પ્રાંતિજ ના નનાનપુર ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે ખેડૂતોમાં રોષ
નનાનપુર ગામે ૧૦ જેટલા ગામોના ખેડૂતોની બેઠક યોજાઈ કિલોના ₹૩૦૦થી વધુ ભાવ સહિત ચાર મુખ્ય માંગણીઓ
સાબરકાંઠા જિલ્લામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે આસપાસના દસ જેટલા ગામોના બટાકા ઉત્પાદક ખેડૂતો એકત્ર થયા હતા અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દરમિયાન પડતી મુશ્કેલીઓ તેમજ કંપનીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ કપાત અંગે ચર્ચા કરી હતી.





ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી બટાકાના ભાવમાં યોગ્ય વધારો થયો નથી, જ્યારે બીજી તરફ ડીઝલ, ખાતર, જંતુનાશક દવાઓ સહિત ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતોના કહેવા પ્રમાણે ગત વર્ષે પણ ભાવમાં પ્રતિ ૨૦ કિલોએ રૂ.૧૦નો ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલમાં કંપનીઓ દ્વારા પ્રતિ ૨૦ કિલો આશરે રૂ.૨૭૫ થી રૂ.૨૮૦ ચૂકવવામાં આવે છે, જ્યારે ખેડૂતો રૂ.૩૦૦થી વધુ ભાવની માંગ કરી રહ્યા છે નનાનપુર ખાતે યોજાયેલી બેઠકમાં ખેડૂતોએ કંપનીઓ સમક્ષ મુખ્ય ચાર માંગણીઓ રજૂ કરી હતી , વજનમાં થતી કપાત બંધ કરી પૂરા વજનના પૂરા નાણાં ચૂકવવામાં આવે , કંપની દ્વારા બટાકાની ખરીદી કરવામાં આવતી હોવાથી લોડિંગનો સંપૂર્ણ ખર્ચ કંપનીએ ભોગવવો ,બ્રાઉન સ્પોટના નામે કરવામાં આવતી કપાત બંધ કરવામાં આવે ,.મોંઘવારી અને વધતા ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખી કોન્ટ્રાક્ટના ભાવમાં વધારો કરવામાં આવે તેમજ હવામાન અને જમીનની કુદરતી અસરના નામે ભાવમાં કપાત કરવાની નીતિ બંધ કરવામાં આવે , માંગણીઓ નહીં સંતોષાય તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો બહિષ્કાર ખેડૂતોનો આક્ષેપ છે કે ગત વર્ષે કંપનીઓ તેમજ રાજ્ય સરકારના કૃષિ વિભાગના મંત્રી અને પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજાઈ હતી અને સરકાર દ્વારા મધ્યસ્થી પણ કરવામાં આવી હતી. જોકે તે સમયે થયેલી ચર્ચા મુજબની બાબતોનો અમલ થયો ન હોવાનું ખેડૂતોનું કહેવું છે હવે ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ચારેય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરવામાં નહીં આવે. કંપનીઓ દ્વારા વાવેતર સમયે આપવામાં આવતા બિયારણનો પણ બહિષ્કાર કરવાની અને જરૂર પડે તો બટાકાના બદલે અન્ય રવિ પાકનું વાવેતર કરવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે આ મુદ્દે આગામી દિવસોમાં કંપનીઓ અને બટાકા ઉત્પાદક ખેડૂતો વચ્ચે ભાવ અને કપાતને લઈને વિવાદ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે