
ઉત્તર પ્રદેશના બલરામપુર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગણેશજીની મૂર્તિ વિસર્જન દરમિયાન DJ સિસ્ટમના કથિત તેજ અવાજને કારણે બીજા ધોરણની એક વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તે બાળકીનું મૃત્યુ થઇ ગયું હતું. જોકે, પોલીસે જણાવ્યું હતું કે બાળકીના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક વિદ્યાર્થિનીની ઓળખ વૈષ્ણવી તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે, બલરામપુર શહેરની એક ખાનગી શાળામાં બીજા ધોરણની વિદ્યાર્થિની અભ્યાસ કરી રહી હતી; તે સમયે ગણેશ વિસર્જનનું સરઘસ શાળાની બિલકુલ નજીકથી પસાર થઈ રહ્યું હતું.
પોલીસના મતે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે સરઘસ દરમિયાન વાગતા DJના તેજ અવાજને કારણે વિદ્યાર્થિની પોતાની બેઠક પર જ બેભાન થઈને ઢળી પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે શિક્ષકોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવી છે. આ ઘટના બાદ મ્યુનિસિપલ કાઉન્સિલના ઓડિટોરિયમમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શહેરમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બાળકીના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ધીરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, DJના જેત અવાજને કારણે બનેલી આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભવિષ્યના કોઈપણ તહેવારો દરમિયાન DJના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો સર્વસંમત નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે મ્યુનિસિપલ કાઉન્સિલ અને અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ જિલ્લા મેજિસ્ટ્રેટને મળીને DJ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરશે.

તો, આ મામલે બલરામપુર પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા દાવાઓનું ખંડન કરતા કહ્યું સાત વર્ષની વિદ્યાર્થિનીનું મૃત્યુ DJના તેજ અવાજને કારણે થયું હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની 21 સપ્ટેમ્બરે અજ્ઞાત કારણોસર તેના વર્ગખંડમાં બેભાન થઈ ગઈ હતી; ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસનું કહેવું છે કે પરિવારે અંતિમ સંસ્કાર કરી લીધા છે અને તેઓ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માંગતા નથી. પરિવારે પોલીસને આ ઘટનાની જાણ કરી નહોતી. હાલમાં, પોલીસ શાળાના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે અને આ બાબતના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.