
મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા વચ્ચે છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા કરોડો રૂપિયાની જમીનના વિવાદનો આખરે અંત આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના આઠ જ દિવસમાં સમગ્ર સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું, જેના પરિણામે ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ વિવાદિત પ્લોટનો કબજો છોડવાની સાથે બાંધકામની પરમિશન પણ સરન્ડર કરી દીધી છે.

અસગરઅલી વોહરાએ ગત 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ગુજરાતના વડનગર સ્થિત બી.એન. હાઇસ્કૂલમાં PM મોદી સાથે એક જ વર્ગમાં અભ્યાસ કરતા હતા. આ મુલાકાત દરમિયાન વોહરાએ પોતાની કરોડોની જમીન પર થયેલા કથિત કબ્જાનો મુદ્દો ઉઠાવીને આ મામલે PM મોદીને હસ્તક્ષેપ કરવા તેમજ CBI તપાસ કરાવવા વિનંતી કરી હતી.
PM મોદી સાથેની આ મુલાકાત બાદ સમગ્ર ઘટનાક્રમે ઝડપ પકડી હતી. મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રીકર પરદેશીએ રાજ્યના મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ફરિયાદી અસગરઅલી વોહરા, ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા, મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર રાધા વિનોદ શર્મા અને ટાઉન પ્લાનર પુરુષોત્તમ શિંદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જ ધારાસભ્ય મહેતાએ જમીનનો કબજો છોડવા અને તમામ પરવાનગીઓ પરત ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ વિવાદ ભાઈંદર ઈસ્ટમાં આવેલા નવઘર વિસ્તારની 2,810 ચોરસ મીટર જમીનનો છે. અસગરઅલી વોહરાના જણાવ્યા મુજબ, તેમણે આ કિંમતી જમીન વર્ષ 1989માં ખરીદી હતી. જોકે, વર્ષ 2011માં ‘સ્વયમ બિલ્ડર્સ’ અને ‘સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ’ નામની કંપનીઓએ આ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. આ બંને કંપનીઓ ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે સીધી રીતે સંકળાયેલી હોવાનો વોહરાએ આક્ષેપ કર્યો હતો.
વોહરાનો આરોપ હતો કે તેમની ગેરહાજરીમાં અને જાણ બહાર બોગસ દસ્તાવેજો બનાવીને જમીન આ બંને કંપનીઓ વચ્ચે વહેંચી દેવામાં આવી હતી. તેઓ છેલ્લા 15 વર્ષથી વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા અને 2015માં આ મામલે FIR પણ દાખલ કરવામાં આવી હતી.
સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાને એક પત્ર લખીને જણાવ્યું છે કે તેમણે 13 જૂન 2019ના રોજ રજિસ્ટર્ડ ડીડ દ્વારા આ જમીન ખરીદી હતી અને પાલિકાએ તેમને 17 એપ્રિલ 2026ના રોજ આ પ્લોટ પર બાંધકામ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે જમીન માલિકી અંગે વિવાદ સામે આવતા કંપનીએ પોતાનું ‘કન્સ્ટ્રક્શન સર્ટિફિકેટ’ પાલિકાને સરન્ડર કરી દીધું છે. સાથે જ તેમણે આ બાંધકામ પરવાનગી રદ કરવા અને પ્રોજેક્ટ માટે અગાઉ જમા કરાવેલી ફી પરત આપવા વિનંતી કરી છે.

ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ આ મામલે મુંબઈ પોલીસ કમિશનરને પણ અલગથી પત્ર પાઠવ્યો છે. વર્ષ 2015માં નરેન્દ્ર મહેતા દ્વારા અસગરઅલી વોહરા અને તેમના સહયોગી અજય ઢોકા વિરુદ્ધ કથિત ગેરકાયદે પ્રવેશ અને ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહેતાએ હવે સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું હોવાથી તેઓ આ જૂની પોલીસ ફરિયાદ પાછી ખેંચી રહ્યા છે.
આ જમીન વિવાદ અંગે સત્યતા ચકાસવા માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ બંને કન્સ્ટ્રક્શન કંપનીઓના સંચાલકોને 16 સપ્ટેમ્બરે ખુલાસો કરવા માટે બોલાવ્યા હતા અને તે જ દિવસે સુનાવણી પણ નિયત કરવામાં આવી હતી. વોહરાએ વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ જ ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ, મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેના નેતા પ્રતાપ સરનાઈકે પણ PM મોદી અને વોહરાની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન પોતાના બાળપણના મિત્ર સાથે થયેલા અન્યાય સામે ચોક્કસ ન્યાય અપાવશે, જે આજે સાચું સાબિત થયું છે.