પ્રાંતિજ તપોધન ફળી ખાતે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી
તપોધન ફળીના રહીશો સવાર-સાંજ વિઘ્નહર્તા દાદાની આરતી ઉતારી ધન્યતા અનુભવે છે
ગણેશ સ્તુતિ, ધૂન અને ગરબા સહિતના ભક્તિમય કાર્યક્રમો યોજાય છે
દસમા દિવસે વાજતે-ગાજતે ભગવાન ગણેશને વિદાય આપવામાં આવશે
મુંબઈ સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના તપોધન ફળી ખાતે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તપોધન ફળી યુવક મંડળ દ્વારા દસ દિવસ માટે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. રહીશો સવાર-સાંજ વિઘ્નહર્તા દાદાની પૂજા-અર્ચના અને આરતી ઉતારી ભક્તિભાવપૂર્વક મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે.


પ્રાંતિજ સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગણેશ યુવક મંડળો દ્વારા ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. તપોધન ફળી ખાતે પણ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી યુવક મંડળ અને રહીશો દ્વારા સેવા-પૂજા કરવામાં આવે છે. ગણેશજીને ભાવતાં ભોજનનો ભોગ ધરાવી ભક્તો ધન્યતા અનુભવે છે ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે તપોધન ફળીમાં રહેતા હર્ષદભાઈ લક્ષ્મણભાઈ રાવલના પરિવાર દ્વારા ભગવાન ગણેશની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે રહીશો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. રાત્રિના સમયે ગણેશ સ્તુતિ, ગણેશ ધૂન, ગરબા સહિતના વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દસ દિવસ સુધી ચાલનારા ગણેશ મહોત્સવના અંતિમ દિવસે તપોધન ફળી યુવક મંડળ અને રહીશો દ્વારા ભગવાન વિઘ્નહર્તા ગણેશજીને વાજતે-ગાજતે વિદાય આપવામાં આવશે