fbpx

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, માર્કેટ આગની જ્વાળાઓમાં લપેટાઈ

Spread the love

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, માર્કેટ આગની જ્વાળાઓમાં લપેટાઈ

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેના કારણે આખેઆખી માર્કેટ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ છે. ટેક્સટાઈલ માર્કેટના છઠ્ઠા માળે લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ધીમે-ધીમે તે અન્ય દુકાનોમાં પણ પ્રસરી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ અને માર્કેટ એસોસિએશનના પ્રતિનિધિઓ ઘટનાસ્થળે હાજર છે, અને આગને નીચેના માળ સુધી ફેલાતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 5 કલાકથી વધુ સમયથી આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ચાલી રહી છે, જોકે આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી અકબંધ છે.

સુરત સમાચાર અપડેટ્સ

Shyam Sangini Textile Market

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ફાયર કંટ્રોલ રૂમને રાત્રે 12:12 વાગ્યે શ્યામ સંગીની માર્કેટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓ સહિત પ્રારંભિક તબક્કે 5-6 ગાડીઓ રવાના કરવામાં આવી હતી. જોકે, ઘટનાસ્થળ પર પહોંચતા જ 5મા અને 6ઠ્ઠા માળે આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા પારખીને બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. હાલ 12-15 ફાયર ટેન્ડર અને હાઈરાઇઝ બિલ્ડિંગ માટે વપરાતી ટર્ન ટેબલ લેડર માર્ફતે આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આગની આ મોટી ઘટનાની જાણ થતા જ સુરતના મેયર માયા માવાણી અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમની સાથે સ્થાનિક કોર્પોરેટરો અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને ઘટનાસ્થળે ઉપસ્થિત રહી પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

માર્કેટ ચારેય તરફથી બંધ હોવાને કારણે અંદર ધુમાડો ભરાઈ ગયો છે. સૌથી મોટી મુશ્કેલી એ ઊભી થઈ છે કે માર્કેટના પેસેજમાં ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા કાપડના જથ્થામાં આગ પકડાઈ ગઈ હતી. પેસેજ બ્લોક હોવાથી ફાયર વિભાગના જવાનોને અંદર પ્રવેશવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સલામતીના ભાગરૂપે અને શોર્ટ સર્કિટથી આગ વધુ ન ભડકે તે માટે સમગ્ર બિલ્ડિંગનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો છે.

Shyam Sangini Textile Market

ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, પેસેજમાં પડેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. હાલ સમગ્ર ધ્યાન આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા પર કેન્દ્રિત છે. બહાર પેસેજમાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ દરેક દુકાનોના શટર ખોલીને અંદર આગ પહોંચી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. કોઈ વ્યક્તિ અંદર ન ફસાય અને લિફ્ટનો ઉપયોગ ન થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. તમામ સ્ટેશનોની ટીમો સતત આગ ઓલવવાની કામગીરીમાં લાગેલી છે.

Shyam Sangini Textile Market

આ માર્કેટમાં અંદાજે 250 થી પણ વધુ દુકાનો આવેલી છે અને તેમાં કાપડનો મોટો જથ્થો રહેલો છે, જે આગની ઝપેટમાં આવી ગયો છે. આખેઆખો 6ઠ્ઠો ફ્લોર આગની ઝપેટમાં આવી જતા ટેક્સટાઈલ માર્કેટને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી વેપારીઓની ચિંતામાં મોટો વધારો થયો છે. રાહતની વાત માત્ર એટલી છે કે આ ભીષણ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

Leave a Reply

error: Content is protected !!