fbpx

માંદા લોકોને પણ આ રાક્ષસો નથી છોડતા, અમદાવાદમાં હવે દવા પણ નકલી પકડાઈ, ખેંચ અને બીપીની ડુપ્લિકેટ દવાઓ વેચતા

Spread the love

માંદા લોકોને પણ આ રાક્ષસો નથી છોડતા, અમદાવાદમાં હવે દવા પણ નકલી પકડાઈ, ખેંચ અને બીપીની ડુપ્લિકેટ દવાઓ વેચતા

ગાંધીના ગુજરાતમાં હવે ભેળસેળિયાઓ અને ગુનેગારોની નજર દર્દીઓના જીવ પર પણ પડી છે. અમદાવાદમાં મગજની ખેંચ (એપિલેપ્સી) અને આંચકીના દર્દીઓ માટે અત્યંત મહત્વની ગણાતી ઈન્ટાસ (Intas) ફાર્માસ્યુટિકલ કંપનીની ‘Levera 500’ નામની દવાની નકલી બેચ માર્કેટમાં ઘુસાડવામાં આવી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં ઉત્તર પ્રદેશના લખનૌથી ડિસ્ટ્રિબ્યુટરો મારફતે આ નકલી દવાનો જથ્થો ગુજરાત સુધી પહોંચાડાયો હોવાનું સામે આવ્યું છે. આ રેકેટ સામે આવતાં જ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ અનુસાર નકલી દવાઓ બનાવતી ગેંગે ઈન્ટાસ કંપનીની મૂળ ‘Levera 500’ દવાની આબેહૂબ કોપી કરીને ડુપ્લિકેટ જથ્થો તૈયાર કર્યો હતો. આ નકલી દવામાં કંપનીનું પેકિંગ, લોગો અને અન્ય તમામ વિગતોની હુબહૂ નકલ કરવામાં આવી હતી. ડિસ્ટ્રિબ્યુટર પાસે પહોંચેલા આ જથ્થાની જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે પ્રોડક્ટના બારકોડ  સહિતની વિગતો અંગે શંકા ઉપજી હતી. સિસ્ટમમાં બારકોડ મેચ ન થતાં ડિસ્ટ્રિબ્યુટરે તરત જ ઈન્ટાસ કંપનીને આ અંગે જાણ કરી હતી. કંપનીએ તપાસ કરતાં આ દવા નકલી હોવાનું માલૂમ પડ્યું હતું, ત્યારબાદ કંપની દ્વારા અધિકૃત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું.

ગુજરાત સુધી પહોંચેલા નકલી દવાના તાર લખનૌ સાથે જોડાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ નકલી ‘Levera 500’ કેસમાં લખનૌ ખાતે બ્રિજેશ પટેલ નામના વ્યક્તિ સામે FIR નોંધવામાં આવી છે. બ્રિજેશ પટેલ ‘કેર ફાર્મસી’ નામની રિટેલ ચેઈન સ્ટોર સાથે સંકળાયેલો છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આ ગેંગ ઊંચા ડિસ્કાઉન્ટની લોભામણી જાહેરાતો આપીને દવાઓનું વેચાણ કરતી હતી.

03

આ ઉપરાંત, ‘ક્યોરપેથ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસનીશ એજન્સીઓના જણાવ્યા મુજબ, જેમ જેમ તપાસ આગળ વધશે તેમ આ નેટવર્કમાં સંકળાયેલી અન્ય કંપનીઓ અને મોાટા માથાઓના નામ સામે આવી શકે છે.

તપાસ દરમિયાન વધુ એક ભયાનક અને ચોંકાવનારી વિગત સામે આવી છે. આ ગેરકાયદેસર નેટવર્ક દ્વારા માત્ર ‘Levera 500’ જ નહીં, પરંતુ હાઈ બ્લડ પ્રેશર (BP)ની પણ નકલી દવાઓ તૈયાર કરવામાં આવતી હતી. લખનૌથી આ ડુપ્લિકેટ જથ્થો ગુજરાત ઉપરાંત દેશના અન્ય પણ અનેક શહેરોમાં સપ્લાય કરવામાં આવ્યો હોવાની દ્રઢ શંકા છે, જેને પગલે હવે ગુજરાત પોલીસ અને ડ્રગ્સ વિભાગની તપાસ અન્ય રાજ્યો સુધી લંબાશે.

ભૌગોલિક નકશા તપાસો

આ ગંભીર બાબતે ‘ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ્સ એસોસિએશન’ના પ્રમુખ જસુ પટેલે સખત શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નકલી દવાઓનું વેચાણ એ સીધેસીધું દર્દીઓના જીવન સાથેનું ખતરનાક ચેડાં છે. આવા કિસ્સાઓમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જરૂરી છે.

તેમણે તમામ ડિસ્ટ્રિબ્યુટરો અને સેમી-હોલસેલરોને અપીલ કરી છે કે શંકાસ્પદ કે નકલી લાગતો માલ તાત્કાલિક અસરથી પરત કરવો. કોઈપણ સંજોગોમાં શંકાસ્પદ દવાનું રિટેલ માર્કેટમાં વેચાણ ન કરવું. માત્ર ને માત્ર કંપનીના અધિકૃત સોર્સ પાસેથી જ દવાની ખરીદી કરવી.

02

હાલમાં ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અન્ય સંબંધિત તપાસ એજન્સીઓ ડિસ્ટ્રિબ્યુટરો સુધી પહોંચેલા માલ, તેના બિલ, બેચ નંબર અને સપ્લાય ચેઈનની કડીઓ જોડી રહી છે. નકલી દવાનું મેન્યુફેક્ચરિંગ ક્યાં થતું હતું? પેકિંગ કોણ કરતું હતું? અને દેશભરમાં આ નેટવર્ક કેટલું ઊંડું ફેલાયેલું છે? તે તમામ સવાલોના જવાબો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો આ કેસની તપાસ સીબીઆઈ (CBI)ને સોંપવામાં આવે તો દેશવ્યાપી નકલી દવાના આ કાળો કારોબાર પાછળના અનેક મોટા મગરમચ્છોના ચહેરા પરથી નકાબ હટી શકે તેમ છે.

Leave a Reply

error: Content is protected !!