
એશિયન ગેમ્સ માટે ભારતીય દળના ઘણા ખેલાડીઓ જાપાનના નાગોયા શહેરમાં પહોંચી ગયા છે. ત્યાં પહોંચ્યા પછી કેટલાક ખેલાડીઓએ રહેવાની જગ્યાની સમસ્યા અંગે ફરિયાદ કરી છે. ખેલાડીઓએ જણાવ્યું હતું કે તેમને હજુ સુધી રૂમ ફાળવવામાં આવ્યા નથી. રમતગમત મંત્રાલય આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન, મંત્રાલયે જાપાનમાં રહેતા ભારતીય લોકો પાસે પણ મદદ માટેની અપીલ કરી છે.
ખર્ચ ઘટાડવા માટે, જાપાને એશિયન ગેમ્સ માટે કોઈ ખાસ ‘ગેમ્સ વિલેજ’ બનાવ્યું નથી. ખેલાડીઓના રહેઠાણ માટે લાકડાના કન્ટેનર-શૈલીના હટ્સ (ઝૂંપડીઓ), ક્રૂઝ શિપ અને હોટલોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, રૂમની ભારે અછત છે. ભારત સહિત અનેક દેશોના ખેલાડીઓએ રહેઠાણની વ્યવસ્થામાં વિલંબ અંગે ફરિયાદ કરી છે.

ભારતના મિશન પ્રમુખ સહદેવ યાદવે શુક્રવાર, 18 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે, નિર્ધારિત આવાસ ન મળવાને કારણે લગભગ 35 ભારતીય ખેલાડીઓને હોટલમાં શિફ્ટ કરવા પડ્યા હતા, જેમાં બેડમિન્ટન ખેલાડીઓ પણ સામેલ હતા. રવિવાર, 20 સપ્ટેમ્બર સુધીમાં નાગોયામાં વધુ ભારતીય ખેલાડીઓ પહોંચશે, એવામાં રહેઠાણ અંગેનું દબાણ વધવાની શક્યતા છે.
‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, રમતગમત મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રમતગમત મંત્રાલયે વિદેશમાં રહેતા ભારતીયોનો સંપર્ક કર્યો છે જેથી એશિયન ગેમ્સ દરમિયાન ખેલાડીઓ માટે રૂમની અછત સર્જાય તો તેઓ રહેઠાણની વ્યવસ્થામાં મદદ કરવા માટે તૈયાર રહે.

અહેવાલો અનુસાર, ભારતીય દૂતાવાસની મદદથી રમતગમત મંત્રાલયે નાગોયામાં લગભગ 2000 ભારતીય પરિવારોનો સંપર્ક કર્યો છે અને ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે. મંત્રાલયની પ્રાથમિકતા ખેલાડીઓને સારી ગુણવત્તાવાળી હોટલોમાં ઉતારો આપવાનો છે; જોકે, જો વધારાના રૂમની જરૂર પડે, તો ભારતીય સમુદાયની મદદ લઇ શકાય છે.
એશિયન ગેમ્સના આયોજન અંગે અનેક સમસ્યાઓ સામે આવી છે. પરંપરાગત ફલેગ હોસ્ટિંગ સમારોહ 18 સપ્ટેમ્બર માટે નિર્ધારિત હતો, પરંતુ તેમાં વિલંબ થયો હતો. ભારત સહિત અનેક દેશોને વિલંબના કારણ વિશે જાણ પણ કરવામાં આવી નહોતી. આનાથી ઘણા પ્રતિનિધિ મંડળો નારાજ પણ થયા હતા.
આ સમારોહ માટે ભારતના ડેપ્યુટી શેફ ડી મિશન અચંતા શરથ કમલ, લિજો ડેવિડ ટી, અલકનંદા અશોક અને અંજલિ ભાગવત ‘ગાર્ડન પિયર’ ખાતે હાજર હતા. ફ્લેગ હોસ્ટિંગ સેરેમની મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેનારા પ્રતિનિધિમંડળો માટે સત્તાવાર સ્વાગત કાર્યક્રમ હોય છે. આ સેરેમની રમતોના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા યોજાય છે.