
અમદાવાદના ઓઢવમાં પરિણીતાની છેડતી કેસમાં કાકા સસરાની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમ અને નંબર સાથેની ચિઠ્ઠી ચલણી નોટ પર મૂકીને ફેંકી દેતો હતો ત્યારબાદ ચલણી નોટ મળી આવનાર વ્યક્તિ પરણિતાને ફોન કરીને પરેશાન કરતા હતા. તપાસમાં એવું સામે આવ્યું છે કે આ શખ્સ એક તરફી પ્રેમમાં પરિણીતાના બદનામ કરતો હતો કારણ કે તેને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ઓઢવમાં રહીને બ્યૂટી પાર્લર ચલાવતી પરિણીતાને ગત 21 જુલાઈથી 4 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અજાણ્યા લોકોના ફોન અને વોટ્સએપ મેસેજ આવવા લાગ્યા હતા. તપાસ કરતા જાણ થઇ કે કોઈ શખ્સ નરોડા, રામોલ, ટોલટેક્સ, હાટકેશ્વર સર્લક, સીંગરવા અને ઓઢવ એસ.પી. રિંગરોડ જેવા જાહેર વિસ્તારોમાં રસ્તા પર ચલણી નોટ ફેંકતો હતો. આ નોટ પર પરિણીતાનો ફોટો, ઘરનું સરનામું, મોબાઈલ નંબર અને અભદ્ર લખાણ લખેલી ચિઠ્ઠી ચોંટાડતો હતો. આ નોટ રસ્તા પરથી મેળવતા લોકો પરિણીતાને ફોન કરી હેરાન કરતા હતા જેના કારણે પરિવારમાં ભારે કંકાસ ઊભો થયો હતો.
ઓઢવ SP રિંગરોડ પર જાનવી આર્કેડના પાર્કિંગમાંથી 4 સપ્ટેમ્બરના રોજ એક જાગૃત નાગરિકે આવી નોટ મળતા પરિણીતા અને તેના પરિવારને જાણ કરી હતી. પરિણીતાએ ઓઢવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે 100થી વધુ CCTV ચેક કર્યા હતા. જાનવી આર્કેડના CCTVમાં એક શખ્સ એક્ટિવા પર આવીને નોટ ફેંકતો જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી સંબંધમાં પીડિતાના સગા કાકા સસરા થાય છે. આરોપીના તેની પત્ની સાથે છૂટાછેડા થવાના હોવાથી અને પીડિતાના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. છેલ્લા બે મહિનાથી પીડિતાને પામવા અને તેના લગ્નજીવનમાં ભંગાણ પાડવાના હેતુથી તેને બદનામ કરવા આ કૃત્ય આચર્યું હોવાની કબુલાત કરી છે.