાફરોને સલામત ઉતારી વાહન ડિટેઇન કરાયું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક કતપુર ટોલટેક્સ પાસે ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરી તેમજ વાહનની છત ઉપર પણ મુસાફરો બેસાડી જોખમી રીતે હેરાફેરી કરતી જીપનો વીડિયો ZSTV માં પ્રસિદ્ધ થયા બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે

ZSTVમાં પ્રસિદ્ધ થયેલા સમાચારની ગંભીરતા ધ્યાને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ પાર્થરાજસિંહ ગોહિલ, IPS દ્વારા આવા જોખમી રીતે મુસાફરોની હેરાફેરી કરતા વાહનો તથા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જેના પગલે પ્રાંતિજ PI ડીઆર પઢેરીયાના માર્ગદર્શન હેઠળ PSI એનસી ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દુલેસિંહ વિક્રમસિંહ સહિતના પોલીસ સ્ટાફે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું આ દરમિયાન ZSTVમાં વીડિયો પ્રસિદ્ધ થયેલી સ્થિતિ જેવી જ સ્થિતિમાં એજ ફોર્સ કંપનીની ક્રૂઝર ગાડી નંબર GJ-31-A-8261 ફરીથી હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જતી મળી આવી હતી પોલીસના જણાવ્યા મુજબ ગાડીમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલા હતા તેમજ અંદર અને વાહનની છત ઉપર પણ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા પ્રાંતિજ પોલીસે કતપુર ટોલટેક્સ નજીક આ વાહનને રોકી મુસાફરોને તાત્કાલિક સલામત રીતે નીચે ઉતાર્યા હતા ત્યારબાદ વાહનને ડિટેઇન કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું

વાહનચાલક સામે મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૦૭, ૩, ૧૮૧, ૧૭૭, ૧૩૦ અને ૧૯૨(એ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત પરમીટનો ભંગ કરતા અન્ય વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરી કુલ રૂ ૩૦ હજારનો સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે જિલ્લા પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા એક તરફ ZSTVના અહેવાલ બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા મુસાફરોની સુરક્ષાને ગંભીરતાથી લઈ તાત્કાલિક વાહન ચેકિંગ અને કાર્યવાહી કરાવવામાં આવી છે, તો બીજી તરફ હવે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જિલ્લા આરટીઓ કચેરીના વિસ્તારમાંથી જ આવા ઓવરલોડ વાહનો વારંવાર પસાર થતા હોવા છતાં આરટીઓ વિભાગ દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી ? ખાસ કરીને ZSTVના વીડિયોમાં આરટીઓ કર્મચારી દ્વારા નાણાં લેતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો

આ બાબતે હવે આરટીઓ વિભાગ દ્વારા સંબંધિત કર્મચારી સામે કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે અંગે પણ લોકોમાં ચર્ચા છે ZSTVમાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ બીજા જ દિવસે પ્રાંતિજ પોલીસે એ જ ક્રૂઝર ઓવરલોડ ‘મોતની સવારી’ને ઝડપી પાડીને મુસાફરોને સલામત રીતે ઉતારતા જિલ્લા પોલીસની કાર્યવાહી ચર્ચામાં આવી છે હવે લોકોની નજર આરટીઓ વિભાગ તરફ છે કે વીડિયો સામે આવ્યા બાદ સંબંધિત કર્મચારી અને ઓવરલોડ વાહનો અંગે વિભાગ ક્યારે અને શું કાર્યવાહી કરે છે મુસાફરોના જીવ સાથે ચેડાં કરતી આવી હેરાફેરી સામે તાત્કાલિક કાર્યવાહી કરનાર જિલ્લા પોલીસ વડા ડૉ પાર્થરાજસિંહ ગોહિલ તથા પ્રાંતિજ પોલીસની કામગીરીને લઈને સ્થાનિકોમાં પણ પ્રશંસાનો માહોલ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે આરટીઓ વિભાગ પણ આ મામલે કેટલી ઝડપથી પગલાં ભરે છે