પ્રાંતિજ ખાતે સાંસદ ને પત્ર આપી રજૂઆત કરવામા આવી
– નિરાધાર દીકરીઓને આજીવન કુટુંબ પેન્શન આપવા માંગ
ગુજરાત સરકારના પેન્શનર્સ તથા ફેમિલી પેન્શનર્સના અવસાન બાદ તેમના પર આધારિત અપરિણીત, વિધવા, ત્યકતા કે છૂટાછેડા લીધેલી પુત્રીઓને કેન્દ્ર સરકારના ધોરણે આજીવન કુટુંબ પેન્શનનો લાભ આપવા માંગ ઉઠી છે. આ અંગે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી સખાવતી મહામંડળ દ્વારા સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

રજૂઆતમાં જણાવાયું હતું કે કેન્દ્ર સરકારના નિયમો મુજબ નિવૃત્ત પેન્શનર અથવા ફેમિલી પેન્શનરના અવસાન બાદ તેમના પર આધારિત અપરિણીત, વિધવા, ત્યકતા કે છૂટાછેડા લીધેલી પુત્રીઓને નિયમોનુસાર આજીવન કુટુંબ પેન્શન આપવાની જોગવાઈ છે. જ્યારે ગુજરાત સરકારના નિયમોમાં ૨૫ વર્ષથી વધુ ઉંમરની આવી નિરાધાર પુત્રીઓને આજીવન કુટુંબ પેન્શનનો લાભ મળતો નથી. મહામંડળના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં સર્વે કરવામાં આવતા આવી આશરે ૭૦૦ જેટલી નિરાધાર દીકરીઓ હોવાનું સામે આવ્યું છે. આ દીકરીઓને હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને પંજાબ સહિતના રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કુટુંબ પેન્શનનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી સખાવતી મહામંડળ સાથે રાજ્યના ૩૭ જિલ્લા અને ૨૪૨ તાલુકામાં ચાર લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓ જોડાયેલા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આ મુદ્દે મુખ્યમંત્રી, નાણામંત્રી, મુખ્ય સચિવ સહિતના જવાબદાર અધિકારીઓને અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સાંસદ શોભનાબેન બારૈયાને રક્ષાસૂત્ર અર્પણ કરી નિરાધાર બહેનોની લાગણી અને માંગ સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી. તેમજ સાંસદ દ્વારા મુખ્યમંત્રી, નાણામંત્રી, મુખ્ય સચિવ તથા નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ખાસ કિસ્સામાં ભલામણ કરી કેન્દ્ર સરકારના ધોરણે આજીવન કુટુંબ પેન્શનનો લાભ અપાવવા માટે સહભાગી બનવા માંગ કરવામાં આવી હતી